Sep 1, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-268


તત્વવેતા જીવ આ રીતે "તુરીયપદમાં"- (જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિ થી જુદા સ્વરૂપ માં) રહેલા
"બ્રહ્મ-ભાવ" ને જ્ઞાન થી પ્રાપ્ત થઈને,"જીવ-પણા" થી નિવૃત્ત થાય છે.
જયારે અજ્ઞાની જીવ પોતાની કલ્પના થી "દેહાકાર" થઈને વારંવાર સંસારમાં પ્રવર્તે છે.
જો કે જ્ઞાની જીવ અને અજ્ઞાની જીવ બંને વાસ્તવિક રીતે તો બ્રહ્મ-રૂપ હોવાથી બંને નું મુક્ત-પણું સરખું જ છે.
તો પણ,અજ્ઞાની જીવ સૂતેલા જેવો છે અને પોતાના સ્વરૂપ ને નહિ જાણવાથી,જન્મ-મરણ પામ્યા કરે છે.

ચૈતન્ય સર્વ-વ્યાપક હોવાને લીધે,કોઈ કોઈ જીવ બીજા જીવના સંસારમાં પણ પ્રવેશ કરે છે.
કારણકે-તે એક એક સંસારમાં જુદાંજુદાં-રૂપો-વાળા બીજા સંસારો પણ છે.
જેમ કેળના થાંભલા ની અંદર એક છોતરાની અંદર બીજું,અને બીજાની અંદર ત્રીજું -એમ છોતરાં ના સમૂહો
હોય છે,તેમ તે સંસારો ની અંદર પણ સંસારો ના સમૂહો રહેલા હોય છે.
વળી,જેમ અનેક છોતરાં છતાં કેળ "એક-રૂપે" રહેલ છે,તેમ અનેક સંસારો છતાં "બ્રહ્મ એક-રૂપે" રહેલ છે.,

જેમ,વડનું બીજ જળ ના સંસર્ગ થી વડ થઈને પાછું- બીજ રૂપે આવિર્ભાવ પામે છે,
તેમ,બ્રહ્મ પણ વાસના-આદિ ના સંસર્ગ થી મન-રૂપ થઈને -પાછો જ્ઞાન નો ઉદય થતાં તે  બ્રહ્મ-રૂપને જ પામે છે
જેમ,રસથી થયેલું બીજ ફળ-રૂપે આવિર્ભાવ પામે છે,તેમ બ્રહ્મ થી થયેલો જીવ જગત-રૂપે આવિર્ભાવ પામે છે.
જેમ,"રસ નું કારણ શું હશે?" એમ પૂછવું અઘટિત છે,તેમ "બ્રહ્મ" નું કારણ શું હશે?" એ પૂછવું પણ અઘટિત છે.

"બ્રહ્મ એ એક જાતનો જગત નો સ્વ-ભાવ જ છે"  એમ કહેવું એ યોગ્ય નથી,કારણકે-
"સ્વ-ભાવ" એ "કાર્ય" (જગત) ની સાથે ઉત્પન્ન  થાય છે,પણ બ્રહ્મ એ જગતની સાથે ઉત્પન્ન થતું નથી.
બ્રહ્મ નિર્વિકાર,અદ્વિતીય અને અસંગ હોવાથી,વાસ્તવિક રીતે કોઈનું "કારણ" નથી,પણ,
"આરોપ ની રીતિ થી" તે સઘળા પ્રપંચો" નું આદિ કારણ પણ છે!! તે (બ્રહ્મ) માં જગતની વિચિત્રતા થવાનાં
બીજા કોઈ કારણો નથી.એટલા માટે "સાર-રૂપ-બ્રહ્મ"નો વિચાર કરવો જ યોગ્ય છે.
બાકી,સાર વગરના બીજા વિચારો કરવાથી કંઈ સિદ્ધ થાય એમ નથી.

જે બીજ હોય છે તે,પોતાના આકારને છોડીને,અંકુર આદિ-રૂપે થયેલું જોવામાં આવે છે.
પણ,બ્રહ્મ તો પોતાના સ્વ-રૂપ ને નહિ છોડતાં- જગત-રૂપે જ થયેલું છે.
વૃક્ષ નું બીજ ફાટીને તેમાંથી અંકુર નીકળી,એક થી બીજા પ્રદેશમાં વધારે ને વધારે ફાલે છે,
પણ,જગત એ બ્રહ્મ માં જ રહેલું હોવાથી,બ્રહ્મ ના પ્રદેશથી જરા પણ અધિક પ્રદેશમાં ફેલાયેલું નથી.

આમ, બીજ નું સ્વરૂપ અવયવો વાળું છે,માટે તે બીજ ની સાથે-અવયવ વગરના બ્રહ્મને
સમાન ગણવું એ યોગ્ય નથી. એટલે-બ્રહ્મને કોઈની પણ ઉપમા લાગુ પડી શકે એમ નથી.
જે બ્રહ્મ છે તે જ જગત-રૂપે "પ્રતીત" થાય છે.જોકે વાસ્તવિક રીતે તે (બ્રહ્મ) જગત-રૂપે  થયું જ નથી.
જેમ રજ્જુ સર્પ-રૂપે થયેલી છે,અને સર્પ-રૂપે નથી પણ થયેલી.(ફર્ક માત્ર અંધારા ના લીધે છે)
તેમ,બ્રહ્મ જગત-રૂપે થયેલું છે અને નથી પણ થયેલું. (ફર્ક માત્ર અજ્ઞાન ને લીધે છે)

પોતે "દ્રષ્ટા" (જોનાર) હોવા છતાં પોતાને "દૃશ્ય" (જોવાની વસ્તુ) રૂપ માને તો -
પોતાના ખરા-સ્વરૂપ નું ભાન થતું નથી.અને જ્યાં સુધી પોતાનું સ્વ-રૂપ-જો- "દૃશ્ય-રૂપ-મનાયું" હોય,
તો-ત્યાં સુધી,પોતાના સ્વ-રૂપ ની સાચી સ્થિતિ નો કેવી રીતે અનુભવ થાય ?
જ્યાં સુધી ઝાંઝવા ના જળ માં જળ ની "ભ્રાંતિ" હોય,ત્યાં સુધી કશું સમજ-પણું નથી,કારણકે,
જો સમજ-પણું હોય તો ઝાંઝવા ના જળમાં -જળ ની ભ્રાંતિ જ કેમ હોય ?


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE