Feb 18, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-424

આ આત્મા જોવામાં આવતાં સઘળું જગત જોવામાં આવે છે,તેને સાંભળવામાં આવતા,સઘળું જગત સાંભળવામાં આવે છે,સ્પર્શ (સાક્ષાત્કાર) કરવામાં આવતા સઘળું જગત સ્પર્શ કરવામાં આવે છે,અને એના રહેવાથી જ સઘળું જગત રહે છે.
આ આત્મા સઘળા પ્રાણીઓ સૂતા હોય તો પણ (તે પોતે) જાગ્યા કરે છે,અવિવેકીઓ ને માર્યા કરે છે,શરણાગત થઈને આવેલા દુઃખી લોકોનાં દુઃખ હરે છે,અને દેહનું અભિમાન કરનારાઓ ને દુઃખ આપે છે.

આ આત્મા,જગતની સ્થિતિઓમાં જીવ થઈને વિચરે છે,ભોગોમાં વિલાસ પામે છે,અને સઘળી વસ્તુઓમાં સ્ફૂર્યા જ કરે છે.તે સંસારમાં રહેલો હોવા છતાં પણ પોતાના શાંત સ્વરૂપથી પોતાના શાંત સ્વરૂપ નો જ અનુભવ કર્યા કરે છે.
આ આત્મા જ આકાશમાં શૂન્ય-પણા-રૂપે,વાયુમાં ગતિ-રૂપે,તેજમાં પ્રકાશ-રૂપે,જળમાં રસ-રૂપે અને પૃથ્વીમાં કઠિન-પણા-રૂપે રહેલો છે.વળી તે,અગ્નિમાં ઉષ્ણતા-રૂપે,ચંદ્રમાં શીતળતા-રૂપે અને સઘળા બ્રહ્માંડોમાં સત્તા-રૂપે રહેલો છે.

જેમ,મેંશ માં કાળા-પણું,હિમના કણમાં શીત-પણું અને પુષ્પોમાં સુગંધ-પણું રહેલું છે,
તેમ,સઘળા દેહોમાં આત્મા રહેલો છે.અને તેની સત્તા સર્વ-વ્યાપક છે.
સઘળી ઇન્દ્રિયો અને મન ના -બહાર કે અંદરના વ્યાપારોથી જે કાંઇ પણ પ્રકાશે છે,તે આત્મા નું જ કાર્ય છે.

દેવો ને પણ સત્તા અને સ્ફૂરણ આપનારો,અવિનાશી અને મોટો દેવ-આત્મા-હું જ છું.
મારામાં (આત્મામાં) બીજી કોઈ કલ્પના છે જ નહિ.
જેમ,રજની કણીઓથી  આકાશને સંબંધ થતો નથી,તેમ મને બીજા કોઈ સાથે સંબંધ થતો નથી.
સુખો કે દુઃખો-કે-શરીરને પડે કે ના પડે,પણ તેથી મને શી હાનિ?
જેમ,તેલને,દિવેટને,કોડિયાને -ઓળંગીને, પર રહેલો પ્રકાશ, દોરીથી બાંધી શકતો નથી,
તેમ,સઘળા પદાર્થોને,ઓળંગીને રહેલો હું (આત્મા) કોઇથી પણ બંધાતો નથી.
મારે (આત્માને) વળી,વિષયોની સાથે,ઇન્દ્રિયોની સાથે,કે જન્મ-મરણ સાથે શો સંબધ હોય?

જેમ આકાશ નિરાકાર હોવાથી તેને કોઈ સાથે સંબંધ થતો નથી,
અને તે આકાશ ના પર કોઈનો,કશાથી-પ્રહાર પણ થઇ શકતો નથી,
તેમ,શરીરના સેંકડો ટુકડે ટુકડા થઇ જાય પણ મારું કશું ખંડન (કે નુકશાન) થતું નથી.

ઘડો ભાંગી જાય અને નષ્ટ થઇ જાય,તો પણ ઘડામાં જે આકાશ (ઘડાકાશ) હતું તેને શી  હાનિ છે?
જેમ,પિશાચ,મુદ્દલે નહિ હોવા છતાં,ખોટી ભ્રાંતિ થી જ ઉદય પામે છે,
તેમ,જડ મન-કે જે મુદ્દલે નહિ હોવા છતાં,ખોટી ભ્રાંતિ થી જ ઉદય પામ્યું છે,
તે મન જો જ્ઞાન ના પ્રભાવથી નષ્ટ થઇ જાય,તો પણ મને શી હાનિ?

પ્રહલાદ સ્વગત બોલે છે કે-સુખ-દુઃખમય વાસનાઓથી ભરપૂર રહેનારું મારું મન-
પ્રથમથી જ અજ્ઞાનની દશામાં હતું,પણ હવે નથી.
હમણાં,તો મને દેશ-કાળ-આદિ ની મર્યાદા વિનાની અનંત શાંતિ મળી છે.
પ્રકૃતિ ભોગવે છે,મન લે છે,દેહ કલેશો ને પામે છે અને આત્મા જોયા કરે છે (સાક્ષી)-
તેમ છતાં,કોઈ મનુષ્ય,એ આત્મા,
ભોગવવાને,લેવાને,કલેશોને પામવા માટે-પોતામાં છે-એમ-માની લે-એ તો મૂર્ખતા જ કહેવાય !!
આ મૂર્ખતા-વાળી ચકરી કોને નાખી હશે? હકીકતમાં આત્માને કોઈ ક્ષતિ છે જ નહિ.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE