Jan 27, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-402

જેમ માટીનો પિંડો -ઘડા-રૂપે પરિણામ પામે છે-તેમ મન જ જગત-રૂપે પરિણામ પામ્યું છે.
જેમ માટીના પિંડામાં,ઘડો સૂક્ષ્મરૂપે રહે છે,તેમ મનમાં જગત સૂક્ષ્મ-રૂપે રહે છે.
એ મન જીતાય તો સઘળું જીતાઈ જાય છે.પણ એ મન જીતવું બહુ કઠિન છે,તે તો "યુક્તિ"થી જ જીતાય છે.

બલિ પૂછે છે કે-એ મન ને દબાવવાની જે યુક્તિ હોય તે પ્રથમ સ્પષ્ટ રીતે આપ મને કહો.
વિરોચન કહે છે કે-સઘળા "વિષયો"  ઉપર સર્વથા "સ્પૃહા" (આશા,ઈચ્છા કે આસક્તિ) રાખવી નહિ,એ જ મનને જીતી લેવાની ઉતમ "યુક્તિ" છે.એ યુક્તિ જેવી બીજી કોઈ જ યુક્તિ નથી.
આ યુક્તિ અત્યંત દુર્લભ પણ છે અને અત્યંત સુલભ પણ છે.

એ "યુક્તિ"નો (વિષયો પર સ્પૃહા ના રાખવી-તેનો) જો "અભ્યાસ" કરવામાં ના આવ્યો હોય તો તે "દુર્લભ" છે,અને જો સારી પેઠે "અભ્યાસ" કરવામાં આવ્યો હોય તો તે "અતિ-સુલભ" છે.
અનુક્રમે અભ્યાસ કરવામાં આવતી,આ "વિષયો ઉપરની અરુચિ-રૂપી યુક્તિ" થી
"શાંતિ" સ્પષ્ટ રીતે જણાઈ જાય છે.(એટલે  કે-શાંતિ મળે છે)

હે,પુત્ર,જેમ, કોઈ મનુષ્ય ડાંગરને (ડાંગર ના પાકને) ઈચ્છતો હોય,
પણ લોભને લીધે (ડાંગર વપરાઈ જાય-તેવા લોભને લીધે) તેને વાવે નહિ તો-તેને ડાંગર પ્રાપ્ત થતી નથી,
તેમ,જે મનુષ્ય આ "યુક્તિ"ને ઈચ્છતો હોય,પણ ભોગોની લાલચને લીધે તેનો (યુક્તિનો)અભ્યાસ કરે નહિ,
તેને આ યુક્તિ પ્રાપ્ત થતી નથી. આથી તું પ્રયત્નપૂર્વક એ સ્થિતિને (યુક્તિની સ્થિતિને) સ્થિર કર.

સંસાર-રૂપી-ખાડાઓ-માં પડેલાં પ્રાણીઓ-
જ્યાં સુધી,વિષયોમાં નિસ્પૃહ-પણાને (યુક્તિને) પ્રાપ્ત ના થાય-ત્યાં સુધી દુઃખોમાં જ ભમ્યા કરે છે.
જેમ,અત્યંત બળવાન મનુષ્ય પણ જો ચાલવા ના લાગે તો દેશાંતર (બીજા દેશ) ને પ્રાપ્ત થતો નથી,
તેમ,સમજુ મનુષ્ય પણ જો આ "યુક્તિનો અભ્યાસ" કરે નહિ તો-આ "યુક્તિ"ને પ્રાપ્ત થતો નથી.
આથી,જેમ,જળના સિંચન થી લતાની વૃદ્ધિ કરવામાં આવે છે,
તેમ,"ધ્યેય" નામની વાસનાના ત્યાગને ઇચ્છતા પુરુષે,
નિરંતર "અભ્યાસ"  (યુક્તિ) થી "ભોગો ઉપર અરુચિની વૃદ્ધિ" કરવી જોઈએ.

હે,પુત્ર,"ક્રિયા" (કર્મો) ના અનુકુળ ફળને (મોક્ષને) પામવા માટે પણ,
હર્ષ-ક્રોધ ને ત્યજી દઈને -પુરુષાર્થ (અભ્યાસ) કરવા સિવાય બીજું કોઈ સાધન નથી.
આ જગતમાં ઘણી વખત,"દૈવ-દૈવ" (પ્રારબ્ધ) છે-એમ કહેવામાં આવે છે,પણ,તે દૈવનું સ્વરૂપ કંઈ બીજું નથી.પણ,પોતાના નિયમિત ઉદ્યમથી (પુરુષાર્થ કે અભ્યાસથી) થતું જે ફળ માનવામાં આવે છે,તે જ દૈવ કહેવાય છે.એટલે-"દૈવ" (પ્રારબ્ધ) એ શબ્દ પામર લોકોનો જ છે,પણ વિદ્વાનો નો નથી.

જયારે કોઈ મનુષ્યને કોઈ કામમાં  સ્પર્ધા આવી જાય છે, ત્યારે તેના (સ્પર્ધા વાળા) શત્રુઓ પોતાની અસહનતાને શાંત કરવા માટે અને તે મનુષ્ય પોતાના હર્ષને શાંત કરવા માટે "દૈવ" એ શબ્દ વાપરે છે.
જેમ,નિર્જળ ભૂમિના જ્ઞાનથી ઝાંઝવાના પાણીનો ભ્રમ જીતાઈ જાય છે,
તેમ "નિયતિ-રૂપી-દૈવ" બીજા પ્રબળ ઉધમ (પુરુષાર્થ કે અભ્યાસ) થી જીતાઈ જાય છે.

જે જે સફળ થયેલું કે નિષ્ફળ થયેલું "માનવામાં" આવે છે,તે સઘળું મન થી જ થાય છે.
માટે પુરુષાર્થ કરીને જો તેમાં "સફળ થવાનું માનવામાં" આવે તો-તે સફળપણાના સુખ ને આપે છે.
અમારા સિદ્ધાંતમાં -જે મન છે તે જ કર્તા છે.એટલા માટે તે મન જે પ્રકારના નિયમિત ફળનો સંકલ્પ કરે છે,
તેવું જ નિયમિત ફળ પ્રાપ્ત થાય છે.અને મન જે રીતે દૈવ ની કલ્પના કરે છે તે રીતે દૈવ કલ્પાઈ જાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE