Mar 21, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-456

હે,ચિત્ત,હું પોતે અનુભવ-રૂપ છું,એટલા માટે મારા સાક્ષી-સ્વ-રૂપ થી -
હું તને,જ્ઞેય-પદાર્થ-રૂપ અને અહંતા-રૂપ-આદિ દુઃખોના કારણ-રૂપ જાણું છું.
માટે હવે હું -આવા-વિવેકથી ઉત્પન્ન થયેલા,બોધ-રૂપી શસ્ત્રનું ગ્રહણ કરીને તને મારી નાખું છું.

જે ગતિ-રૂપ અંશ છે તે પ્રાણોનો છે,જે બોધ-રૂપ (જ્ઞાન-રૂપ) અંશ છે તે મહા-ચૈતન્ય નો છે,તો-જે જરા અને મરણ-રૂપ અંશો છે તે શરીર ના છે,તો તેઓમાં "હું" એમ માની બેસનાર કોણ હશે?
જે માંસ છે,જે રુધિર છે,જે અસ્થિ છે,જે બોધ છે,કે જે ગતિ છે-તે કોઈ પણ અહં-પદ નો અર્થ નથી,તો-અહં-પદ ના અર્થ-રૂપ તે કોણ હશે?
આ જ્ઞાનેન્દ્રિયો (નાક-કાન-વગેરે)છે તેમાં "હું" ને માની બેસનાર તે કોણ છે?

વાસ્તવિક રીતે વિચારી જોતાં,મન (કે ચિત્ત) છે તે પણ અહં-પદના અર્થ-રૂપ હોવાનો સંભવ નથી,
જે વાસના છે તે પણ અહં-પદ ના અર્થ-રૂપ હોવી સંભવતી નથી,
અને આત્મા છે-તેને પણ અહં-પદ નો સ્પર્શ પણ હોવો સંભવતો નથી.
આત્મા કેવળ શુદ્ધ ચૈતન્ય-પણે જ પ્રકાશે છે,માટે તેને "અહં" પદ લાગુ પડી શકે જ નહિ.

માટે-કાં તો "હું સર્વનું અધિષ્ઠાન છું માટે હું સર્વ-રૂપ છું"
અને કાં તો-"જે સર્વ કંઈ છે તે સર્વ પણ હું નથી" એમ માનવું યથાર્થ છે.
પણ,"જે મર્યાદિત દેહ છે તે હું છું" એમ માની લેવું તે ભૂલ ભરેલું છે અને તે સંભવિત નથી.

આ અજ્ઞાન-રૂપી ધૂતારાએ મને ઘણા દિવસથી પોતાની અહંતાથી ઠગીને મને હેરાન કર્યો છે,પણ,
હવે એ અજ્ઞાન-રૂપી ચોરને મેં ઓળખી લીધો તે સારું થયું.
મારા સ્વ-રૂપ-રૂપી-ધન નું હરણ કરનારા એ ચોરનો હું હવે -ફરી કદી પણ વિશ્વાસ કરીશ નહિ.
હું તો સર્વ દુઃખ થી રહિત છું,જયારે તે અજ્ઞાન-રૂપી ચોર તો સદા દુઃખમય જ છે,
માટે હું તેનો નથી અને તે મારો નથી.

મારે તો સર્વથા-અહંકાર-આદિ છે જ નહિ,તો પણ નટ,જેમ તાત્કાલિક વેશથી,બીજા-રૂપ થાય છે-
તેમ,તાત્કાલિક,કલ્પનાના અંશથી હું અહંકાર-રૂપ થઇ બોલું છું,જાણું છું,રહું છું અને ચાલુ છું.
આમ, હવે,હું પોતાના આત્મા ના અવલોકન ને લીધે અહંકાર રહિત થયો છું,અને હું હવે નિશ્ચયથી માનું છું કે-
ચક્ષુ -વગેરે ઇન્દ્રિયો વગેરે આ દેહમાં રહે કે જતી રહે-તો પણ એમને અને મને કંઈ લાગતું-વળગતું નથી.

હાય,આ જગત-રૂપી-બાળક ને ભૂતની પેઠે નડનારો,આ અહંકાર કોણ છે? શી રીતે છે? અને કોને તેને કલ્પેલો છે? આટલા લાંબા સમય સુધી હું નકામો જ આ અહંકાર-રૂપી ખાડામાં અથડાયો છું.
ઇન્દ્રિયો તેમના વિષયમાં જતી હોય તો ભલે જાય,પણ તે ઇન્દ્રિયોના વિષયોના રસનું ગ્રહણ કરવામાં
"હું રસ લઉં છું"એમ માનનારો દુષ્ટ અહંકાર,કોણ છે? અને ક્યાંથી આવ્યો છે?
મને તો આ અહંકાર એક પ્રકારનો ભ્રમ જ જણાય છે.
ઇન્દ્રિયોના કાર્યમાં "હું કરું છું"-તેવી જે કલ્પના થાય છે,એ તો ઝાંઝવાના પાણીની પેઠે,નકામું તૂત જ છે.
માટે તે અહંકારના હોવાથી જે "આ દેહ હું છું" એવી જે આસક્તિ થાય છે,તે પણ એક જાતની ભ્રાંતિ જ છે.

દેહમાં અહંભાવ રૂપી જે વાસના છે તે ટળી જશે,તો દેહનું જીવન જ નહિ રહે,જો કે-
વાસના વિનાનો દેહ પણ ચક્ષુ-આદિ ઇન્દ્રિયો ને લીધે,પોતાની મેળે,પોતાના જીવન રૂપ બહારના કાર્યોમાં,
વ્યવહાર કરી શકે તેમ છે.પણ,આમ,દેહની પ્રવૃતિમાં વાસના કારણ-રૂપ છે જ નહિ.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE