Apr 2, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-468

અજ્ઞાનના વિલાસ-રૂપી સઘળી કલ્પનોથી રહિત થયેલો નિર્વિકાર ને શુદ્ધ-રૂપ એ ઉદ્દાલક,બ્રહ્મના ઐશ્વર્ય સુધીનાં સઘળાં સુખોના મૂળભૂત તેવા આદ્યસુખને પ્રાપ્ત થયો,
કે જે સુખોમાં,ઈન્દ્રનું રાજ્ય અને લક્ષ્મી સંબંધી સુખ તો,જળના પૂરમાં ખડની પેઠે તણાઈ જાય છે.
ઉદ્દાલકનો જીવ બ્રહ્મભાવને પ્રાપ્ત થતાં,તેનું શરીર છ મહિના સુધી એમ ને એમ (મૃતાવસ્થામાં) બેઠું રહી,સૂર્યના કિરણો થી સુકાઈ જઈને,બહારના પવનના પ્રવેશથી ભુંભાટ કરવા લાગતાં,અને તેની નસો-રૂપી તારો,રણકાર કરવા લાગતાં,જાણે વીણાના તાર ઝણઝણી ઉઠ્યા હોય તેવું જણાવા લાગ્યું.

આ સમયમાં,જગદંબા-સહિત,પીળા કેશોવાળી,અને સઘળી સાથે રહેનારી જોગણીઓ,
જાણે,કોઈ ભક્તની કામના પૂરી કરવાની હોય,તે માટે,તે આકાશમાંથી એ પર્વતની ભૂમિ પર આવી.
આ જોગણીઓમાંથી,જે જોગણી,રાત્રિના સમયમાં નવાંનવાં ચરિત્રો કરે છે,
અને જેને સઘળા દેવતાઓ નમે છે-એવી-ચામુંડા-દેવીએ,
પોતાના મુકુટ ની અણી પર,તે ઉદ્દાલકના શરીર ને ભૂષણ ની જેમ સ્થાપી દીધું.
(નોંધ-વિચારનાર ને અહી ઘણી વસ્તુ પ્રકાશમાં આવી સમજાય તેમ છે)

હે,રામ,જેનું (ઉદ્દાલકનું) દુર્ગંધ-વાળું શબ પણ દેવી ના મસ્તકના ભૂષણ થઈને સર્વથી ઉત્કૃષ્ટ થયું,
તેને પોતાને સર્વોત્કૃષ્ટ પદ મળ્યું,એમાં શું કહેવું?

હે,રામ,"દૃશ્યો ના વિવેક" થી સ્ફુરતી,બ્રહ્માનંદ-રૂપી-ચિત્ત-વૃત્તિ,જે પુરુષના હૃદયમાં ફેલાય,
તે પુરુષ,વ્યવહારમાં ફરતો હોય,તો પણ,તેને,સત્ય-શાંતિ-સંતોષ-વગેરેનો વિયોગ થતો નથી.
એટલું જ નહિ,પણ તેને ઊંચામાં ઊંચું,મોક્ષ-રૂપી ફળ પ્રાપ્ત થાય છે.

(૫૬) માયા અને વાસનાથી રહિત જ્ઞાની વ્યવહારમાં પણ સમાધિસ્થ છે

વસિષ્ઠ કહે છે કે-એ પ્રમાણે,વિચારના-વૈરાગ્યના-તથા સમાધિના અભ્યાસનો-ક્રમથી વિહાર કરતાં,
પોતાથી જ પોતાના આત્મા નો અનુભવ કરીને,તમે અત્યંત વિશાળ પદમાં શાંત થાઓ.
શાસ્ત્રના શ્રવણથી,શાસ્ત્રાર્થ-તત્વની પરીક્ષાથી,ગુરુના ઉપદેશથી અને પોતાના ચિત્તના શોધનથી,
સર્વ દૃશ્યોના ક્ષય નો અભ્યાસ કરીને,જ્યાં સુધી,તેથી (ઉપરના સર્વથી) થયેલા સર્વ દૃશ્યો ના બાધ દ્વારા,
પરમ-પદમાં શાંતિ મળે,ત્યાં સુધી "વિચાર" કર્યા કરવો જોઈએ.

કેમ કે એકલી બુદ્ધિથી જ એ પરમ પવિત્ર પદની પ્રાપ્તિ થાય છે.
કલંકોથી રહિત,જ્ઞાન-યુક્ત,અને સુક્ષ્મ અર્થમાં પ્રવેશ કરવાની શક્તિ-વાળી "બુદ્ધિ" -
એ બીજાં સાધનોની સગવડ ના હોય,તો પણ (માત્ર વિચારથી) મનુષ્યને અવિચળ પદમાં પહોંચાડે છે.

રામ પૂછે છે કે-હે,ગુરૂ મહારાજ,તત્વને જાણ્યા પછી-
એક પુરુષ વ્યવહારમાં તત્પર રહેવા છતાં,પણ સમાધિમાં રહેલાની પેઠે,શાંત રહેતો હોય,
અને બીજો પુરુષ એકાંતમાં બેસીને સમાધિ કર્યા કરતો હોય,તો તે બેમાં કયો પુરુષ શ્રેષ્ઠ છે? એ મને કહો.

વસિષ્ઠ કહે છે કે-"આ ગુણોના સમૂહ-રૂપી સંસાર મિથ્યા જ છે" એમ જોયા કરતા પુરુષને -
ચિત્તમાં જે શીતળતા રહે છે,તે જ સમાધિ કહેવાય છે.
જો મન હોય તો જ વિક્ષેપો ના કારણ-રૂપ-દૃશ્યો (સંસારનો) સંબંધ છે,
પણ "મારે તો મન જ નથી" એવો દ્રઢ નિશ્ચય રાખીને,એક પુરુષ વ્યવહારમાં રહ્યો હોય
અને બીજો પુરુષ ધ્યાનમાં રહ્યો હોય,અને તે બંને જો અંદર શીતળ હોય -તો તે બંને સરખા જ સુખી છે.
કેમ કે-અંદર શીતળતા પ્રાપ્ત થાય એ જ અનંત તપનું ફળ છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE