Apr 1, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-467

આ સત્તા-સામાન્ય-રૂપી ઉત્તમ-દૃષ્ટિ,કે જે,"તુરીયાતીત પદ" જેવી જ છે,
તે દેહના ભાનવાળા મુક્ત પુરુષને પણ,(પાંચમી કે છઠ્ઠી ભૂમિકામાં આરૂઢ થયેલા ને પણ) અને,
દેહના ભાન વગરના મુક્ત પુરુષને પણ (સાતમી ભૂમિકા માં આરુષ થયેલાને પણ) થાય છે.
પરંતુ એમાં વિશેષતા એટલી જ છે કે-
દેહની પ્રતીતિ-વાળા મુક્ત પુરુષને સમાધિમાં જ થાય છે અને-
દેહની પ્રતીતિ-વિનાના મુક્ત-પુરુષને તે જાગ્રત અવસ્થામાં પણ રહે છે.

જ્ઞાનથી થનારી આ દૃષ્ટિ અજ્ઞાનીને તો થતી જ નથી.પણ પ્રૌઢ જ્ઞાન-વાળા સઘળા જીવનમુક્ત પુરુષો,આ દૃષ્ટિ માં રહેવાને લીધે,આ લોક તથા પરલોકના ભોગોની તૃષ્ણાનો સ્પર્શ પામ્યા વિના જ રહે છે.
હે,રામ પૃથ્વી પર ફરનારા મારા જેવા સર્વ પુરુષો,આકાશમાં ફરનારા નારદ-આદિ પુરુષો અને તેઓથી પણ ઉપર રહેનારા,બ્રહ્મા-વિષ્ણુ-સદાશિવ-આદિ મહાત્માઓ-આ સત્તા-સામાન્ય-રૂપી દૃષ્ટિમાં જ રહ્યા છે.

આમ,એ ઉદ્દાલક સઘળા ભયોનો નાશ કરનારી એ સત્તા-સામાન્ય-રૂપી પદવી નો આશ્રય કરીને,
પોતાના શરીરના પ્રારબ્ધ નો નાશ થતા સુધી,આ જગત-રૂપી ઘરમાં રહ્યો.
પછી ઘણે કાળે એ ઉદ્દાલકને "હું દેહ છોડીને વિદેહમુક્ત થઈને રહું" એવો દૃઢ વિચાર ઉત્પન્ન થયો.
આ દૃઢ વિચારને લીધે,તે ફરીથી -એક પર્વતની ગુફામાં પાંદડા ના આસન પર પદ્માસન વાળી,
નેત્રોને અર્ધા ઉઘાડાં રાખીને બેઠો.તેણે પાની વડે ગુડાને રોકી,ચિત્તનાં નવે દ્વારને રોકી દીધાં,
શબ્દ-સ્પર્શ-આદિ વિષયોની વૃત્તિઓને વીણીવીણી ને હૃદયમાં હોમી દીધી.

તેણે પોતાના સ્વરૂપભૂત અખંડ બ્રહ્મથી જ એકરસપણા ની ભાવના કરીને પ્રાણવાયુને રોકી દીધો,અને .
ડોકને સ્થિર કરી રાખી,જીભના મૂળને કંઠના છિદ્રમાં કમળની પેઠે ખોસી દીધું.
મન ને કે દ્રષ્ટિને બહાર-ઉંચે-નીચે-વિષયમાં કે શૂન્યમાં-ક્યાંય જોડ્યાં નહિ,
અને ઉપરના તથા નીચેના દાંત પરસ્પર અડે નહિ એમ મુખ રાખ્યું.

હે,રામ,પ્રાણના પ્રવાહને રોકવાને લીધે,મન-આદિની ચંચળતા થી રહિત થયેલો,પ્રસન્ન તથા સુશોભિત મુખવાળો,અને બ્રહ્માનંદ ના અનુભવને લીધે રોમાંચિત થયેલા શરીરવાળો એ ઉદ્દાલક,મનની સઘળી વૃત્તિઓનો લય કરવાના અભ્યાસથી,મનનું મનપણું ટાળી નાખી,"પ્રતિબિંબ ચૈતન્યથી-બિંબ-ચૈતન્યમાં" એક-રસ થઇ ગયો.
(અત્રે એ નોંધનીય છે કે-અહીં ક્યાંય પણ કુંડલિની નો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી !!!)

પછી,બિંબભૂત મહાચૈતન્યનું જ અનુસંધાન કરવાના અભ્યાસથી હૃદયમાં સર્વોત્કૃષ્ટ આનંદના ઝરાને પ્રાપ્ત થયો.તે પછી તે આનંદને પ્રાપ્ત થતાં,દૃશ્યો અને દ્રશ્યોના સંસ્કારોનો નાશ થઇ જતાં,
અને,તે દૃશ્યોને પ્રકાશ આપનારા મહા ચૈતન્યના વ્યવહારથી પણ છૂટી જઈને,તે સર્વમાં એકરસ અને
અંતથી રહિત સત્તા-સામાન્ય-પણાને પ્રાપ્ત થયો.

વિક્ષેપની વિષમતાથી અત્યંત રહિત થયેલા.સ્વ-રૂપવાળો,પરમ શાંતિને પ્રાપ્ત થયેલો,
જેના સમાન કોઈ પણ આનંદો નથી તેવા આનંદને લીધે અત્યંત સુશોભિત લગતા મુખ-વાળો,
અને જેના આનંદના ભાવને સૂચવનારા,રોમાંચો પણ શાંત થઇ ગયા હતાં,
એવી જીવનમુક્તિની સ્થિતિ પ્રાપ્ત થયા પછી,પ્રારબ્ધના ભોગનો નાશ થતાં,
અવિદ્યા ના આભાસથી પણ રહિત થયેલો,ઉદ્દાલક ચિત્રમાં આલેખાયેલા,પૂર્ણ ચંદ્ર જેવો ભરપૂર થઈને રહ્યો.
એમ,જન્મ ની દશામાંથી નીકળી ગયેલો એ ઉદ્દાલક ધીરેધીરે કેટલેક દિવસે,
પોતાના નિર્મળ સ્વરૂપમાં શાંત થયો (દેહ છોડીને -વિદેહ-મુક્તિને  પામ્યો)

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE