More Labels

Apr 13, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-479

સુરઘુ કહે છે-જેઓ નિત્ય જ્ઞાન-યુક્ત ચિત્તવાળા અને આત્મતત્વમાં નિષ્ઠાવાળા હોય છે,તેઓ ભલે જગતની ક્રિયાઓ કરતા હોય તો પણ સમાધિવાળા જ છે.
પદ્માસન વાળીને બ્રહ્માંજલિ કર્યા છતાં પણ જેનું ચિત્ત શાંત થયું ન હોય,તો તેની સમાધિ શું કામની છે?
હે,મહારાજ,સઘળી આશાઓ-રૂપી ખડોને બાળી નાખવામાં,અગ્નિ-રૂપ જે તત્વબોધ છે -તે જ-સમાધિ છે.ચૂપ થઈને એકાંતમાં બેસી  રહેવું એ સમાધિ નથી.

ભેદનો બાધ કરીને અભેદનું જ અનુસંધાન કરતી સર્વદા તૃપ્તિવાળી અને સત્યવસ્તુ (બ્રહ્મ)ને જ જોનારી,
જે ઉત્તમ બુદ્ધિ હોય છે,તેને જ તત્વવેત્તાઓ સમાધિ કહે છે.
ક્ષોભ વિનાની,અહંકાર વિનાની,સુખ-દુઃખ-આદિ દ્વંદ્વોને નહિ અનુસરનારી અને મેરૂ પર્વત કરતાં પણ વધારે
અડગ રહેનારી જે ઉત્તમ બુદ્ધિ હોય છે-તેને જ તત્વવેત્તાઓ સમાધિ કહે છે.

ચિંતા વિનાની,આત્મ-તત્વરૂપ પરમ ઇષ્ટ પદાર્થ ને પ્રાપ્ત થયેલી,અને "આ વસ્તુ ગ્રાહ્ય છે કે ત્યાજ્ય છે"
એવી આસક્તિથી રહિત થયેલી મન ની જે પરિપૂર્ણ સ્થિતિ હોય છે,તે જ સમાધિ કહેવાય છે.
મહાત્મા પુરુષનું મન જ્યારથી બોધ સાથે જોડાયેલું હોય,ત્યારથી જ તેમને એકધારી સમાધિ ચાલ્યા કરે છે.
તત્વવેત્તા ની સમાધિ કદી પણ તૂટી જતી નથી,તત્વનું નિરંતર અનુસંધાન ચાલ્યા કરે તે જ સમાધિ છે.
એટલે-તે તત્વવેત્તાની બ્રહ્માકારવૃત્તિ વિદેહકૈવલ્ય થતાં સુધી તત્વના અવલોકનમાંથી વિરામ જ પામતી નથી.

જ્ઞાનીને વિષયોથી રહિત,ચૈતન્યનું નિરંતર સ્ફૂરણ રહ્યા જ કરે છે.તેનો કોઈ પણ કાળ (સમય) આત્માના અનુસંધાન વગરનો હોતો જ નથી.તેથી તેનું મન કદી સમાધિ વગરનું હોતું જ નથી.
જો મન છે તેમ ધારતા હો,તો જ્ઞાનીનું મન સર્વદા સ્થિતપ્રજ્ઞ (સમાધિમાં) પણ છે.અને,
આત્મ-સ્વ-રૂપ વિના બીજો કોઈ પદાર્થ ના હોવાને લીધે મન નથી-એમ ધારતા હો તો-જ્ઞાનીને સમાધિ પણ નથી.

આત્મા જ સર્વમાં વ્યાપક છે,સર્વકાળમાં સર્વ-રૂપે છે અને સર્વ પ્રકારે છે.
તો એવા અખંડ-આત્મ-સ્વ-રૂપ માં સમાધિ ના હોવી તે પણ શું કહેવાય? અને સમાધિ હોવી પણ શું કહેવાય?
દ્વૈત-રૂપી વિભાગોથી રહિત થયેલા અને અત્યંત  સમતાવાળા મહાત્મા-પુરુષો,સર્વદા સમાધિ-વાળા જ
હોય છે એટલા માટે "આ તત્વવેત્તા સમાધિ વાળો છે અને આ તત્વવેત્તા એ સમાધિ વિનાનો છે"
એવા પ્રકારનો બોલવાનો ભેદ ક્યાં સંભવે?

(૬૩) સુરઘુએ પોતાની સહજ સ્થિતિનું વિસ્તારથી વર્ણન કર્યું

પરિઘ કહે છે કે-હે,સુરઘુરાજા,હું તમારી પરીક્ષા કરી ચૂક્યો છું,તમે પરમ-પદને પામી ચૂક્યા છો.
તમે અત્યંત શીતળ અંતઃકરણવાળા,આનંદ-રૂપી રસથી પૂર્ણ,બ્રહ્મવિદ્યા-રૂપી ઉત્તમ લક્ષ્મીવાળા,અને,
સઘળા ઇષ્ટ-અનિષ્ટ વિષયોમાં આસક્તિ વિનાના દેખાવ છો.
સાર-અસાર નો વિચાર કરી,તેના નિર્ણય ના પાર ને  પામેલા,તમે મોટી બુદ્ધિથી,
"આ સઘળું જગત અખંડ બ્રહ્મરૂપ જ છે" એમ જાણો છો.અને તમે સઘળી વસ્તુઓ થી રહિત,પરમાત્માની અંદર ભરપૂર થયા છો.તમને પરમપદમાં એવી તૃપ્તિ મળી છે કે તે તૃપ્તિ -કદી પણ ક્ષીણ થશે નહિ.

સુરઘુ કહે છે કે-હે,મુનિ,જેને આપણે ગ્રહણ કરવા યોગ્ય માનીએ છીએ તેવી કોઈ વસ્તુ જ નથી.જે કંઈ આ સઘળું દૃશ્ય જોવામાં આવે છે તે-સઘળું કંઈ જ નથી.મિથ્યા જ છે.જેનું ગ્રહણ કરવામાં આવ્યું હોય તેનો જ ત્યાગ કરી શકાય,પણ આપણે કશું ગ્રહણ જ નથી કર્યું તો આપણાથી ત્યાગ કરવા યોગ્ય -પણ શું કહી શકાય?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE