Apr 5, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-471

જે પુરુષની દૃષ્ટિમાં હું-પણું,તું-પણું,જગતના વિભાગ,મન અને જડ-ચેતન નો ભેદ ના હોય,તે જ સાચો પુરુષ છે-બાકી બીજો પુરુષ તે પુરુષ નથી.

આકાશની જેમ નિર્લેપ રહેનારો,ઉપશમવાળો અને હર્ષ તથા રોષના વિચારોમાં લાકડા જેવો-રહેતો પુરુષ,શાસ્ત્રનો તથા શિષ્ટ લોકોના આચારનો વિરોધ ના આવે-એવી રીતે બહારના વ્યવહારની ક્રિયાઓ સારી રીતે કરતો હોય,તે પુરુષ ને જ પુરુષ સમજવો.

જે પુરુષ કોઈના ભયથી નહિ પણ,સ્વભાવથી જ સઘળાં પ્રાણીઓને પોતાના જેવાં જુએ,અને દ્રવ્યને માટીના ઢેફા જેમ જુએ-તે જ મનુષ્ય દેખતો છે તેમ સમજવું.

અજ્ઞાની પુરુષ,નાના-મોટા સઘળા પદાર્થો ને મિથ્યા જાણતો નથી અને અધિષ્ઠાન નો અનુભવ નહિ હોવાને લીધે, સત્તા-સામાન્ય ને પણ જાણતો નથી.માટે તે પુરુષને આંધળો જ સમજવો.
જ્ઞાની પુરુષ જ જગતને જગત-રૂપે મિથ્યા જાણે છે,અને અધિષ્ઠાન-રૂપે સત્ય જાણે છે.
માટે તેને કોઈ પ્રકારનો મોહ થતો નથી.
તે જ્ઞાની-પુરુષ બ્રહ્મવેત્તાની પદવીને પામેલો હોવાથી,સર્વને સમ-દૃષ્ટિથી જોનારો હોય છે,
તેથી તે જ્ઞાની-પુરુષ,દરિદ્ર જ રહે કે ધનાઢ્ય થાય-તો પણ તેને હર્ષ શોક થતો નથી.

એવા જ્ઞાની-પુરુષને પુત્રની પ્રાપ્તિ થાય કે પુત્રનું મરણ થાય તો પણ-તેને હર્ષ-શોક થતો નથી.
એ પુરુષ,વૈભવ-વાળા મોટા મકાનમાં રહે કે અરણ્યમાં રહે તો પણ તેને કશો વિકાર થતો નથી.
એ પુરુષ,ચંદન વગેરેનું શરીર પર લેપન કરે કે અગ્નિમાં પડે-તો પણ તેને મનમાં કશો વિકાર થતો નથી.
એ પુરુષ ઘણાં પાપો કરે કે ઘણાં પુણ્યો કરે તો પણ તેને સ્વર્ગની કે નરક ની પ્રાપ્તિ થતી નથી.
કારણકે-એ મહાત્મા દેહાદિ-રૂપ નથી માટે તે જે કંઈ કરે તે કરેલું કહેવાતું નથી.

જેમ,સોનું કાદવમાં પાડે તો પણ કલંકિત થતું નથી,
તેમ તે પુરુષ,ગમે તેવી પરિસ્થિતિમાં-ગમે તેમ વર્તે તો પણ તે કલંકિત થતો નથી.
જ્ઞાનીને સઘળી વસ્તુઓ ઉપશાંત થઇ ગયેલી હોય છે,અને ચિત્ત શાંત થઇ ગયેલું હોય છે,
માટે તેના ચિત્તને કંઈ કોઈ પણ કલંક લાગતું નથી.
અજ્ઞાની પુરુષ પણ જોકે પરબ્રહ્મ જ છે,છતાં અહંતા ના અધ્યાસથી,વાસનાઓ-રૂપી અનર્થો  જાગ્રત થવાને
લીધે,આ જન્મમાં વિચિત્ર સુખ-દુઃખો ને પ્રાપ્ત થાય છે.

જેમ, રજ્જુમાં રહેલો સર્પનો ભ્રમ,શાંત થતાં,"તે સર્પ નથી" એમ સમજાઈને શાંતિ પ્રાપ્ત થાય છે.
તેમ,અહંતા-રૂપી ભ્રમ શાંત થતાં,"દેહાદિ નથી જ" એમ સમજાઈને અંદર સમતા પ્રાપ્ત  થાય છે.
જ્ઞાની,ક્રિયાઓમાં (કર્મોમાં) કોઈ જાતની આસક્તિ રાખતો જ નથી,એટલે તે ક્રિયાઓ કરે તો પણ ભલે અને ના કરે તો પણ ભલે.તેને કર્મ કરવાનું કશું પ્રયોજન નથી કે કર્મ ના ત્યાગનું પણ કશું પ્રયોજન નથી.
તે જ્ઞાની પુરુષ આત્માને બરોબર સમજેલો હોય છે,તેથી આત્મામાં જ રત રહેલો હોય છે.

જ્ઞાની પુરુષને ઈચ્છા થતી જ નથી,પણ કદાચ વાસનાના અભ્યાસને લીધે,ઇચ્છાઓ ઉત્પન્ન થાય,તો પણ,
જેમ જળમાં ઉત્પન્ન થયેલા તરંગો જળથી જુદા નથી-તેમ પોતામાં ઉત્પન્ન થયેલી ઇચ્છાઓ પોતાથી જુદી નથી,એમ,તે પુરુષ સંપૂર્ણ રીતે સમજે છે.
"આ જે સઘળું જગત છે તે આત્મા છે અને જે આત્મા છે તે સઘળું જગત છે-માટે દ્વૈત-રૂપ કોઈ વિભાગ છે જ નહિ"એમ જ્ઞાની પુરુષ સમજે છે,માટે તે જ્ઞાની પુરુષ પૂર્ણ અને પવિત્ર પરમાત્મા-રૂપ જ છે.
પરમાત્મા સત્તા-રૂપે સર્વમાં છે,માટે જ્ઞાની પણ સર્વમાં હોવાને લીધે-
"એ અમુક પદાર્થ-રૂપ છે" એમ કહી શકાતું નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE