Apr 4, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-470

તત્વવેત્તા પુરુષને કોઈ લોકોની સાથે સંબંધ નહિ હોવાથી,તેને માટે,નગર પણ નહિ હોવા જેવું જ છે.
જેનું ચિત્ત અંતર્મુખ થયું હોય તેવો પુરુષ,સૂતાં,જાગતાં,અને ચાલતાં પણ-
સર્વદા નગરને અને,દેશને અરણ્ય જેવું  જ ગણે છે.
જેને અંતર્મુખ સ્થિતિ પ્રાપ્ત થઇ હોય,તે પુરુષને,જગત પ્રાણીઓથી ભરપૂર હોવા છતાં,તે સર્વ,તેને માટે નિરુપયોગી હોવાને લીધે તે સર્વ જગત તેને શૂન્ય જ લાગે છે.

પણ,અંદર તૃષ્ણાથી તપી રહેલાં સર્વ પ્રાણીઓને જગત દાવાનળની બળતરા જેવું જ લાગે છે,કેમકે-જો ચિત્ત શીતળ હોય તો જ બહારનું જગત શીતળ લાગે છે,અને જો ચિત્ત તપી રહ્યું હોય તો બહારનું જગત પણ ધગધગતું જ લાગે છે.

હે,રામ,સ્વર્ગ,પૃથ્વી,વાયુ,આકાશ,પર્વતો,નદીઓ અને દિશાઓ વગેરે અંતઃકરણ-રૂપી તત્વના જ ભાગો છે.
પણ  જાણે તે અંતઃકરણ થી બહાર રહ્યા હોય-તેમ દેખાય છે.
જેમ, વડ એ બીજમાં જ રહેલો હોવા છતાંય જાણે બહાર રહ્યો હોય તેમ લાગે છે,
અને જેમ ગંધ પુષ્પમાં રહેલી હોવા છતાં જાણે બહાર રહી હોય તેમ ભાસે છે-
તેમ,જગત આત્મામાં રહેલું હોવા છતાં બહાર ભાસે છે.

હે,રામ, વાસ્તવિક રીતે જોતાં,તો જગત ક્યાંય પણ આત્માની બહાર રહ્યું નથી,
અને આત્માની અંદર પણ રહ્યું નથી,
એટલે, જે,પૂર્વ-જન્મ ની વાસનાના બળને લીધે,જે વસ્તુ જે પ્રકારેથી જોવામાં આવે છે,
તે વસ્તુ-રૂપે અને,તે પ્રકાર-રૂપે બ્રહ્મ જ સ્ફુરિત થયું છે-એમ સમજવું જ યોગ્ય છે.
જેમ કપૂર ડાબલીમાં રહેલું હોવા છતાં તેની ગંધથી જણાઈ આવે છે,
તેમ,આત્મ-તત્વ અંદર રહેલું હોવા છતાં,પણ સ્ફુરણ થી જણાઈ આવે છે.

સ્થૂળ જગત-રૂપે કે સૂક્ષ્મ અહંકાર-રૂપે પણ આત્મા જ સ્ફૂરે છે.પણ તે આત્મા સુક્ષ્મ કે સ્થૂળ નથી.
અને તે બહારના તથા અંદરના સઘળા સ્થૂળ-સૂક્ષ્મ પદાર્થોમાં સત્તા-રૂપે પરોવાયેલ  છે.
આ આત્મા પોતાના ચિત્તને જ પૂર્વ ની વાસના પ્રમાણે બહિર્મુખ ચક્ષુ આદિ-રૂપ ઇન્દ્રિયોથી જગત-રૂપ જુએ છે.અને અંદર રહેલી વાસનાથી -અંદર રહેલા સ્વપ્ન જેવા નગર-રાજ્ય આદિને  જુએ છે.
બહારના તથા અંદરના -એમ બંને પ્રકારના જગતને આત્માથી જુદું પાડીએ તો જગત મુદ્દલે રહેતું જ નથી.

આત્માથી જો જગતને જુદું ના પાડવામાં આવે-તો-બહારનો અને અંદરનો ભેદ રહે,અને તેથી તે જગત,
અહંતા-મમતા ના અધ્યાસથી અતિ-દુઃખદાયી થઇ પડે છે.
જે પુરુષ અંદર પોતાના આત્મા માં જ રુચિ રાખીને બહાર કર્મેન્દ્રીયોથી ક્રિયાઓ કરતો હોય તે પુરુષ,
હર્ષ કે શોકને વશ નહિ થવાને લીધે સમાધિમાં રહેલા જેવો જ કહેવાય  છે.

આત્માને સર્વમાં એક રીતે રહેલો જોતાં અને શાંત બુદ્ધિવાળો જે પુરુષ શોક પણ ના કરે કે ચિંતા પણ ન કરે,
તે પુરુષ સમાધિમાં રહેલો જ ગણાય છે.
જગતની સ્થિતિને જન્મ-મરણ-વાળી જોયા કરતો જે પુરુષ અહંતા-મમતાના દેખાવોની હાંસી કરતો હોય -
તે પુરુષ સમાધિમાં રહેલો જ ગણાય છે.

"અહંતા તથા જગત મારામાં હોવાં સંભવતાં નથી,કારણકે,દ્રષ્ટામાં દૃશ્ય ની સ્થિતિ (દ્વૈત) ઘટતી નથી,
અદ્વિતીય પર-બ્રહ્મમાં દ્વૈત ની સ્થિતિ ઘટે જ નહિ,માટે અહંતા તથા જગત મિથ્યા જ છે"
એમ જાણવાને લીધે,તત્વવેત્તા પુરુષ અહંતા તથા મમતાના દેખાવોની હાંસી કરે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE