Aug 31, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-267


(૧૮) મલિન ચિત્ત સાથે મલિન ચિત્ત નો યોગ અને ચિત્ત શુદ્ધિ થી મોક્ષ

વસિષ્ઠ કહે છે કે-આત્મા  એ "ચૈતન્ય-એક-રસ" છે,પણ તેમાં જુદાજુદા આકારોની કલ્પનાને લીધે,
પ્રત્યેક જીવને જુદાજુદા સંસાર છે.અને આમ થવાનું કારણ એ છે કે-
સઘળા જીવોને "સુષુપ્તિ અવસ્થા" પછી,તરત જ વ્યવહારને માટે જે જે કોઈ પ્રવૃત્તિ કે નિવૃત્તિ થાય છે,
તે સઘળી આત્માની વ્યાપ્તિ (આત્મા સર્વ વ્યાપેલો હોવાથી) ને લીધે જ થાય છે.

વ્યવહાર કરનારા સઘળા જીવોને પદાર્થનું જે કંઈ દર્શન થાય છે,તે સઘળું આત્માના પ્રકાશ થી જ થાય છે.
તેમાં જે જે જીવના "ચૈતન્ય ની ઉપાધિઓ" એક બીજામાં મળી જાય છે,
તે તે જીવો પરસ્પરના કલ્પેલા સંસારો ને જુએ છે.
વિચિત્ર "સંસાર-રૂપી-જળાશયો-રૂપ-ઉપાધિઓ"નો જ્યાં મેળ હોય ત્યાં તે એક બીજામાં મળે છે,અને
તેમ થવાથી સત્યતાની ભ્રાંતિ દૃઢ થતાં,તે ભ્રાંતિ ઘાટી થાય છે.
આમ,કેટલાક સંસારો પરસ્પર ભળેલા છે ,તો,કેટલાક જુદા છે,તો વળી કેટલાક જુદા જ લય પામે છે.

આવી રીતના અનેક સંસારો-રૂપી ચણોઠીઓના વન-રૂપ "બ્રહ્મ" એક જ અને અખંડિત છે.
જેના એક પરમાણુ જેટલા પ્રદેશમાં સંસારો-રૂપી અસંખ્ય ચણોઠીઓ રહેલી છે.
અને સામાન્ય રીતે-તે એકબીજાને સંલગ્ન થયા વગર-જ રહેલી છે.
પણ,તે "બ્રહ્મ" નામનું વન અતિ અદભુત છે.
તેઓમાં કોઈ કોઈ સંસાર-રૂપ ચણોઠીઓ પરસ્પર મળવાથી ઘાટા-પણા ને પામેલી છે.

તે બ્રહ્મ માંના સઘળા પદાર્થો સર્વ ના જોવામાં આવે તેમ પણ નથી,
પણ જે જે પદાર્થો "પ્રારબ્ધ-ભોગ ને અનુકૂળ"થઈને જ્યાં રહ્યા હોય,ત્યાં તેટલાજ પદાર્થો જોવામાં આવે છે,
બીજા પદાર્થો જોવામાં આવતા નથી.
બીજાના મનમાં ચાલતા "મનો-રાજ્ય" ને જોવા તથા ભોગવવા,તે-"એક" મન ની જે અસમર્થતા છે,તે.
અસમર્થતા થી જ મન "જુદાંજુદા" માનવામાં આવે છે.અને એ "મન ની જુદાઈ" થી જ જીવો ની "જુદાઈ" છે.

આવી રીતે,જુદાંજુદાં "મનોરાજ્ય-રૂપી-સંસારો"માં કેટલાંક મનોરાજ્યો પરસ્પરથી મળીને ગાઢ થાય છે,
એટલે "દેહાભિમાન" (દેહ નું માનવું) દૃઢ થઇ જાય છે.
અને જો એ મનોરાજ્ય નું વિસ્મરણ થઇ જાય તો-સ્વાભાવિક રીતે- દેહનો અભાવ જ થઇ જાય છે.
આ રીતે,એ, "ચૈતન્ય-રૂપી-સોનું" એ "હાર-રૂપ-મિથ્યા આકાર" નું "અભિમાન" ધારણ કરવાને લીધે,
પોતાના સ્વ-રૂપ ને ભૂલીને -મિથ્યા રીતે જ કેવળ "માયિક-દેહાકાર-રૂપ-હાર-પણા " નો અનુભવ કરે છે.

આમ,કોઈ કોઈના  કર્મોની કે વાસના ની "સમાનતા" થતાં,
તે કર્મો કે વાસનાઓ,જયારે કોઈ એક કાળમાં,ફળ આપવાને ઉન્મુખ થાય છે,
ત્યારે,"અશુદ્ધ ચિત્તોનું" પણ પરસ્પરના સંસારો-રૂપે મળવાનું થાય છે.
પણ, જો મન શુદ્ધ થયેલું હોય (વાસના વિનાનું હોય) તો પરાયા મનો-રાજ્ય ને જાણી શકે છે.

"જાગ્રત-સ્વપ્ન અને સુષુપ્તિ-એ ત્રણ અવસ્થાઓ સ્થૂળ દેહ હોય તો જ થાય છે" એમ સમજવું નહિ,
કારણકે,એ ત્રણે અવસ્થાઓનું મૂળ "જીવ-પણું" જ છે.
એટલે "જીવ જ ત્રણ અવસ્થા-રૂપ છે"  એમ વિચાર કરતાં,જીવ થી જુદું દેહ નું સ્વરૂપ બાકી રહેતું નથી.
(જેવી રીતે,જળ ના સ્વરૂપ નો વિચાર કરતાં જળ થી જુદા તરંગો નું રૂપ બાકી રહેતું નથી)


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE