Dec 15, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-368


હવેથી મારે બાહ્ય પદાર્થોની વાસના જ છોડી દેવી જોઈએ.
ભોગો ભોગવવા માટે-લોકોની જે ધન આદિ -મેળવવાની જે વૃત્તિ છે-
તે પાણી ની ચકરીની જેમ ગોથાં ખવડાવનારી છે,અને પરિણામે દુઃખ આપનારી છે.
છતાં પણ હું એવી પ્રવૃત્તિ થી સુખ મળવાનો વિશ્વાસ રાખી કેમ બેઠો છું?
સુખ-મિશ્રિત દુઃખો તો કોઈક જ સમયે આવે છે-પણ એકલાં દુઃખો તો,પ્રત્યેક વર્ષે,પ્રત્યેક મહિને,પ્રત્યેક દિવસે અને પ્રત્યેક ક્ષણે આવ્યા કરે છે.

આ રાજ્ય-આદિનું સુખ તો થોડા સમય સુધી દેખાઈને નષ્ટ થઇ જવાનું છે,
માટે તેની વાસના છોડી દઈને -જો-હું,ઇન્દ્ર-પદ (સ્વર્ગ કે સ્વર્ગ ના રાજા) આદિનાં સુખનો વિચાર કરું
તો તેવા સુખોનો પણ -વિચાર કરતાં (જેવા આત્મ-સુખથી) વિવેકી પુરુષોને વિશ્રાંતિ મળે છે-
તેવું કોઈ પણ સુખ (ત્યાં સ્વર્ગમાં પણ) જોવામાં આવતું નથી.
અરે,અભાગિયા મન,સ્વર્ગને પામેલા  મોટાઈ પામેલા પુરુષો પણ એક દિવસ (પોતાનું પુણ્ય ખતમ થતાં)
નીચે પડવાના છે -તો તું આ રાજ્ય-આદિ ની તુચ્છ મોટાઈમાં કેમ ભરોસો રાખે છે?

હાય,હું રજ્જુ વિના જ બંધાયેલો છું,કાદવ વિના જ ખરડાયો છું,
અને સામાન્ય લોકો કરતાં થોડોક ઉંચો હોવા છતાં નીચે જ પડ્યો છું.કારણકે મારી સ્વ-રૂપમાં સ્થિતિ રહી નથી.
જેમ,પ્રકાશને રોકનારું કાળું વાદળું,અકસ્માત સૂર્ય આગળ પણ આવે છે,
તેમ આ મોટો "મોહ" -કે જેને હું સમજુ છું છતાં તે મારી આગળ શા માટે આવ્યો હશે?
આ મોટામોટા વૈભવોની સાથે મારે શો સંબંધ છે? આ બાંધવોની સાથે મારે શો સંબંધ છે?
આમ છતાં,જેમ બાળક -એ પોતાના કલ્પી લીધેલા પિશાચ થી જ વ્યાકુળ થઇ જાય છે
તેમ,હું પોતે પણ કલ્પી લીધેલા મમતા-રૂપ સંબંધથી વ્યાકુળ થયા કરું છું.

અરે,આ સંસારના ભોગો-કે જરા (વૃદ્ધાવસ્થા) અને મરણ ને લાવે છે તેમાં હું આસ્થા શામાટે બાંધુ છું?
આ ભોગ આદિ ની સંપત્તિ જાય તો ભલે જાય અને રહે તો ભલે રહે-પણ તેના માટે આટલો બધો આગ્રહ શાને?

આ સંપત્તિ તો પાણીના પરપોટાની જેમ ખોટી જ ઉભી થયેલી જોવામાં આવે છે,
મોટામોટા વૈભવો વાળા ચક્રવર્તી રાજાઓ -જે પહેલાં થઇ ગયા તે-પણ આજે સ્મરણ-માત્રમાં જ રહ્યા છે.
આમ હોવા છતાં,વર્તમાન સુખો નો શો ભરોસો રાખવો?

પહેલાં ના રાજાઓના તેમનાં ધન ક્યાં ગયાં? પૂર્વના બ્રહ્માઓનાં જૂનાં બ્રહ્માંડો ક્યાં ગયાં?
તો પછી હું આ મારાં ધન-વગેરેમાં વિશ્વાસ રાખું છું તે-શું મૂર્ખતા-ભર્યું જ ના કહેવાય?
લાખો ઇન્દ્રો (સ્વર્ગ ના રાજાઓ) પણ પાણીમાં રહેલા પરપોટાની પેઠે કાળમાં ગળી ગયા છે,
અને તેમ છતાં, હું જીવવા ઉપર આસ્થા બાંધી બેઠો છું,તો હું  શું મહાત્મા પુરુષો માટે હાસ્ય-પાત્ર નથી?

જો કરોડો બ્રહ્માઓ મરી ગયા છે,કરોડો સૃષ્ટિઓ નષ્ટ થઇ ગઈ  છે,અને કરોડો રાજાઓ ધૂળમાં મળી ગયા છે-
તો મને -આ ક્ષણિક જીવન પર શું વિશ્વાસ?
આ "સંસાર-રૂપી-રાત્રિ"માં થયેલી "દેહાદિક-પ્રતીતિ-રૂપ-સ્વપ્ન"માં જો હું આસ્થા બાંધુ તો-એ મારા અવિવેક ને ધિક્કાર છે."આ દેહ -એ હું છું" એવી જે કલ્પના થઇ છે તે ખોટી જ છે,તે છતાં હું "અહંકાર-રૂપી-પિશાચના વળગાડ-વાળાઓ" જેવો  થઈને મૂરખની પેઠે કેમ બેઠો છું?


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE