Mar 31, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-466

મોટામોટા વિદ્યાધારો અને મહાત્માઓએ તેને કહ્યું કે-
હે,મહારાજ કૃપા કરી અમારાં પ્રમાણો પર દૃષ્ટિ કરો.અને આ વિમાનમાં બેસી આપ સ્વર્ગમાં પધારો.
સ્વર્ગલોક જ જગતની સઘળી ભોગ-સંપત્તિઓની પરાકાષ્ઠા-રૂપ છે.
આ ચાલતો કલ્પ પૂરો થતાં સુધી,મનભાવતા યોગ્ય ભોગોને ભોગવો.કારણકે સઘળી તપ-સંબંધી ક્રિયાઓ,સ્વર્ગનાં સુખ ભોગવવા માટે જ કરવામાં આવે છે,ધર્મ તથા અર્થ ના ફળ-રૂપ કામ જ છે,અને તે કામના સાર-રૂપ ઉત્તમ સ્ત્રીઓ (અપ્સરાઓ) સ્વર્ગમાં જ થાય છે.

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,અતિથીઓએ આ પ્રમાણે કહ્યું,
છતાં પણ ઉદ્દાલક તે સર્વનું યોગ્ય રીતે પૂજન કરીને કંઈ પણ સંભ્રમ રાખ્યા વગર જ ઉભો રહ્યો.
અને ધીર-બુદ્ધિ-વાળા,એ ઉદ્દાલકે એ વિભૂતિઓનું કંઈ પણ ગ્રહણ કે ત્યાગ નહિ કરતાં-
"હે, સિદ્ધ લોકો-પધારો" એટલું જ બોલીને પાછો સમાધિ ધરવામાં તત્પર થયો.
જીવનમુક્ત થયેલો,એ ઉદ્દાલક કોઈ વખતે મહિનાઓ,તો કોઈ વખતે વર્ષે પણ જાગ્રત થવા લાગ્યો.

પરમ-તત્વ ની સાથે એક-પણાને પ્રાપ્ત થયેલો,એ ઉદ્દાલક ત્યારથી માંડીને,વ્યવહાર કરવાના સમયમાં પણ
સમાધિ-વાળો જ રહેવા લાગ્યો.હવે તે અજ્ઞાની ની પેઠે (જગતથી) વિક્ષેપ પામતો નહોતો.
"અંતઃકરણમાં તથા અંતઃકરણની વૃત્તિઓમાં" પરોવાયેલ "સાક્ષી-ચૈતન્ય"નું વિવેચન કરીને-
અને "અવલોકન કરવાના દૃઢ અભ્યાસ" ને લીધે,મહાચૈતન્ય-પણાને પામીને,
તે ઉદ્દાલક,સર્વ પદાર્થોમાં વિષમ દૃષ્ટિ વિનાનો જ રહેવા લાગ્યો.

"દૃશ્ય (જગત) અને દૃશ્યના સંસ્કાર" નો સર્વથા ઉચ્છેદ થઇ જતાં,
અને,દૃશ્યોને પ્રકાશ આપનાર,"ચૈતન્ય-પણા-ના વ્યવહાર" પણ ઉપશમ (નિવૃત્ત) થવાથી
"સત્તા-સામાન્ય-પણા"ને પ્રાપ્ત થઇને,
શરીર હોવા છતાં,ચિત્રમાં આલેખાયેલા સૂર્ય ની પેઠે-ઉદય-અસ્ત થી રહિત થઈને જ રહ્યો.
(એટલે કે સાતમી ભૂમિકા ને -કે-બ્રહ્મ-ભાવ ની સ્થિતિને-પ્રાપ્ત થયો)

(૫૫) સત્તા-સામાન્ય-પણાનું લક્ષણ-ઉદ્દાલક નિર્વાણ-અને ચામુંડા દેવીએ શબ ને મુકુટમાં ધર્યું

રામ કહે છે કે-હે,સમર્થ ગુરુ,આપે જે સત્તા-સામાન્ય-કહ્યું તેનું શું લક્ષણ છે?

વસિષ્ઠ કહે છે કે-સર્વ દૃશ્ય પદાર્થોનો સંપૂર્ણ પણે નાશ થઇ,ચિત્ત પણ સ્વ-રૂપમાં લીન થઇ જાય ત્યારે
કેવળ એક (સર્વ) સામાન્ય-ચૈતન્ય જ બાકી રહે તેને-સત્તા-સામાન્ય- કહે છે.
આ ચિત્ત-જયારે ચૈતન્યમાં લીન થઇ જાય,ત્યારે ચૈતન્ય સિવાય બીજું કંઈ રહે નહિ,અને તેથી તે (ચિત્ત)
આકાશ જેવું અત્યંત નિર્મળ (ચૈતન્ય) થઇ જાય છે તેને-સત્તા-સામાન્ય-કહે છે.

જયારે બહારનાં તથા અંદરનાં દૃશ્યો સહિત આ જે કંઈ જગત છે તેનો અત્યંત બાધ કરીને કેવળ,
અખંડ-ચૈતન્ય જ રહે છે-ત્યારે તે સત્તા-સામાન્ય કહેવાય છે.
જયારે સઘળા પદાર્થો,વાસ્તવિક રીતે અખંડ અને અનુભવ-રૂપ જ થઇ જાય,ત્યારે સત્તા-સામાન્ય થયું કહેવાય.જેમ,કાચબાનાં અંગો કાચબામાં જ લીન થાય છે,
તેમ, સઘળાં દૃશ્યો,જયારે ભાવના-રૂપી યત્ન વિના સહજ-રીતે
જ પોતાના ચૈતન્યમાં લીન થઇ જાય,ત્યારે તે ચૈતન્ય-સત્તા-સામાન્ય-કહેવાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE