Feb 9, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-415

"જે વિષ્ણુ છે તે જ પ્રહલાદ છે અને જે પ્રહલાદ છે તે જ વિષ્ણુ છે,મારાથી બીજો કોઈ વિષ્ણુ નથી" એવો મારા મનમાં નિશ્ચય થવાને લીધે,હું સર્વ-વ્યાપક છું.હું ત્રૈલોક્ય ને બાળી નાખવા સમર્થ છું,મારી સામે કયો શત્રુ આવી શકે તેમ છે?મારી આગળ ઉભેલા આ દેવતાઓ અને દૈત્યો,મારા તેજના પ્રસારને રોકી શકતા નથી.
આ બ્રહ્મા,ઇન્દ્ર,અગ્નિ,રુદ્ર-આદિ દેવતાઓ તેમના મુખોમાંથી નીકળતાં અનંત વચનો થી મારી સ્તુતિ કરે છે.

દિશાઓ,આકાશ,પૃથ્વી અને સઘળું જગત વિષ્ણુ છે,તેથી હું પણ અપ્રમેય-સ્વ-રૂપ વાળો વિષ્ણુ છું.હું પોતે જ સર્વ દેશમાં,સર્વ કાળમાં અને સર્વ વસ્તુઓ માં નારાયણ-રૂપ જ છું.
જેમ પવન આકાશમાંથી કદી દૂર થતો નથી,
તેમ સઘળા મનોરથી ને સિદ્ધ કરનારો "નમો નારાયણ" એ મંત્ર મારા હૃદયમાંથી કદી દુર થશે નહિ.

અત્યંત વૃદ્ધિ પામેલા ઐશ્વર્ય-વાળો હું સાક્ષાત વિષ્ણુ-રૂપ થયો છું.હું મારા વાસ્તવિક (વિષ્ણુના) સ્વભાવથી તો-સુખ-દુઃખ-આદિ સઘળાં દ્વંદો થી રહિત છું.આ જે મારું વિષ્ણુ-સ્વ-રૂપ છે તેને હું પ્રણામ કરું છું.
તે વિષ્ણુ ના ઉદરની અંદર સઘળું બ્રહ્માંડ રહ્યું છે.વાદળાં,પર્વતો અને વન વગેરે સર્વ પદાર્થોમાં -
તે (વિષ્ણુ) વ્યાપક થઈને રહે છે,અને સઘળા પ્રકારના ભયો ને મટાડનાર છે.

(૩૨) પ્રહલાદે કરેલી વિષ્ણુ પૂજા અને દેવોને થયેલું આશ્ચર્ય

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,પ્રહલાદે તે પ્રમાણે,પોતાના શરીરને,પોતાની ભાવનાથી નારાયણ-રૂપ કર્યું.
અને પછી તે નારાયણ ને પૂજવા માટે નીચે પ્રમાણે ચિંતવન કર્યું.

" આ મેં કલ્પેલું,વિષ્ણુ નું જે રૂપ છે,તેથી જુદું કોઈ સમષ્ટિ-રૂપ કે વ્યષ્ટિ-રૂપ નથી,
પણ મેં "હું-રૂપ" કલ્પેલું જે વિષ્ણુ નું સ્વરૂપ છે,તેનું હું હૃદયમાંથી પ્રાણવાયું ના પ્રવાહને માર્ગે આવાહન કરું છું.અને પૂજાની સમાપ્તિ પર્યંત,એ વિષ્ણુ જાણે બહાર બિરાજ્યા હોય એમ પણ કલ્પના કરી લઉં છું.
(નોંધ-"હું-રૂપે" કલ્પેલું વિષ્ણુ નું સ્વરૂપ એટલે "હું જ વિષ્ણુ છું" એ અદ્વૈત થાય છે,જયારે
પૂજા ની સમાપ્તિ સુધી-એટલે કે ભક્તિ માં તે જ વિષ્ણુ- બહાર બિરાજ્યા હોય તેવી "કલ્પના"-તે દ્વૈત છે)

એ વિષ્ણુ,ગરુડ પર બિરાજ્યા છે,અને ક્રિયાશક્તિ,જ્ઞાનશક્તિ,ઈચ્છાશક્તિ,અને અનુગ્રહશક્તિ-
એ ચાર શક્તિઓ થી તે સંપન્ન  છે.
તે,શંખ,ચક્ર,ગદા અને કમળને ધારણ કરનારા,શ્યામ શરીરવાળા છે ને ચાર ભુજાઓવાળા છે.
એ ચંદ્ર એ સૂર્ય-રૂપી બે નેત્રોવાળા છે,વક્ષ-સ્થળમાં લક્ષ્મીને ધારણ કરનારા છે.
વિશાળ નેત્રો વાળા છે,સારંગ નામના ધનુષ્યને ધારણ કરનારા છે અને,મહા કાંતિમાન છે.

પ્રથમ હું સઘળી સામગ્રીઓથી રમણીયતાવાળી "માનસિક-પૂજા" થી
એ વિષ્ણુનું એમના પરિવારો સહિત શીઘ્ર "માનસિક પૂજન" કરીશ,
તે પછી "ફરીવાર" બહારના વૈભવોથી ભરપૂર,એવાં ઘણાં રત્નો-વાળી "બાહ્ય-પૂજા" થી
એ મોટા (દેવ) વિષ્ણુ નું હું પૂજન કરીશ"

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,એ પ્રમાણે ચિંતવન કરી,તે પ્રહલાદ,પોતાના "મન"થી જ ઘણી સામગ્રીઓથી ભરપૂર,"માનસિક પૂજા" થી,લક્ષ્મી પતિ-ભગવાન વિષ્ણુ નું પૂજન કરવા લાગ્યો.
તેણે, મન થી જ રત્નો થી જડેલાં પાત્રો વડે અભિષેક કર્યો,ચંદન આદિ લેપનો કર્યા,ધુપો કર્યા,દીવાઓ કર્યા,
વૈભવો-વાળા વિચિત્ર અલંકારો ધરાવ્યા,અને ભાતભાતના નૈવેધ્યો ધરાવ્યા.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE