Feb 19, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-425

પ્રહલાદ સ્વગત કહે છે કે-મને ભોગો મળે તેવી ઈચ્છા નથી કે ભોગોના ત્યાગની પણ ઈચ્છા નથી.જે આવતું હોય તા ભલે આવે અને જે જતું હોય તે ભલે જાય,મને સુખ પર રાગ નથી અને દુઃખ પર દ્વેષ નથી.મારે તેમની સાથે શો સંબંધ? શરીર માં અનેક પ્રકારની વાસનાઓ ઉદય પામે કે અસ્ત પામે-મારે તેની સાથે શો સંબંધ?

અહો,આટલા કાળ સુધી અજ્ઞાન-રૂપી શત્રુએ મારા વિવેક-રૂપી-સર્વસ્વને હરી લઈને મને કચડી નાખ્યો હતો,પણ હવે, મારા સ્વ-રૂપમાંથી જ ઉત્પન્ન થયેલી વિષ્ણુ ની અનહદ કૃપાથી,એ સઘળું સમજવામાં આવતા,તે શત્રુને મેં તોડી નાખ્યો છે,અને સઘળું-સર્વસ્વ (વિવેક-વગેરે) પાછું મેળવીને બધું ઠીક કરી લીધું છે.

મેં હવે, મારા,મારા 'શરીર-રૂપી-ઝાડ'ની બખોલમાંથી,'બ્રહ્મ-વિષય-રૂપી-મંત્ર' વડે,
'અહંકાર-રૂપી પિશાચ' ને કાઢી મુક્યો છે,એટલે તે (શરીર) અત્યંત પવિત્ર થયું છે અને ખીલ્યું છે.
દુષ્ટ 'આશાઓ-રૂપી-દોષો' નો નાશ થવાને લીધે,'મોહ-રૂપી-દારિદ્રય' ટાળી જવાથી,
હું 'વિવેક-રૂપી-ધન'ને પ્રાપ્ત કરીને મહા-સમર્થ થયો છું.
જે જાણવાનું છે તે સર્વ જાણી લીધું,અને જે કંઈ જોવાનું હતું તે સર્વ જોઈ લીધું.
અને હવે મને એવો પુરુષાર્થ પ્રાપ્ત થયો છે કે-જે પછી બીજું કંઈ પામવાનું બાકી રહેતું નથી.

મારું 'મોહ-રૂપી ઝાકળ' ટાળી ગયું છે,'વાસના-રૂપી ઝાંઝવાં' ના પાણી શાંત થઇ ગયા છે,અને
'પરમાત્મા-રૂપી-વિશાળ ભૂમિ' ને પ્રાપ્ત થયો છું.
વિષ્ણુ ની સ્તુતિ કરવાથી,વિષ્ણુ ને પ્રણામ કરવાથી,વિષ્ણુ ની પ્રાર્થના કરવાથી અને શમ-નિયમના પ્રભાવથી,મને આ 'મહા-સમર્થ આત્મા' જોવા મળ્યો છે અને સ્પષ્ટ રીતે જાણવામાં આવ્યો છે.

અહંકારના પદને ઓળંગીને રહેલો,અને સનાતન બ્રહ્મ-રૂપ આ સમર્થ આત્મા,
ઘણા સમયે આ વિષ્ણુની કૃપાથી જ મારા સ્મરણમાં (બુદ્ધિમાં) આવ્યો છે.
જેમ,મૂર્ખ મનુષ્યને રાત્રે જંગલમાં પિશાચ હેરાન કરે છે,
તેમ,લાંબા સમય સુધી આ અહંકાર-રૂપી શત્રુએ જ મને ઘણો પરેશાન કર્યો હતો.

વાસનાઓ,તૃષ્ણાઓ,જન્મ-મરણ,કામ,ક્રોધ,લોભ,સુખો અને આશાઓ-રૂપી પાશોથી હું બંધાયો હતો.
પણ હવે મારા આત્માએ પોતાની ચતુરાઈથી (વિચારથી) શ્રી વિષ્ણુ નું રૂપ ધારણ કરીને મારા વિવેકની
સંપત્તિને ધારણ કરી છે.આત્મજ્ઞાન-રૂપી પ્રકાશ થતાં તે અહંકાર હવે મારા જોવામાં આવતો નથી.

જેમ,દીવો,શાંત થતા,ફરી તે દીવાનો પત્તો (અંધકાર થવાને ને લીધે) મળતો નથી,
તેમ, 'મન-રૂપી-ગુફા'માં રહેનારો 'અહંકાર-રૂપી યક્ષ' શાંત થતા,હવે મને તેનો પત્તો મળતો નથી.
આ જગતમાં જ્ઞાનને પામેલો,હવે, હું શાંત થાઉં છું અને પરમસુખ માં રહું છું.
સ્વરૂપ ના વિચારને લીધે,અહંપદ (અહંકાર) શાંત થઇ ગયું તો-
હવે મોહ ક્યાંથી?દુઃખો ક્યાંથી? દુષ્ટ આશાઓ ક્યાંથી? અને ચિંતાઓ પણ ક્યાંથી?


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE