Jul 18, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-223


રાજ-સુખ માટે-કોઈ રાજ્ય મેળવવા માટે યુદ્ધ કરવામાં શસ્ત્રો-વગેરે થી ઉત્પાત થાય છે,અને
સ્વર્ગ-સુખ માં પણ “પુણ્ય પુરુ થયે પાછા પડવું પડશે” એવી પીડા (દુઃખ) રહે છે,
પણ,મનોજય કરીને બ્રહ્મ-સુખ સંપાદન કરવામાં કંઈ પણ કલેશ નથી.
જે અધમ મનુષ્યો,પોતાના મન-માત્ર ને જીતી શકતા નથી,તે વ્યવહાર દશામાં કેમ,વ્યવહાર કરી શકશે?
“મારું મરણ થયું” કે “મારો જન્મ થયો” એવી કુદૃષ્ટિ –એ ચપળ ચિત્તમાં થયેલી અસત્-વૃત્તિ ને લીધે થાય છે,
પણ ખરી રીતે જોતાં તો-કોઈ નું મરણ કે જન્મ નથી,પણ મરણ પામેલું પોતાનું જ મન બીજા લોકો ને જુએ છે.
તે મન અહીંથી પરલોકમાં જાય છે,અને ત્યાં અન્ય-પણા થી સ્ફુરણ પામે છે,તથા મોક્ષ-પણાને પામે છે-
માટે મરણ નો શા માટે ભય રાખવો?
મનુષ્ય નું મન આ લોકમાં –આ લોક રૂપે અને પરલોકમાં –પર લોક રૂપે રહે છે.
એવી રીતે મોક્ષ થતા સુધી ચિત્ત વિના બીજી કોઈ વસ્તુ નથી. અને આત્મા ને મેળવવા માટે (મોક્ષ ને માટે)
તે ચિત્ત ની શાંતિ કર્યા વિના –બીજો કોઈ ઉપાય નથી,એમ તત્વવેતા મુનિઓએ નિશ્ચય કર્યો છે.
મન ની શાંતિ થયા પછી,હૃદયમાં શુદ્ધ બોધ (જ્ઞાન) થયા પછી, મન ના લય માત્ર થી વિશ્રાંતિ ઉત્પન્ન થાય છે,એટલા માટે હૃદયાકાશમાં ચૈતન્ય-રૂપી ચક્ર ની ધારથી મન નું મારણ કરો.તો તમને આધિઓ (મનોહર વિષયો) બાધ કરશે નહિ,પણ ઉપરથી,મનોહર લાગતા વિષયોને જ્ઞાન-પૂર્વક તેમના દોષો જોઈને તેમનું
અમનોહર-પણું જાણશો,ત્યારે તે વિષયોના અંગો કપાઈ જશે.

“આ હું” તથા “આ મારું” એવી બુદ્ધિ થવી તે જ મન છે,ને એવું મન અસંક્લ્પ-રૂપી દાતરડા થી જ છેદાય છે.
વળી,અહંતા-મમતા ના અભાવ થી મન શુદ્ધ થાય છે,
અને સ્વાધીન,કોમળ અને સ્વચ્છ મન ના “અસંકલ્પ”માં ભય માત્ર નથી.
જેમ પિતા પોતાના બાળક ને કલ્યાણ ના માર્ગ માં જોડે છે-તેમ મન ને પણ કલ્યાણ ના માર્ગ માં જોડવું.
જે મનુષ્ય,કોઈથી જલ્દી નષ્ટ ના થઇ શકે તેવા દુઃખ-રૂપ સંસારને વધારનાર ચિત્ત ને મારે છે-
તે આ જગતમાં જય (મોક્ષ) ને પામે છે અને બીજાઓને પણ તે મોક્ષ અપાવે છે.
આમ, મન ના સંકલ્પ થી જ ભયંકર ભય ઉપજાવનાર વિપત્તિ ઉત્પન્ન થાય છે.
મન-રૂપી બીજમાંથી,સુખ-દુઃખ,તથા શુભ-અશુભ-વગેરે ઉત્પન્ન થાય છે.
માટે પરમ-પદવી-રૂપ (બ્રહ્મ-રૂપ) સિંહાસન નો આશ્રય કરીને-
અસંકલ્પ થી સાધ્ય તથા સકળ સિદ્ધિ ને આપનાર,એવા (અસંકલ્પ-રૂપી) સામ્રાજ્યમાં સુખ થી રહો.
જેમ,ચિતામાં લાકડાનો નાશ થયા પછી ભસ્મ થયેલો અંગારો –તાપ ની શાંતિ કરે છે-
તેમ,ક્રમે કરીને નષ્ટ થયેલું મન ઉત્તમ આનંદ ને આપે છે.
જે,પરમ-પવિત્ર છે,અને જે સર્વથા અહંકારથી રહિત છે-એવી “મન ની અભાવતા” (વિમનસ્તા) કરીને,
જન્મ-આદિ વિકારો થી રહિત (અવશેષ-રૂપ) પરમ પવિત્ર પદ તમને પ્રાપ્ત થાઓ.
(૧૧૨) ચિત્ત-ક્ષય ના ઉપાય અને વાસના-ત્યાગ નું વર્ણન

વશિષ્ઠ કહે છે કે- હે રામ,તીવ્ર વેગ-વાળું મન જે જે પદાર્થમાં જેવીજેવી ઈચ્છા કરે છે-તે તે પદાર્થમાં
તેવી તેવી ઇચ્છિત વસ્તુ ને તે જોઈ શકે છે.જેમ,જળમાં પરપોટાઓ કોઈ નિમિત્ત વિના પણ સ્વભાવ થી જ
ઉત્પન્ન થઈને પાછા નાશ પામે છે તેમ, મન નું તીવ્ર-વેગ-પણું ઉત્પન્ન થઈને પાછું નાશ પામે છે.
અને આ તીવ્ર-વેગ વાળી ચપળતા એ “મન નું રૂપ” છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE