Mar 30, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-465

આ રીતે,"તત્વ"ના સાક્ષાત્કાર ને પામેલો,એ ઉદ્દાલક,
સર્વ જગતના અધિષ્ઠાન-રૂપ,અને (દ્વૈત ના પ્રતિભાસથી રહિત) શુદ્ધ-મહા-ચૈતન્ય-રૂપ થઇ ગયો.
એ સ્થિતિમાં-તેને,દૃશ્યોના દર્શન થી રહિત,જાણે,અમૃતનો સમુદ્ર હોય તેવો-અને-બ્રહ્માદિ,મહાત્માઓ જેનો સ્વાદ લે છે-તેવો-નિરતિશય આનંદ (પરમાનંદ) પ્રાપ્ત થયો.
શરીર-આદિ ની આસક્તિથી રહિત થયેલો,અને એ અવર્ણનીય દશાને પ્રાપ્ત થયેલો, તથા,આનંદના સમુદ્ર-રૂપ થયેલો તે ઉદ્દાલક "સત્તા-સામાન્ય-રૂપ" થયો.
(નોંધ-સત્તા-સામાન્ય-રૂપ-આ શબ્દ નો અર્થ હવે પછી ના પ્રકરણમાં આવશે)
જેમ શરદ-ઋતુના સ્વચ્છ આકાશમાં રહેલો પૂનમનો ચંદ્ર પૂર્ણ સ્થિતિને પ્રાપ્ત થાય છે,
તેમ,આનંદના સરોવર-રૂપ-પરમ-તત્વમાં રહેલો
એ ઉદ્દાલકનો ચૈતન્ય-રૂપી-હંસ (આત્મા)પૂર્ણ સ્થિતિને પ્રાપ્ત થયો.
એ ઉદ્દાલક વાયુ વિનાના સ્થળના દીવા જેવો,ચિત્રમાં આલેખાયેલા જેવો,તરંગો થી રહિત થયેલા સમુદ્ર જેવો,અને વરસી રહીને ગર્જનાથી પણ રહિત થયેલા મેઘ જેવો થઇ ગયો.

એ મોટા પ્રકાશ-રૂપી નિર્વિકલ્પ સમાધિમાં લાંબા કાળ સુધી રહેલો,
ઉદાલક જયારે કોઈ સમયે સમાધિમાંથી જાગ્રત થયો,
ત્યારે આકાશમાં ફરનારા કેટલાક સિદ્ધલોકો અને ઘણા દેવતાઓ પણ ત્યાં તેના જોવામાં આવ્યા.
અનેક પ્રકારની પ્રત્યક્ષ સિદ્ધિઓ પણ ચારે બાજુથી તેની પાસે આવી,પણ ઉદ્દાલકે તે સર્વ નો અનાદર કર્યો.અને તેમ કરીને તે પાછો છ મહિના સુધી,આનંદના સ્થાનક-રૂપ તે નિર્વિકલ્પ સમાધિમાં ડૂબી ગયો,
ફરી તે જાગ્રત થયો ત્યારે,તેણે સિદ્ધલોકો,દેવતાઓ,બ્રહ્મા,રુદ્ર -વગેરે ને પાસે આવીને ઉભેલા જોયા,
આમ છતાં કોઈ સુખમાં આસક્ત નહિ થતાં,સઘળું ત્યજીને ફરી ફરી,નિર્વિકલ્પ સમાધિ કર્યા કરતો,
એ ઉદ્દાલક અનુક્રમથી જીવનમુક્ત-પણાની ઉંચી-ને ઉંચી ભૂમિકાઓને પ્રાપ્ત થતો ગયો.

પર-બ્રહ્મ-પદ- કે જેનો આનંદ ચિત્ત (મન) થી અનુભવમાં આવતો નથી,પણ,સ્વરૂપથી જ અનુભવવામાં આવે છે,-તેને- પ્રાપ્ત થયેલો,એ ઉદ્દાલક નો આત્મા,વિષયાનંદના સુખમાં નહિ રહેતાં,
પર-બ્રહ્મ ની સાથે એક-રસતા થી રહ્યો.

હે,રામ,જે પુરુષે હજાર વર્ષ સુધી,અથવા એક ક્ષણ સુધી,પણ જો-સ્વર્ગ-લોક દીઠો હોય,
તો-તેને જેમ ભૂલોકમાં (પૃથ્વી કે પૃથ્વીના ભોગોમાં) રુચિ થાય જ નહિ,
તેમ જેને,હજાર વર્ષ સુધી કે એક ક્ષણ પણ એ "પરમ-બ્રહ્મ-પદ" માં સ્થિતિ મળી હોય-
તો-તેના મનને ભોગોમાં રુચિ થાય જ નહિ.
હે,રામ,એ જ ઉત્તમ પદ છે,એ જ શાંત ગતિ છે,એ જ ઉત્તમ કલ્યાણ છે,અને એ જ અવિચળ સુખ છે.
એ પદમાં જેને શાંતિ મળી હોય,તેને સંસાર સંબંધી ભ્રમ ફરીવાર નડે જ નહિ.
જેમ,પોતાના પ્રભાવથી,રાજ્યને પામેલા રાજાઓ,દીન-પણાને અ-યોગ્ય જ માને,
તેમ,મહા આનંદ (પરમાનંદ) પદવીને પ્રાપ્ત થયેલા,મહાત્માઓ આ સંસારને અ-યોગ્ય જ માને છે.

બોધ (જ્ઞાન) પામેલું અને નિર્વિકલ્પ સમાધિમાં શાંત થયેલું,ચિત્ત,
બીજા લોકોના (પોતાના નહિ) મહાપ્રયત્નથી જ જાગ્રત દશાને પ્રાપ્ત થાય છે,
અને કોઈ સમયે તે (જાગ્રત) દશાને પ્રાપ્ત થતું પણ નથી.
ઉદ્દાલક પહેલી નિર્વિકલ્પ સમાધિમાંથી સિદ્ધિઓ-વગેરેથી જાગ્રત થયો હતો,કે જેને તેણે દુર કાઢી નાખી,
અને હવે,ફરીવાર -તે,નિર્વિકલ્પ સમાધિમાંથી
સ્વર્ગની અપ્સરાઓ-અને ભોગો,ઋષિમુનિ,દેવો વગેરે ના પ્રયત્ન થી તે જાગ્રત થયો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE