Jul 16, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-221


આવી રીતે સંપૂર્ણ તત્વ-જ્ઞાન ના થવાથી જેને પૂર્ણતા પ્રાપ્ત થઇ નથી,તેવા (અજ્ઞાની) મનુષ્ય નું મન,
ઉપર પ્રમાણે –કલ્પના થી પોતાને યોગ્ય આકાર તથા રૂપને ઉત્પન્ન કરે છે.
પણ તત્વ-વેતા (જ્ઞાની) નું મન એ પ્રમાણે કરતુ નથી.
ચૈતન્ય-શક્તિ થી સ્ફુરણા પામેલું મન-સ્પંદ થી વાયુ-પણા ને પામે છે,પ્રકાશમાં પ્રકાશ-પણાને પામે છે,
દ્રવ-પદાર્થમાં દ્રવ-પણા ને પામે છે, પૃથ્વીમાં કઠિન-પણાને પામે છે,અને શૂન્ય-દૃષ્ટિ માં શૂન્યતા ને પામે છે.
આ પ્રમાણે ચિત્ત-શક્તિ થી ઈચ્છા પ્રમાણે મન ની સ્થિતિ થાય છે.
માટે આ મન ની શક્તિ જુઓ !! મનુષ્ય નું મન જયારે બીજી વસ્તુમાં લાગેલું હોય ત્યારે
તે પોતાના મુખ થી જે જમતો હોય તેના સ્વાદની તેને ખબર પડતી નથી.
મન વડે જે પદાર્થ જોયો હોય તે જ જોયો કહેવાય,અને મનથી ના જોયેલો પદાર્થ જોયેલો કહેવાય નહિ.
કારણકે અંધારામાં જોયેલા પદાર્થ ની પેઠે,મન થી ના જોયેલા પદાર્થના રૂપ ની ખબર પડતી નથી.
ઇન્દ્રિયો થી મન એ દેહવાન છે (જીવે છે -કે સજીવ છે) અને મનથી ઇન્દ્રિયો દેહવાન છે.(જીવે છે)
એવી રીતે મન તથા ઇન્દ્રિયો નું પરસ્પર સરખા-પણું કહ્યું છે.તેમ છતાં પણ –તત્વતઃ (સત્યમાં)
મનમાંથી ઇન્દ્રિયો ઉત્પન્ન થયેલી છે,ઇન્દ્રીયોમાંથી મન ઉત્પન્ન થતું નથી.તેથી મન એ ઊંચું (સર્વોત્કૃષ્ઠ)છે.
ચિત્ત અને શરીર એ જોકે અત્યંત ભિન્ન છે,તો પણ જે મહાત્મા તેમની એકતા (એટલે કે બંને જડ છે)
એ એમ માને છે તે પંડિતો નમસ્કાર કરવા યોગ્ય છે.
જો કોઈ અતિસુંદર સ્ત્રી કોઈ મન વિનાના મનુષ્યને આલિંગન કરે –તો પણ તે મન વિનાના મનુષ્યને
તે ભીંત ની પેઠે કોઈ વિકાર કરી શકતી નથી.
“વીતરાગ” નમન એક મુનિ ધ્યાનસ્થ હતા ત્યારે વનનો રાક્ષસ તેમનો હાથ ચાવી ગયો તો પણ
તેમને ખબર પડી નહોતી.(ધ્યાન અવસ્થામાં મન ની હાજરી રહેતી નથી!!)
મુનિ ની અભ્યાસ વડે દૃઢ કરેલી મનોભાવના દુઃખ ને સુખરૂપ કે સુખ ને દુઃખ-રૂપ કરવાને સમર્થ હતી.
મનુષ્ય નું મન જયારે બીજી જગ્યાએ લાગેલ હોય છે-ત્યારે તેની સામે પ્રયત્ન થી કહેવાતી કથા,પણ
પરશુથી (કુહાડી જેવું એક અસ્ત્ર) કાપેલી લતા (વેલા) ની પેઠે કરમાઈ જાય છે.
(એટલે કે તેની પાસે કઈ કથા કહેવામાં આવી ? તેની તેને ખબર પડતી નથી)
જેમ,લવણ-રાજાને મન ના પ્રતિભાસથી જ ચંડાળ-પણું પ્રાપ્ત થયું હતું,
તેમ,આ બ્રહ્માંડ એ મન ના મનન-માત્ર છે.મનમાં જેવું જેવું સંવેદન થાય છે તેવા તેવા અનુભવ થાય છે.
માટે,હે,રામ તમને જેમ ઈચ્છામાં આવે તેમ કરો.
લવણ-રાજાની પેઠે,મનના પ્રતિભાસથી-દેવતામાં દૈત્ય-પણું અને હાથીમાં પર્વત-પણું દેખાય છે.
જન્મ-મરણ પણ મન ના સંકલ્પ થી જ થાય છે,અને મનના ઘણા અભ્યાસથી,શૂન્ય આકાર જીવ-પણા ને પામે છે.એટલે કે-મનન થી જેને - મોહ-વાળી વાસના પ્રાપ્ત થયેલી છે,તેવું મન,સુખ-દુઃખ-ભય-અભય-રૂપ
જન્મ ના સ્થાન ને પામે છે. જેમ,તલમાં તેલ રહેલું છે તેમ,મનમાં સુખ-દુઃખ રહેલા છે.
જેમ,તલને દબાવવાથી તેમાં તેલ સ્પષ્ટ દેખાય છે,તેમ મન ને મન ના સંગ થી સુખ-દુઃખ સ્પષ્ટ જણાય છે.
હે,રામ, સંકલ્પ જ –દેશ-કાળ ના નામથી વ્યવહાર કરે છે અને તે સંકલ્પ જ દેશ-કાળ નું કારણ છે.
શાંત થવું,ઉલાસ થવો,જવું,આવવું,આનંદ થવો કે નાચવું-એ બધું મન-રૂપી શરીર નો સંકલ્પ સિદ્ધ થવાથી જ થાય છે. સંકલ્પથી કલ્પેલા અનેક પ્રકારના તરંગો થી,મન –એ –દેહમાં વિહાર કરે છે.
જે મનુષ્ય,પોતાના મનને વિષયોના અનુસંધાન માં જવા દેતો નથી તેનું મન સ્થિર થાય છે અને સ્થિર રહે છે.
એટલે કે-,જેનું મન ચલાયમાન થતું નથી-તેને જ ખરેખર પુરુષ સમજાવો-
બાકીના કાદવ ના કીડા છે તેમ સમજવું.
હે,રામ,જે મનુષ્ય નું મન ચપળ ના થતાં એક સ્થળે સ્થિર થઈને રહે છે,તે મનુષ્ય ધ્યાનથી ઉત્તમ પદવી
પામે છે.મન ને નિયમ માં રાખવાથી સંસાર ના વિભ્રમ શાંત થાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE