Jul 30, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-235


અવબોધ ને જ્ઞાન કહે છે-અને તે જ્ઞાન સાત-પ્રકારનું છે.જયારે “જ્ઞેય” ને “મુક્તિ” કહે છે.કે જે-
આ સાત-ભૂમિકા થી પર છે.(સત્યાવબોધ અને મુક્તિ એક જ છે)
શુભેચ્છા,વિચારણા,તનુમાનસા,સત્વાપત્તિ,અસંસક્તિ,પદાર્થભાવની અને તુર્યગા-એ સાત જ્ઞાન-ભૂમિકાઓ છે. આ સાત-ભૂમિકા ને અંતે મુક્તિ રહેલી છે.
૧) “હું મૂઢ કેમ બેઠો છું?શાસ્ત્ર અને સજ્જન નો સમાગમ કરી હું વિચાર કરું”
આ પ્રમાણે વૈરાગ્ય-પૂર્વક ઈચ્છા થવી તેને પંડિતો “શુભેચ્છા” કહે છે.
૨) શાસ્ત્ર અને સજ્જન ના સમાગમ  વડે વૈરાગ્ય તથા અભ્યાસ-પૂર્વક સદાચારમાં જે પ્રવૃત્તિ કરવી-
તેને “વિચારણા” કહે છે.
૩) શુભેચ્છા અને વિચારણા થી સૂક્ષ્મ-પણું થાય અને તેથી ઇન્દ્રિયો અને તેના અર્થ પ્રત્યે
અનાસક્તિ થાય તેને “તનુમાનસા” કહે છે.
૪) ઉપરની ત્રણ ભૂમિકા ના અભ્યાસથી –ચિત્તમાં બહારના વિષયો પ્રત્યે વૈરાગ્ય થાય-અને તેથી-
શુદ્ધ તથા સત્ય આત્મામાં જે સ્થિતિ થાય તેને “સત્વાપત્તિ” કહે છે.
૫) ઉપરની ચાર દશાના અભ્યાસથી,અસંસંગ-રૂપી ફળ થાય છે.(સમાધિને લીધે-ચિત્તને અંદરના તથા બહારના આકારનું જ્ઞાન ના રહે તેવી જાતનું ફળ થવું-તેને  અસંસંગ કહે છે.) અને તેથી ચિત્તમાં,
પરમાનંદ તથા બ્રહ્માત્મ-ભાવ ના સાક્ષાત્કાર-રૂપી ચમત્કાર થાય છે,તેને “અસંસક્તિ” કહે છે.
૬) ઉપરની પાંચ ભૂમિકા ના અભ્યાસથી,આત્માનંદને લીધે,બહારના તથા અંદરના પદાર્થની જે-
અ-ભાવના થાય છે,તેને “પદાર્થભાવની” કહે છે.
૭) આ છ ભૂમિકાના અભ્યાસથી,ભેદ-માત્ર –ના- જણાવાના લીધે,”એક સ્વ-ભાવ”માં જ જે નિષ્ઠા રહેલી છે-
તેને “તુર્યગા” કહે છે.અને આ પ્રમાણે ની તુર્યાવસ્થા “જીવનમુક્ત” મનુષ્યમાં રહેલી હોય છે.
આ સાત ભૂમિકાથી પર “વિદેહ-મુક્તિ” નો વિષય છે અને તેને “તુર્યાતીત-પદ” કહે છે.
હે,રામ,જે મોટા ભાગ્ય-વાળા મનુષ્યો સાતમી ભૂમિકામાં પહોંચેલા છે,તે આત્મા-રામ મહાત્માઓ
“મહત્-પદ” ને પામેલા છે.અને આમ જે જીવન-મુક્ત થયેલા છે –તેઓ સુખ-દુઃખમાં આસક્ત થતા નથી.
કોઈ સમયે આવી પડેલાં વ્યવહારનાં કર્યો કરે છે તો કોઈ વખતે કરતા નથી.અને તેમને જગતની
કોઈ પણ ક્રિયા સુખ-રૂપ થતી નથી.
આ પ્રમાણેનું સાત ભૂમિકા નું જ્ઞાન વિદ્વાન મનુષ્યને જ થાય છે,મલિન ચિત્ત-વાળા કે પશુને નહિ.
પણ પશુ કે મલેચ્છ ને પણ જો ઉપર કહેલી જ્ઞાન-દશા પ્રાપ્ત થાય તો તે દેહ-રહિત કે દેહ-સહિત –
હોય તો પણ –મુક્ત થાય છે.તેમાં કોઈ સંશય નથી.કારણકે-એવે વખતે ભ્રમ ની શાંતિ થાય છે.
ઘણા એવા લોકો છે કે જે બધી (સાત) ભૂમિકાઓ નહિ તો અમુક ભૂમિકાઓ સુધી પહોંચેલા હોય છે.
ઇન્દ્રિયોના વિષય અને શરીર-જન્ય તાપ ની નિવૃત્તિ માટે,વિવેકી મનુષ્ય,બ્રહ્માકાર-વૃત્તિ વડે –
આ લોકમાં ઉપરની સાત ભૂમિકામાં ફર્યા કરે છે.
જે ધીરજવાન મનુષ્ય આ આત્મ-લાભ-રૂપ સર્વ થી શ્રેષ્ઠ દશામાં રહે છે,તે ચક્રવર્તી-રાજા જેવો ગણાય છે.
આવો મહાત્મા વંદન કરવા યોગ્ય છે.જોકે-તે ભૂમિકામાં ચક્રવર્તી-પણું તથા બ્રહ્મ-શરીર પણ તૃણવત ગણાય છે,કારણકે-તેને તેનાથી ઉત્તમ એવું,વિદેહ-કૈવલ્ય-સુખ આ જગતમાં જ મળે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE