Oct 23, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-320



આ માયાનો સ્વભાવ જાણી શકાતો નથી,કારણકે
તેને સૂક્ષ્મ-દૃષ્ટિ થી જ્યાં જોવા લાગીએ,ત્યાંથી તે (માયા) તરત જ જતી રહે છે.
એ જગત-રૂપ માયા વિવેક ને ઢાંકી દે છે,બીજાં અનેક જગતો ઉત્પન્ન કરે છે,અને તે છતાં 'તે કેવી છે ?'
એની ભાળ મળતી નથી (જાણી શકાતી નથી)-એ ભારે આશ્ચર્ય  તો જુઓ !!

આ માયાની પરીક્ષા ના કરીએ ત્યાં સુધી -તે સ્ફૂર્યા કરે છે,પણ જેવી પરીક્ષા કરીએ કે તરત જ નષ્ટ થઇ જાય છે.વળી,તેને -જો જાણી ના હોય ત્યાં સુધી સાચી રહીને મસ્તી કર્યા કરે છે.અને સાચી હોય એમ લાગ્યા કરે છે.તે માયા આપણા જ્ઞાનને તોડી નાખે છે માટે બહુ વિચિત્ર છે.

'ભેદ વગરના 'આત્મ-સ્વ-રૂપ'માં  તે માયા જીવ-દેહ-વગેરે ભેદો ને વિસ્તારી દે છે,
એટલે આવા અનેક ભેદ (માયા વાળા અનેક પુરુષો ના ભેદ) ને લીધે
પરમાત્મા  'પુરુષોત્તમ' (પુરુષમાં ઉત્તમ) કહેવાય છે.
જગત-રૂપ-ક્ષર પુરુષ અને જીવ-રૂપ-અક્ષર-પુરુષ -જો ના હોય તો પરમાત્મા  પુરુષોત્તમ જ કેમ કહેવાય?

'આ માયા વાસ્તવિક રીતે છે જ નહિ' એવી દૃઢ ભાવના કરી,જયારે તમે તત્વ-વેત્તા થઈને સ્વ-રૂપ ને પ્રાપ્ત થશો,ત્યારે જ તમને મારા આ કહેવાનો આશય જાણવામાં (સમજવામાં) આવશે.
પણ જ્યાં સુધી તમને પાકો બોધ થયો નથી,ત્યાં સુધી તમે મારા વાક્યો  પર વિશ્વાસ રાખીને-
'માયા છે જ નહિ' એવો ભારે તથા અવિચળ નિશ્ચય રાખો.

આ જગત-રૂપ જે મોટી કલ્પના નજરે આવે છે,તે મિથ્યા છે અને તે કેવળ મનની જ લીલા-રૂપ છે.
'જે કંઈ છે તે બ્રહ્મ છે' એવો જેના મનમાં પરોક્ષ નિશ્ચય -જરા પણ હોય-તેને પણ મુક્તિની પ્રાપ્તિ થાય છે.
પણ, 'આ દેહ-આદિ એ જે  બાહ્ય આકારો અને પદાર્થો છે-તેનાથી હું બંધાયો છું' એવી જે ભાવના છે
તે જ સર્વ જગતમાં સર્વ જીવો ને બાંધવા (બંધન) ની જાળ-રૂપ છે.
'આ જગત બ્રહ્મ-રૂપ જ છે અથવા આ જગત ખોટું જ છે'
એ બે નિશ્ચયો'માંથી એક નિશ્ચયને દૃઢ રાખીને 'આસક્તિ-રહિત' થયેલો જે મનુષ્ય,
જગતને સ્વપ્ન જેવું અને ભ્રાંતિ-માત્ર જાણે છે-તે દુઃખમાં ડૂબી જતો નથી.

આ મિથ્યા એવા દેહ-ઇન્દ્રિયો વગેરે ની ભાવનાઓમાં જેને 'અહં-બુદ્ધિ' હોય છે,તે પુરુષ વાસ્તવિક રીતે
પોતે 'પર-બ્રહ્મ' જ હોવા છતાં પણ અવિદ્યા (માયા) માં ગોથાં ખાધા કરે છે.
જેમ મહાસાગર ના જળમાં ધૂળ ના રજકણો છે જ નહિ,
તેમ વ્યાપક પરમાત્મા માં  વિકારી-પણું વગેરે દોષો છે જ નહિ.
જગતમાં જે નામની અને રૂપોની ભાવના જોવામાં આવે છે તે માત્ર વ્યવહારને માટે જ કલ્પાયેલી છે.
માટે તે નામ-રૂપો -એ-આત્મા થી જુદાં નથી.
જેમ તંતુઓ વગર વસ્ત્રની સ્થિતિ થતી નથી
તેમ,નામ-રૂપો ના કલ્પિત વ્યવહાર વિના,ઉપદેશ આપનાર "શાસ્ત્રો ની સ્થિતિ" પણ થતી નથી.
(નોંધ-માટે જ શાસ્ત્રોમાં આ કલ્પિત વ્યવહાર કરવામાં આવ્યો છે!!)

અવિદ્યા (માયા) માં તણાતો  જતો આત્મા, એ 'આત્મ-જ્ઞાન' વિના અનુભવમાં આવતો નથી.
અને તે આત્મ-જ્ઞાન ઉપદેશ  આપનાર શાસ્ત્રો વિના મળતું નથી.
હે,રામ, આત્મ-સ્વ-રૂપ ની પ્રાપ્તિ વિના 'અવિદ્યા-રૂપી-નદી' નો પાર આવતો નથી.
અને તે અવિદ્યા-રૂપી નદીને પાર જે છે -તેને જ  'અક્ષય-પદ' કહેવામાં આવે છે.
મલિન કરી દેનારી આ અવિદ્યા ગમે ત્યાંથી ઉત્પન્ન થઇ હોય -તો પણ તેણે ઉત્પન્ન થઈને -
એવી સ્થિતિ પકડી છે કે-તેણે આત્મજ્ઞાન ને ઢાંકી દીધું છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE