Aug 30, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-266


જેમ મલિન (ગંદા) થયેલ મણિને ઉપાય થી શુદ્ધ કરવામાં આવે તો તે શુદ્ધ થાય છે,
તેમ,ચિત્તને તત્વ-વિચારમાં દૃઢ-પણે,એકાગ્ર કરી રાખવામાં આવે તો તેની શુદ્ધિ થાય છે.

ચિત્તમાંથી સંકલ્પો નું દબાણ મટી જાય –તો નિર્મળ-પણા નો ઉદય થાય છે.
જેમ મેલા કપડામાં સારો રંગ બેસતો નથી તેમ મેલા ચિત્તમાં અદ્વૈત-વિદ્યા સ્થિરતા પામતી નથી.

રામ પૂછે છે કે-શુક્ર ના જોવામાં આવેલું જગત,શુક્રના ચિત્તની  પ્રાતિભાસિક કલ્પના-રૂપ હતું,
તો-તેમાં ઉદય અને અસ્ત સહિત કાળના ક્રમો અને ક્રિયા ના ક્રમો થયા તે કયા કારણથી થયા?
વસિષ્ઠ કહે છે કે-શુક્રે પોતાની ઇન્દ્રિયોથી,પિતાના વચનો થી,અને શાસ્ત્રના વચનો થી,
જેવા પ્રકારના –ઉત્પત્તિ- નાશ-વાળા જગતને જાણ્યું હતું,તે તેમના "સંસ્કાર-રૂપે"રહ્યું હતું.
એટલે કે તેમના ચિત્તમાં રહેલું જગત,એ તેમના પિતાના અને શાસ્ત્રો ના વચન ઉપરથી
અનુક્રમે ગોઠવાયું હતું તેમ સમજવું.
જીવ જાગ્રતમાં જ વાસનાથી બંધાયેલો હોય છે,અને તે વાસના પ્રમાણે જ સ્વ-રૂપ માં જુએ છે.
તે જ રીતે,સ્વપ્ન વગરના સમયમાં પણ જીવ જે વાસનાથી બંધાયો હોય
તે વાસના પ્રમાણે જ ચિત્તના સ્વ-રૂપ ની અંદર જુએ છે.

હે,રામ,જેમ,સૈન્ય માં રહેલ દરેક મનુષ્ય,સૈન્ય ની વાસનાથી બંધાયેલો હોવાને લીધે,
રાત્રિએ સ્વપ્નમાં-પોતપોતાની વાસનાથી કલ્પાયેલું,જુદુજુદું સૈન્ય જુએ છે,
અને સાથે સાથે તે સૈન્ય ને એક નું એક માને છે,
તેમ,જીવો પણ વાસનાથી બંધાયેલા હોવાને લીધે,પ્રત્યેક જીવ જુદાજુદા જગતને જુએ છે,
અને સાથે સાથે તે જગતને એક માની લે છે.
રામ કહે છે કે-પ્રત્યેક જીવના જુદાજુદા સંસારો છે એમ આપે કહ્યું,
તો તે વિષયમાં મને જીજ્ઞાસા થાય છે કે-
એ જુદાજુદા સંસારમાં કોઈ સંસાર પરસ્પર મળે છે કે નથી મળતા? એ વિષય આપે સંપૂર્ણ કહેવો જોઈએ.

જો કોઈના પણ સંસાર પરસ્પર મળતા ના હોય તો ગુરૂ અને શિષ્ય નો સંસાર જુદોજુદો હોવાને લીધે,
જેમ સ્વપ્નમાં કરેલ પરોપકાર તે પરોપકાર કરનાર ધણીને પ્રાપ્ત થતો નથી,
તેમ ગુરુએ કરેલ ઉપદેશ,શિષ્ય ને પ્રાપ્ત થતો નથી
અને તેથી કોઈને મોક્ષ થતો જ નથી,એમ માનવું પડશે.અને
જો પરસ્પર સંસારો મળતા ના હોય તો,એક ના એકલા જ્ઞાનથી સંસાર નો બાધ થઇ શકે નહિ.
વસિષ્ઠ કહે છે કે-મલિન મન સામર્થ્ય વગરનું હોવાને લીધે,શુદ્ધ મન ની સાથે મળી શકતું નથી,
પણ,જેમ એક,તપાવેલું લોઢું,બીજા તપાવેલા લોઢા સાથે એક થઇ જાય છે,
તેમ શુદ્ધ મન શુદ્ધ મન સાથે એક થઇ જાય છે.
આમ છે એટલા માટે શુદ્ધ મનવાળાઓના સંસારો પરસ્પર મળે છે,અશુદ્ધ મનવાળાઓના નહિ.
એટલે તમે કહેલો એકે દોષ આ વિષયમાં લાગુ પડતો નથી.
ચિત્તની “સાધારણ-શુદ્ધિ” ની વાત જુદી છે-પણ ચિત્તની “પરમ-શુદ્ધિ” એ તો અત્યંત વાસના-રહિત-પણું
એટલે કે-“કોઈ પણ સંસ્કાર નું નહિ રહેવા-પણું” અને સર્વદા “એક-રૂપ-પણું” જ છે.
આ રીતે ચૈતન્ય-માત્ર-રૂપે સ્થિતિ-રૂપ-એવી ચિત્તની જયારે શુદ્ધિ થાય છે-ત્યારે તે તરત જ
“પરમ-બોધ-વાળાઓ” થાય છે.અને એટલા જ લાભ થી તે મોક્ષ ને પ્રાપ્ત થાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE