Sep 13, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-280


(૨૨) રૂઢ બોધવાળા ની દશા

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,જે અધિકારી પુરુષો છે,તેઓ તો વિચાર કરનારા હોય છે,અને તેમના ચિત્તની
વૃત્તિઓ ગળી ગયેલી હોય છે,તેમ છતાં તે સમજીને અભ્યાસ-પૂર્વક વ્યવહારો ના અનુસંધાન ને
ધીરે ધીરે તેઓ છોડતા જતા હોય છે.તેઓ આત્માકાર-પણાથી ઠરેલા મનવાળા હોય છે.

તેઓ, ત્યાગ કરવા યોગ્ય દૃશ્ય (જગત) ને અનુક્રમે છોડતા જતા હોય છે,
તેઓ,જ્ઞાન ની ભૂમિકાઓમાં ઉંચે ચડતા જાય છે,
તેઓ,સઘળા દૃશ્ય ને ચિન્માત્ર જોયા કરતા હોય અને કોઈ પદાર્થ ને ચૈતન્ય થી જુદો જોતા નથી,
તેઓ,જેમાં નિરંતર જાગ્યા કરવું જોઈએ એવા પરમ-તત્વમાં પરમ-વૃત્તિ થી જાગ્યા કરતા હોય છે,
તેઓ,ગાઢ મોહમય સંસારના માર્ગમાં વૃત્તિ (પ્રવૃત્તિ) રાખતા નથી,
તેઓ,ભોગવવાના સમયમાં જ રમણીય અને પરિણામે નીરસ -એવા ભોગોમાં લાલચ રાખતા નથી,
તેઓ,પ્રારબ્ધ થી પ્રાપ્ત થયેલા,ભોગોમાં પણ આસક્તિ રાખતા નથી.

જેમ,તડકામાં હિમ ના સમૂહ ઓગળી જાય છે,
તેમ,તે અધિકારી પુરુષનું "અનાદિ કાળ નું અજ્ઞાન" છૂટું પડીને પીગળી જાય છે.અને
"આત્મા-રૂપ" જળ ની સાથે એક થઇ જાય છે.ત્યારે-
જેમ,તરંગોવાળી અને મોટા મોટા હિંચોળા ખાતી નદીઓ -પણ-શરદ-ઋતુમાં શાંત થઇ જાય છે,
તેમ,તે અધિકારી પુરુષની તરંગોવાળી અને મદભર ઉછળતી,સર્વ "તૃષ્ણા"ઓ શાંત થઇ જાય છે.
જેમ,ઉંદર પક્ષીઓની જાળ ને તોડી નાખે છે-તેમ,બોધ (જ્ઞાન) સંસાર ની વાસનાઓને તોડી નાખે છે.

વૈરાગ્યના વેગ થી જયારે "દેહાભિમાન" પોચું પડી જાય છે,
ત્યારે તે પુરુષનું મન વિકાસ પામીને સ્વચ્છ થઇ જાય છે,કે જેથી,
જેમ,પંખી પાંજરામાંથી નીકળી જાય છે
તેમ,કામના વગરનું,વિષયોમાં ગુણોના અનુસંધાન વગરનું અને બંધન થી રહિત થયેલું-
મન "મોહ"માંથી નીકળી જાય છે.
આમ જયારે સંદેહો ની ભૂંડાઈ શાંત થાય છે ત્યારે,મન વાસનાઓના વિભ્રમો થી શાંત થાય છે,
અને,તે આત્માનંદ થી પૂર્ણ થાય છે.જેથી,પૂર્ણિમા ના ચંદ્ર ની જેમ તે શોભી રહે છે.

જેમ,પવન શાંત થતા,સમુદ્રમાં ઉત્તમ સુંદરતા ને પ્રગટ કરનારી,ઉંચા પ્રકાર ની સમતા ઉદય પામે છે,
તેમ,વાસનાઓ શાંત થતા,જ્ઞાની ના મનમાં ઉત્તમ સુંદરતા પ્રગટ કરનારી,
અને વિનાશ નહિ પામનારી,ઉંચા પ્રકારની "સમતા" પ્રાપ્ત થાય છે.
બોધ (જ્ઞાન) નો ઉદય થતાં,મૂર્ખતા થી ઘેરાયેલી,અજ્ઞાનમય અને
જેમાં સત્-શાસ્ત્ર નો વ્યવહાર થતો નથી,તેવી સંસારની વાસના ક્ષીણ થઇ જાય છે.
પરમાત્મા-રૂપી સૂર્યનું દર્શન થતાં,વિવેક-રૂપ કમલિની પ્રફુલ્લિત થાય છે.
અને સવારના આકાશની પેઠે સ્વચ્છતાથી શોભે છે.

તેનામાં,સર્વ લોકો ને આનંદ આપવાના સામર્થ્યવાળી,અને સત્વ-ગુણની વૃદ્ધિ થી પ્રાપ્ત થયેલી
"વિચાર-શક્તિ"ઓ પૂર્ણિમા ના ચંદ્ર ના કિરણો ની જેમ,વૃદ્ધિ પામે છે.

ટૂંકમાં એટલું જ કહું કે-જ્ઞેય (જાણવા જેવી વસ્તુ-પરમાત્મા) વસ્તુને જાણી ચૂકેલો,
મહા-બુદ્ધિશાળી પુરુષ,નિર્મળ આકાશના મંડળ ની પેઠે ઉદય પામતો નથી,અને અસ્ત પણ પામતો નથી.
જેણે,વિચારથી "આત્મ-તત્વ" જાણી લીધું હોય,તે મહાત્મા પુરુષને -
(સૃષ્ટિ ની ઉત્પત્તિ-પાલન અને વિનાશ -વગેરે જેવા ક્લેશોમાં પડેલા)
બ્રહ્મા,વિષ્ણુ,શંકર અને ઇન્દ્ર (સ્વર્ગ નો રાજા) પણ "રાંક અને દયાપાત્ર" જણાય છે !!!
(નોંધ-અદ્વૈત સિદ્ધાંત વાળા સ્પષ્ટ કહે છે કે-બ્રહ્મા-વિષ્ણુ-મહેશ-વગેરે દેવો છે-પરમાત્મા (બ્રહ્મ) નથી !!
એટલે જ વિષ્ણુ ના અવતાર રામ-પણ અહીં દેવ છે-પરમાત્મા નહિ.પરમાત્મા માત્ર "એક-બ્રહ્મ-ચૈતન્ય" છે)


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE