Apr 12, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-478

તપ કરતો,જિતેન્દ્રિય અને શાંત બુદ્ધિવાળો એ રાજા,વૃક્ષો પરથી પોતાની મેળે ખરી પડેલાં પર્ણો (પાંદડાં) ખાઈને રહેવા લાગ્યો.લાંબા સમય સુધી પર્ણોનું જ ભક્ષણ કરવાને લીધે તે "પણાઁદ" એ નામથી ઓળખાવા લાગ્યો.પછી હજાર વર્ષ સુધી દારુણ તપશ્ચર્યા કરીને -અભ્યાસને લીધે,તે રાજા અંતઃકરણની શુદ્ધિથી અને ઈશ્વરના અનુગ્રહ થી,જ્ઞાનને પ્રાપ્ત થયો,જીવનમુક્ત થયો.અને પોતાની ઈચ્છા મુજબ ત્રૈલોક્ય માં વિચરવા લાગ્યો.

એક વખત તે પરિઘ (પણાઁદ) રાજા સુરઘુરાજાને ઘેર આવી પહોંચ્યો.બંને રાજા પરસ્પરના મિત્ર હોવાને નાતે,પરસ્પરની પૂજા કરી, બંને એકબીજાને મળવાથી અત્યંત ખુશ થઈને,આસન ગ્રહણ કર્યું.

પરિઘ કહે છે કે-આજ તમારાં દર્શનથી મારું ચિત્ત મોટા આનંદને પ્રાપ્ત થયું છે.તમને જેમ માન્ડવ્ય મુનિની કૃપાથી જ્ઞાન પ્રાપ્ત થયું  છે,તેમ મને તપથી પ્રસન્ન થયેલા ઈશ્વરની કૃપાથી જ્ઞાન પ્રાપ્ત થયું છે.
હે,રાજા તમે સઘળાં દુઃખોથી રહિત થયા ને? તમે પરબ્રહ્મમાં શાંત થયાને? તમારા આત્મારામ-પણાને લીધે
તમારા ચિત્તમાં મોટા કલ્યાણ-રૂપી નિર્મળતા થઈને? જે કાર્યો લોકોના હિતને માટે અવશ્ય કરવાં જોઈએ,
તે કાર્યોને સમતાવાળી દૃષ્ટિએ કર્યે જાઓ છો ને? વિષયો-રૂપી સર્પો કે જેઓ ઉપરઉપરથી સારા લાગે તેવા છે,પણ પરિણામે અત્યંત શત્રુતા કરે તેવા છે,તેઓમાં તમારું મન વૈરાગ્ય રાખીને વર્તે છે ને?

આપણે બે કે જે ઘણા વર્ષોથી જુદા પડી ગયા હતા,તેઓને કાળે આજ ફરી ભેગા કરી દીધા છે.
હે મિત્ર,જગતમાં લોકોના સંયોગોથી તથા વિયોગોથી થતાં સુખ-દુઃખોની દશાઓ કોઈ એવી નથી કે જેઓ
જીવતાં મનુષ્યોમાં જોવામાં ના આવે.આપણે પણ એવા પ્રકારની લાંબીલાંબી દશાઓને લીધે જુદા પડી ગયા હતા,તે આજ ફરી ભેગા થયા છીએ.પ્રાણીઓનાં કર્મોને અનુસરનારી ઈશ્વરની ઈચ્છાનો આ વિલાસ અદભુત છે.

સુરઘુ કહે છે કે-ઈશ્વરે તમને અને મને દૂરદૂર દેશોમાં અને પ્રથમથી જાણવામાં ના આવે એવી દશાઓમાં જુદાજુદા કરી નાખીને,આજ ફરી ભેગા કરી દીધા છે.અહો,ઈશ્વરને શું અસાધ્ય છે? અમે અહી ક્ષેમ-કુશળથી રહ્યા છીએ,અને આજ તમારા પધારવા-રૂપી પુણ્યે અમને અત્યંત પવિત્ર કર્યા છે.
હે મહાપ્રભાવશાળી,તમારું,પવિત્ર ભાષણ અને પવિત્ર દર્શન ચારે બાજુથી જાણે અમૃતોના મીઠા પ્રવાહને
વરસતું હોય એવું લાગે છે.મહાત્માઓનો સમાગમ મોક્ષ-સુખની પ્રાપ્તિ જેવો જ છે.

(૬૨) ચૈતન્ય નું સ્ફૂરણ રહેવાથી નિત્ય સમાધિમાં જ રહે છે

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,પછી ઘણીવાર સુધી,જુના સ્નેહથી ભરેલી અને એવા પ્રકારની વિશ્વાસની વાતો કરીને પરિઘરાજાએ સુરઘુરાજાને નીચે પ્રમાણે કહ્યું.

પરિઘ કહે છે કે-હે રાજા,આ સંસાર-રૂપી જાળમાં જે જે કામ કરવામાં આવે છે-તે તે સર્વ કામ સ્થિતપ્રજ્ઞ
ચિત્તવાળાને સુખદાયી થાય છે,અજ્ઞાનીને સુખદાયી થતું નથી.
સમાધિ કે જે સઘળા સંકલ્પોથી રહિત છે,પરમ શાંતિનું સ્થાન છે,સઘળાં દુઃખોના અત્યંત ઉપશમરૂપ છે,
અને સંસાર સંબંધી સુખો કરતાં અત્યંત શ્રેષ્ઠ છે,તેને તમે કરો છો ને?

સુરઘુ કહે છે કે-હે,મહારાજ,આપ જેને સઘળા સંકલ્પોથી રહિત,સઘળા વિક્ષેપરૂપી દુઃખોના અત્યંત ઉપશમરૂપ અને સંસાર સંબંધી સુખો કરતાં અત્યંત શ્રેષ્ઠ કહો છો તે સમાધિ શો પદાર્થ છે? એ મને કહો.
હે,મહાત્મા,જે તત્વવેત્તા પુરુષ હોય છે,તે બેસી રહેતા કે વ્યવહાર કરતાં પણ સમાધિ વિનાનો ક્યારે રહે છે?
જે ક્ષણમાત્ર પણ સમાધિ વિનાનો રહે તે તત્વવેત્તા જ કેમ કહેવાય?

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE