Apr 11, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-477

"સઘળું જગત  એ ચૈતન્ય-તત્વમાં થયેલી એક જાતની કલ્પના-રૂપ છે" એવો નિશ્ચય હોવાને લીધે,
સુખ-દુઃખોથી રહિત થયેલી એ સુરઘુ રાજાની પૂર્ણ-બુદ્ધિ અત્યંત શોભવા લાગી.
તત્વ ને સમજેલો અને ચૈતન્યમાં એકતા પામેલો હોવાને લીધે,પૂર્ણ થયેલો એ રાજા,
વિલાસ કરતાં,રાજ્યનાં સુખ ભોગવતાં,ચાલતાં,બેસતાં,ઉભા રહેતાં કે સૂતાં પણ-
નિર્વિકલ્પ સમાધિમાં રહેલા જેવો જ રહેવા  લાગ્યો.

કોઈ જાતની આસક્તિ નહિ રાખતાં,રાજ્ય કરતો એ રાજા,સેંકડો વર્ષો સુધી જીવતો રહ્યો,
અને તેટલા કાળમાં તેને કોઈ રોગ પણ થયો નહિ.પછી તેને પોતાના "દેહ" નામનો વેષ ત્યજી દીધો.
પરબ્રહ્મ ના સાક્ષાત્કારને લીધે,તેણે પરબ્રહ્મમાં જ પ્રવેશ કર્યો,
કે જે પરબ્રહ્મ-સૃષ્ટિ અને પ્રલયનું અધિષ્ઠાન છે,તથા કારણોના પણ કારણ-રૂપ છે.

નિર્મળ અને સ્વયંપ્રકાશ સર્વોત્તમ સ્વરૂપ જાણવામાં આવવાને લીધે,શોકથી રહિત થયેલો અને
જન્મ આદિ વિકારોથી રહિત,દશાને પ્રાપ્ત થયેલો,એ મહાત્મા રાજા,
જેમ,ઘડો ફૂટી જતાં,ઘટાકાશ -એ મહાકાશની સાથે એકરસ થઇ જાય છે,
તેમ,સ્થૂળ-સૂક્ષ્મ-કારણ-એ ત્રણે શરીરનો ભંગ થતાં,પરબ્રહ્મ ની સાથે એકરસ થઇ ગયો.

(૬૧) પરિઘ અને સુરઘુનો સંવાદ

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,તમે પણ એ રીતે,તત્વબોધ થી સઘળાં પાપોને દુર કરી,જગતના કલ્યાણ માટે શોક-રહિત થાઓ,અને સુખ-દુઃખ-આદિ દ્વંદ્વો થી રહિત થઈને જીવનમુક્ત ની પદવી ને પ્રાપ્ત થાઓ.
બાળકની પેઠે ઘોર અંધારામાં ડૂબેલું મન જો-વિચાર-રૂપી દીવાને મેળવે,તો તે વિચારના આશ્રયને લીધે,
તે મનને કદી પણ પરિતાપ થતો નથી.મોહમાં પડતું ચિત્ત (મન) આ રીતના વિચારના આશ્રયથી સુખ પામે છે.માટે તમે આ પવિત્ર વિચારને અભ્યાસથી દૃઢ કરીને તેનો બીજાઓને ઉપદેશ કરો અને
સર્વદા મનને,"એક સમાધાનવાળું" રાખો,એટલે એમ કરવાથી તમે પૃથ્વીના શણગાર-રૂપ થશો.

રામ કહે છે કે-હે,મુનિશ્વર,પવનથી ઉડતાં મોરનાં પીંછા જેવું ચપળ મન એક સમાધાન-વાળું કેવી રીતે થાય?
અને તે એક સમાધાનવાળું કેવું થાય? એ આપ મને કહો.

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,તત્વબોધને પ્રાપ્ત થયેલા તે સુરઘુરાજાનો અને તેના સમયમાં થયેલ પરિઘ (પણાઁદ) નામના રાજર્ષિ  સાથે થયેલા અદભૂત સંવાદ - હું ,તમને કહું છું તે તમે સાંભળો.
એ બંને રાજાઓએ "એક સમાધાનમાં મન" ને  સમજાવ્યું (કર્યું) હતું.

પ્રબળ શત્રુઓને હણનારો,અને "પરિઘ" એ નામથી પ્રખ્યાતિ પામેલો પારસી (!!ઈરાન) દેશનો એક રાજા હતો.તે રાજાના પ્રભાવથી એ દેશ સારી રીતે ચાલતો હતો.સુરઘુ રાજાનો એ પરમ મિત્ર હતો.
કોઈ સમયે,જેમ,પ્રજાના અપરાધોને લીધે સંસારમાં પ્રલય થાય,તેમ, પરિઘરાજાના દેશમાં પ્રજાના પાપોને લીધે,મોટી અનાવૃષ્ટિ થઇ-કે જેને લીધે પ્રજાજનો ભૂખે મરવા લાગ્યા,તેથી પરિઘરાજાને ઘણો ખેદ થયો.
પ્રજાનો વિનાશ અટકાવી નહિ શકવાને લીધે વૈરાગ્યને પામેલા એ રાજાએ પોતાનું રાજ્ય છોડી દીધું અને
તપ કરવા માટે વનમાં જઈને ગુફામાં રહ્યો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE