Jan 28, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-403

એ મન જો કદાચ "સર્વદા-એકસરખા-સ્વભાવવાળા-પરમાત્મા"ના અનુસંધાનની ધારા ચલાવ્યે જાય,તો,જેમ આકાશમાં પવન અસંગ રહે છે -તેમ,પોતે (મન) પણ બ્રહ્માંડના "વિષયો"માં અસંગ રહે છે.
અને જો, કદાચ એ મન,શાસ્ત્રોમાં જણાવેલા નિયમ પ્રમાણે નહિ,પણ,
વિહિત કર્મોની પદ્ધતિમાં જ ચાલ્યું જાય,તો તે તે કર્મોને અનુસરતાં ફળોને પ્રાપ્ત થાય છે.
હે,પુત્ર,એક જાતના "સંકેત" ના માટે જ,કલ્પાયેલો "દૈવ" નામનો રૂઢ શબ્દ-પામર લોકોને પહાડ જેવો લાગે છે.

આમ, જ્યાં સુધી મન છે-ત્યાં સુધી દૈવ-પણ નથી અને કોઈ પ્રકારનો નિયમ પણ નથી જ.
એટલે,મન નષ્ટ થયા પછી,જો કોઇ નિયમ કે દૈવ થતાં હોય તો ભલે થાય.
મનુષ્ય,જો પોતે "કાયર-પણા-રૂપી-નપુંસક-સ્વભાવ" ને છોડીને પુરુષ બનીને પુરુષાર્થ કરવા લાગે તો,
આ લોકમાં ઇચ્છિત ફળને પ્રાપ્ત થાય છે.
પુરુષાર્થ કરવા લાગીએ તો જે "ધાર્યું હોય" તે થવામાં કોઇ પણ ફેરફાર થતો નથી.

હે,પુત્ર,પુરુષાર્થ વિના આ જગતમાં બીજું કંઈ પણ ઉત્તમ નથી,
આથી અત્યંત પુરુષાર્થ (અભ્યાસ) કરીને,"ભોગો-પર-અરુચિ" નું સંપાદન કરવું.
જ્યાં સુધી "સંસાર નો નાશ કરનાર"---"ભોગો પરની અરુચિ" થાય નહિ,
ત્યાં સુધી સર્વોત્કૃષ્ટપણાને આપનારું પરમ સુખ પ્રાપ્ત થાય નહિ.
જ્યાં સુધી વિષયો પર અત્યંત મોહ આપનારી રુચિ હોય,
ત્યાં સુધી,ભોગોથી ગૂંથાયેલી,દુઃખ આપનારી અને ચપળ-રીતે આમતેમ હિલોળા ખાતી--
"આશા" નામની સંસારની દશા કદી પણ નિવૃત્તિ પામતી નથી.
"વૈરાગ્યના અભ્યાસ" સિવાય એ "આશાઓ" ને દુર કરવાનો બીજો કોઈ ઉપાય નથી.

બલિ કહે છે કે-હે,પિતા,ભોગો ઉપરની અરુચિ,જીવને બ્રહ્મ-ભાવ-રૂપી સ્થિતિ આપનારી છે,એ સાચી વાત છે,
પરંતુ એ અરુચિ,કયા ઉપાયથી મનમાં સ્થિર થાય?

વિરોચન કહે છે કે-"આત્માનું અવલોકન" (આત્મા નું દર્શન)-એ જીવને સ્પષ્ટ રીતે "ભોગોમાં અરુચિ" કરાવે છે,અને તે ભોગો પર અરુચિ રાખવાથી "મોક્ષ-રૂપી સર્વોત્તમ ફળ" પ્રાપ્ત થાય છે.
અતિસુંદર "વિચાર",એ "બુદ્ધિ-રૂપી-મણિ" ની સરાણ-રૂપ (મણિને ઘસવાની ઘંટી-રૂપ) છે.
એથી,"આત્માનું અવલોકન" અને "ભોગો ઉપર અરુચિ" એ બંનેને એકી વખતે (સાથે) સંપાદન કરવાં.

જ્યાં સુધી,ચિત્ત (મન) -એ-જ્ઞાનના માર્ગમાં પ્રવીણ થયું ના હોય,
ત્યાં સુધી તેને સુમાર્ગે ચડાવવાના આરંભ ના દિવસોમાં -
દિવસના (ચાર ભાગોમાંથી) બે ભાગો ને અવિરુદ્ધ આવશ્યક ભોગો ભોગવવામાં કાઢવા.
એક ભાગ,શાસ્ત્રનું શ્રવણ કરવામાં અને એક ભાગ ગુરુની સેવા કરવામાં કાઢવો.

જયારે ચિત્ત,જ્ઞાનના માર્ગમાં કાંઇક સાધિત થાય,ત્યારે-
દિવસના એક-ભાગને આવશ્યક ભોગો ભોગવવામાં કાઢવો,એક ભાગ શાસ્ત્ર નું શ્રવણ કરવામાં અને
બે ભાગ,ગુરુની સેવામાં કાઢવા.(નોંધ-ગુરુના શરણે જવાથી અને સેવાથી અહં નો લય થાય છે!)

જયારે ચિત્ત જ્ઞાનના માર્ગમાં બરાબર પ્રવીણ થાય,ત્યારે-
દિવસના બે ભાગને શાસ્ત્રના અને વૈરાગ્યના ચિંતવનમાં કાઢવા ને બે ભાગને ધ્યાન કરવામાં તથા ગુરુની સેવામાં કાઢવા.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE