Dec 14, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-367

કેટલાએક સિદ્ધો બોલ્યા કે-અમારો આત્મા સઘળાં બ્રહ્માંડમાં રહેવા છતાં પણ ઉપનિષદોને પણ અગમ્ય છે,અને નિરંતર શ્વાસોશ્વાસ ના બહાનાથી "સોહમ-સોહમ" (તે પરમાત્મા હું છું-તે પરમાત્મા હું છું) એવો શબ્દ બોલ્યા કરે છે-તે આત્માનું જ અમે નિરંતર અનુસંધાન કરીએ છીએ.
કેટલાએક સિદ્ધો બોલ્યા કે-જે પુરુષો હૃદય-રૂપી ગુફાના સ્વામી-અંતર્યામી-દેવને છોડી દઈને બીજા દેવની પાસે જાય છે,તેઓ પોતાના હાથમાં રહેલા કૌસ્તુભમણિને છોડી દઈને બીજા રત્નની ઈચ્છા કરે છે.

કેટલાએક સિદ્ધો બોલ્યા કે-સઘળી આશાઓને છોડી દેવાથી,એવું ફળ મળે છે કે-તે ફળથી -આશાઓ-રૂપી-ઝેરી લતાઓના મૂળની પંક્તિ (જોડાણ) જ કપાઈ જાય છે.

કેટલાએક સિદ્ધો બોલ્યા કે-જે પુરુષ,ભોગ્ય-પદાર્થોમાં અત્યંત રસ-રહિત-પણું જાણવા છતાં પણ-
તે પદાર્થોમાં પાછી વાસના બાંધે છે-તે દુર્મતિ-મનુષ્યને-મનુષ્ય નહિ પણ ગધેડો જ સમજવો.

કેટલાએક સિદ્ધો બોલ્યા કે-આ ઇન્દ્રિય-રૂપી સર્પો જેમ જેમ ઉઠતા જાય-તેમ તેમ-તેમણે વારંવાર,
વિવેક-રૂપી ધોકાથી તોડી (મારી) નાખવા જોઈએ.

કેટલાએક સિદ્ધો બોલ્યા કે-ઇન્દ્રિયો ના ઉપશમ (નિવૃત્તિ) રૂપ પવિત્ર સુખ મેળવવું જોઈએ. તે સુખથી ચિત્ત સારી રીતે પ્રશાંત થાય છે.અને તેવા પુરુષને પરમ સુખ-રૂપ એવા પોતાના સ્વ-રૂપમાં -
અખંડ અને ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત થાય છે.

(૯) જનકરાજા એ પોતાની સ્થિતિ નો દૃઢ વિચાર કર્યો

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,એ પ્રમાણે સિદ્ધ-લોકોએ કહેલી ગીતાઓ સાંભળીને,
જનકરાજા ને (પોતાની પરિસ્થિતિ પર -વિચાર કરવાથી) ખેદ થયો,અને
તરત જ પોતાની સાથે આવેલા સઘળા અનુચરો ને લઈને પોતાને મહેલ પાછો ફર્યો,અને અનુચરોને
તેમના ઘેર મોકલી દઈને પોતાના મહેલમાં ગયો.તેના દેહની સ્થિતિ ચંચળ થઇ હતી,
અને અત્યંત આકુળ થઈને નીચે પ્રમાણે વિલાપ કરવા લાગ્યો-

"હાય,જેમ પથરાઓમાં રહેલો પથરો -જોર જોરથી એકબીજા સાથે અથડાય છે-
તેમ-હું જગતની મહાદુઃખ-દાયી,ચપળ-દશાઓમાં જોર જોરથી અથડાયા કરું છું.
આ કાળ (સમય) તો અંત વિનાનો છે અને તેના એક અલ્પ ભાગ (કાળ ના આલ્પ ભાગ) સુધી જ
હું જીવી શકું તેમ છું,તે છતાં  હું મૂર્ખતાથી જીવનમાં વિશ્વાસ રાખી બેઠો છું.માટે મને ધિક્કાર છે.
આ રાજ્ય શું મારા જીવન-પર્યંત -જ રહેવાનું છે? આ રાજ્ય શું મારા એકલા માટે જ છે? (આમ નથી)
તેમ છતાં,તેટલાથી જ સંતોષ પામીને હું મૂર્ખ ની પેઠે,ભાવિ દુઃખો સંબંધી વિચાર કર્યા વિના કેમ બેસી રહ્યો છું?

આ દેહ આરંભમાં નહોતો,કે અંતમાં પણ નહિ હોય,માત્ર મધ્યમા જ તે થોડા જીવન-વાળો દેખાય છે,
તો તેવા ખોટા દેહને સાચો સમજીને હું ધીરજ રાખીને કેમ બેઠો છું?
આ મોટા પ્રપંચ-રૂપી ઇન્દ્રજાળથી હું અત્યંત  મોહ પામ્યો છું,એ બહુ ભૂંડું થયું છે.મને કોણે મોહિત કર્યો હશે?
આ સંસારમાં,જેને,સાચી (રમણીય,અખંડિત કે બનાવ્યા વગરની) કહીએ-તેવી,કોઈ પણ વસ્તુ નથી,
માટે મારી બુદ્ધિને કઈ વસ્તુમાં વિશ્રાંતિ મળે તેમ છે?

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE