Jun 1, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-178


આ જગ-પ્રસિદ્ધ સૂર્ય નો પ્રકાશ દિવસે હોય છે ને રાત્રિએ હોતો નથી,વળી તે બહારની વસ્તુઓનો પ્રકાશ
કરે છે,પણ શરીરના અંદર રહેલ પદાર્થ નો પ્રકાશ કરતો નથી.ત્યારે-
“ચૈતન્ય-રૂપી-સૂર્ય” તો રાતે કે દિવસે,બહાર કે અંદર સર્વ ઠેકાણે અસ્ત-ઉદય થી રહિત પ્રકાશી રહેલ છે.
આ "ચિત્ત-પ્રકાશ" થી જ પ્રકાશેલી,અને અનેક પદાર્થથી ભરેલી “બ્રહ્માંડ-રૂપી-ઝૂંપડી”માં જીવાત્મા પોતાને
જોવા-રૂપ પદાર્થ ને જોઈ શકે છે.આ "ચિત્ત-પ્રકાશ" સ્વતંત્ર-પણાથી તથા અવિદ્યામાં મળીને સર્વનો પ્રકાશ કરે છે.જેવી રીતે સૂર્ય રાત્રિ અને દિવસ-રૂપે પોતાના આત્માને પ્રકાશે છે,તેવી રીતે "ચિત્ત-પ્રકાશ"
સત્ તથા અસત્ (જીવ અને દેહ-રૂપે)પોતાના સ્વરૂપે પ્રકાશે છે. (૪૧)
જેમ,વૃક્ષના પુષ્પ-ફળ- વગેરે અવયવ માંથી ભ્રમરે ગ્રહણ કરેલા સઘળા રસ તે ભ્રમરમાં રહેલા છે,
તેમ,"ચિત્ત-અણુ" ના ઉદરમાં અખિલ અનુભવના અણુ રહેલા છે.
જેમ,વસંત-ઋતુના પ્રભાવથી,સર્વ વનનાં વૃક્ષોમાં અંકુર-આદિ-અવયવો સ્વભાવથી પેદા થાય છે,
તેમ,અખિલ "અનુભવ ના અવયવો" આ "ચિત્ત-અણુ" થી જ ઉત્પન્ન થાય છે. (૪૨)
અત્યંત સૂક્ષ્મ-પણાને લીધે ઇન્દ્રિયો થી આસ્વાદ ન કરી શકાય એવો ચિત્ત-અણુ –એ અખિલ સ્વાદિષ્ટ
પદાર્થ ના ‘સ્વાદ ને સત્તા” આપે છે.જેમ,અરીસા વિના પ્રતિબિંબ ની સત્તા નથી,તેમ સમરસ ચિત્ત-અણુ ના સંબંધ વિના ઝાડ કે ઝાડના ફળ વગેરે પદાર્થમાં રહેલા "સ્વાદમાં સત્તા" નથી. (૪૩)
વિવર્ત-કારણતાને લીધે પોતાનો આશ્રય કરનાર, અને સર્વ જગતનો સ્વરૂપ થી ત્યાગ કરનાર એ ચિત્ત અણુએ પોતાના “અસ્ફૂરણા” પણાથી સર્વ નો ત્યાગ કર્યો છે,અને "સ્ફૂરણા" થી સર્વ નો આશ્રય કર્યો છે (૪૪)

પોતાને ઢાંકવા ને અસમર્થ એવા –ચિત્ત-પરમાણુએ –પોતાની અણુતા ને ચંદરવા ની પેઠે વિસ્તારીને
આખા જગતને ઢાંકી દીધું છે.જેમ,જે વનમાં ખાલી ધરો અને ઘાસ જ હોય તેવા વનમાં હાથી પોતાને
ઢાંકી શકાતો નથી,તેમ આકાશ ની ઉપમા વાળો,આત્મા એક ક્ષણ પણ પોતાને ઢાંકવાને સમર્થ નથી.
આમ છતાં મનુષ્યને તે જણાતો નથી,અને જો જણાય તો તે મનુષ્યને જન્મ-મરણમાં થી મુક્ત કરે છે.(૪૫)
જેમ,વૃક્ષમાં વિશેષ આકારથી (સામાન્ય રીતે) ના દેખાતા અંકુરો –વસંત-ઋતુમાં પાછા દેખાય છે,
તેમ,પ્રલય-કાળમાં વિશેષ આકારથી નાશ પામેલું જગત-એ ચૈતન્યનો આશ્રય કરી,
ફરી પાછું,વિશેષ આકાર ને પામે છે.
જો કે ચૈતન્ય નો આશ્રય તો જગત ને સૃષ્ટિ કાળ અને પ્રલયકાળ માં પણ છે.છતાં પણ,
જેમ વસંત-ઋતુ માં વનમાં જેમ વિચિત્ર રીતે ઝાડ-પાન-વેલા-વગેરે ફૂટી નીકળે છે,
તેમ,જગત નો આકાર સૃષ્ટિકાળ માં દેખાય છે.(પ્રલય કાળમાં નહિ-પ્રલય કાળ નો “વિશેષ આકાર” છે!!)
તેથી –જેમ, વસંત-ઋતુમાં ઝાડ-પાન-ફળ -વેલા-વગેરેમાં જે વિશેષ આકાર દેખાય છે તે વસંત-ઋતુ નો
જ રસ છે,તેમ,જગતની વિચિત્રતા એ “બ્રહ્મ-રસ”નું જ પરિણામ છે,અને બ્રહ્મ અને જગત જુદાં નથી (૪૬)

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE