May 30, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-176


આ પ્રમાણે જ્ઞાન થવાથી તથા નિર્મળ અભ્યાસ થવાથી,જ્ઞાનવાન મનુષ્યો નાં આ સંસારમાં જન્મ-મરણ
થતાં નથી.(મુક્ત થાય છે) ભીંત,આકાશ તથા “આકાશ-મય આકાશ” માં દેખાવા-માત્ર ભેદ છે.
પણ વસ્તુતઃ ભેદ નથી.માટે ઘાસથી (જગત ની નાનામાં નાની વસ્તુથી) માંડી બ્રહ્મલોક સુધી,
જે એક વસ્તુ સત્ય છે-“તે જ એક વસ્તુ સત્ય છે.” (૨૬)
જુદા-પણા ના સંસ્કાર વાળી બુદ્ધિના ચમત્કાર થી,બુદ્ધિને જુદાપણું દેખાય છે,પણ વસ્તુતઃ જુદાપણું નથી,
આત્મ-પ્રકાશ સર્વાત્મક છે,અને વૃક્ષમાં જેમ બીજ છે તેમ તે (આત્મ-પ્રકાશ) છે.
બીજ અને તેની અંદર રહેલું વૃક્ષ-પણું જેમ જુદું છે અને નથી,તથા,જેમ,બીજમાં વૃક્ષ રહેલું છે તેમ,
બ્રહ્મ માં “આકાશની પેઠે” નિરંતર જગત રહેલું છે.એટલે બીજ માં રહેલું વૃક્ષ-પણું આકાશ-રૂપ છે.
અને તેવી જ રીતે બ્રહ્મમાં જે જગત રહેલું છે-તે સાક્ષીપણા થી ચૈતન્ય-રૂપ છે.
આ પ્રમાણે (આકાશની પેઠે) સર્વ ઠેકાણે બ્રહ્મ ની સત્તા રહેલી છે,કે જે શાંત,અજ,અને એક છે,તથા તે
આદિ-મધ્ય-અંત રહિત છે.તે બ્રહ્મ ની “એકતા” (એક છે તે) ના ગુણે કરીને પણ શૂન્ય છે,અને,
માયા-સંબંધ થી રહિત છે,ચૈતન્ય-રૂપ છે,સર્વત્ર વ્યાપક છે. (૧ થી ૬૨-સાર-રૂપે)
(૮૧) રાજાએ બાકીના પ્રશ્નો ના ઉત્તર આપ્યા.
રાક્ષસી કહે છે કે-હે,મંત્રી તમારું બોલવું (જવાબ) પવિત્ર અને પરમાર્થ-રૂપ છે,
હવે બાકીના પ્રશ્નો નો જવાબ આ કમલલોચન રાજા આપશે.
રાજા કહે છે કે-હે,રાક્ષસી,જયારે જગતની પ્રતીતિ નો અભાવ થાય છે,ત્યારે જ આત્મ-પ્રીતિ થાય છે.અને
જયારે સર્વ સંકલ્પ નો ત્યાગ થાય છે,ત્યારે જ ચિત્ત વડે આત્માનો સાક્ષાત્કાર થાય છે.
આત્મ-સત્તામાં સંવેદન નો વિકાસ થાય છે,એટલે જગતમાં સૃષ્ટિ જોવામાં આવે છે.અને
આત્મ-સત્તામાં સંવેદન નો સંકોચ થાય છે ત્યારે એટલે જગતમાં પ્રલય જોવામાં આવે છે.
માટે વેદાંતનાં વાક્યોની નિષ્ઠા વાણી થી પણ અગોચર છે.
આ ચર-અચર જગત આત્મા(પરમાત્મા) ની ચિત્ત-લય લીલા છે,
તે જગત છે અને તે જગત નથી-એવી રીતે બે પક્ષ-રૂપ છે,તેમજ બે પક્ષની વચ્ચે રહેલું છે.
સારાંશ છે કે-તે અનિર્વચનીય છે,પરમાત્મા વિશ્વ-રૂપે ભિન્નભિન્ન રૂપે છે તો પણ તેમનું અખંડિતપણું ખંડિત નથી.બ્રહ્મ કે જે “સત્તા-માત્ર” છે તેના વિષે જ તમારા બધા પ્રશ્નો છે,છતાં બાકી રહેલા પ્રશ્નો ના ઉત્તર આપું છું.
--“બ્રહ્મ-રૂપી-અણુ” છે તે આત્માને વિષે “વાયુ-પણા ના સંવેદનથી” ભ્રાંતિથી વાયુરૂપ જણાય છે,પણ
ખરું જોતાં તે વાયુ-રૂપ નથી,કારણકે તે કેવળ શુદ્ધ ચિદમાત્ર છે. (૨૭)
--“બ્રહ્મ-રૂપી-અણુ” માં શબ્દ નું સંવેદન થવાથી તે શબ્દ-રૂપ છે,પણ તે શબ્દ-પણું ભ્રાંતિ માત્ર છે,
માટે તે શબ્દ-રૂપ નથી.તેથી તે બ્રહ્મ શબ્દ અને અશબ્દ –એ બંનેનો અર્થ એ દૃષ્ટિ થી દૂર છે (૨૮)

--બ્રહ્મ-રૂપી અણુ સર્વ-રૂપ છે,પણ તે અદૃશ્ય હોવાથી કંઈ પણ નથી. (૨૯)
--પરમાત્મા ની સત્તાથી અહંકાર ને લીધે જીવ ને અહંતા (હું-મારું) થાય છે.તથા અહંકાર નો નાશ થવાથી
અહંતા મટી જાય છે,સર્વ-શક્તિમાન પરમાત્મા ની પ્રતિભા તેમાં કારણ-રૂપ છે. (૩૦)
--આત્મા-એ ઘણા જન્મ સુધી પ્રયત્ન કરવાથી પ્રાપ્ત થાય છે.(૩૧)
--આત્મા ની પ્રપ્તિ થવાથી બીજું કંઈ નહિ પણ -પોતે જ આત્મા છે બીજું કઈ પ્રાપ્ત-રૂપે છે જ નહિ,તેથી.
આત્મા ની પ્રાપ્તિ સિવાય બીજું કંઈ મેળવવાનું રહેતું નથી.જ્યાં આત્મા મળ્યો કે સર્વ મળી ગયું.
મૂળ ને કાપી નાખનાર બોધ-રૂપી તલવાર નો જ્યાં સુધી ઉદય થયો નથી,ત્યાં સુધી જન્મ-રૂપી વસંત-ઋતુમાં
જન્મ-મરણ-રૂપી વેલ ની વૃદ્ધિ થતી જ જાય છે.(૩૨)

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE