Apr 14, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-480

સુરઘુ કહે છે-પદાર્થ એક સમયે સારો લાગે છે તે બીજા સમયે તુચ્છ ભાસે છે,તો એ રીતે સંસારના સઘળા પદાર્થોમાં સારા-નરસા-પણા નું કોઈ ઠેકાણું નહિ હોવાને લીધે,પદાર્થોને સારા-નરસા ગણવા-રૂપી મારા મનની સ્થિતિઓ,ઘણા કાળથી ક્ષીણ થઇ ગઈ છે.

આ લોકમાં જે નિંદા કે સ્તુતિ  થાય છે,તે રાગથી જ થાય છે,અને તે રાગ એ ઈચ્છા જ છે.સારી બુદ્ધિવાળો તત્વવેત્તા પુરુષ તો સર્વથી ઉત્કૃષ્ટ-એક-પરબ્રહ્મ-રૂપી વસ્તુમાં જ રાગ ધરાવે છે.માટે તે બીજા સઘળા પદાર્થોની ઈચ્છા વિનાનો હોવાને લીધે,કયા પદાર્થ ની નિંદા કરે કે કયા પદાર્થની સ્તુતિ કરે? જેમાં કોઈ પણ પદાર્થ ઇચ્છવા યોગ્ય નથી,એવા શૂન્ય જગતમાં કયા પદાર્થ ની ઈચ્છા થાય?

જેમ દિવસ ની શોભા ટળી જતા પ્રકાશ અને તડકો-એ બંનેનો નાશ થાય છે,તેમ ઈચ્છા ટળી જાય તો રાગ-દ્વેષ એ બંનેનો નાશ થાય છે.ટૂંકમાં એટલું જ સમજવાનું છે કે-મન જો સર્વ પદાર્થમાં રાગ વિનાનું અને  
વિક્ષેપ-રૂપી-વિષમતા વિનાનું થઈને આત્મામાં જ સંતુષ્ટ થાય તો એ જ ઉત્તમ શાંતિ છે.
અને જેનાથી એ શાંતિ મળે-તે "વિચાર" નું જ સેવન કરવું યોગ્ય છે.

(૬૪) સંસારિક દુઃખોથી મુક્ત થવાના ઉપાયો

વસિષ્ઠ કહે છે કે-હે રામ,એ રીતે સુરઘુ અને પરિઘ-એ બંને રાજાઓ જગતના ભ્રમ-પણાનો અને
આત્મા ના સત્ય-પણાનો વિચાર કરી,પ્રસન્ન થઈને,પરસ્પરનું પૂજન કરીને છુટા પડ્યા.
આ પરમ જ્ઞાન આપનારો એ બે રાજાઓનો સંવાદ,કે જે "આત્મા નું નિરંતર અનુસંધાન રાખવું,એ જ મનનું
એક સમાધાન છે,અને તે વૈરાગ્ય આદિ સાધનો થી થાય છે" એવું જણાવનારો છે.
તો હવે આ વિષયનું જ મનન કરીને અને જ્ઞાનની દૃઢતા કરીને,તમે સ્પષ્ટ રીતે આત્મામાં શાંત થાઓ.

જે પુરુષ,નિત્ય વેદાંત-શાસ્ત્ર નો વિચાર કરે,સર્વદા વિષયોની આસક્તિ થી રહિત રહે,અને સર્વદા આત્માનું જ અનુસંધાન કર્યા કરે,તે સુખી પુરુષને મનના શોકો કંઈ જ અડચણ કરી શકતા નથી.
એવો પુરુષ વ્યવહારમાં અત્યંત તત્પર રહે અને વ્યવહારની અનુકૂળતા માટે મનથી નહિ પણ,
ઉપરઉપરથી રાગ-દ્વેષ દેખાડ્યા કરે,તો પણ તે વ્યવહાર સંબંધી કલંક થી લેપાતો નથી.
રાગ-દ્વેષથી રહિત,શાંત મનવાળો અને આત્મા ના ઉત્તમ વિજ્ઞાનવાળા પુરુષને મન કોઈ અડચણ ઉભું કરી શકતું નથી.જ્ઞાનીના ચિત્તમાં ભોગોની દૃઢ વાસના કે દીનતા હોતી જ નથી.

જેમ વૈરાગ્યવાળો મનુષ્ય પોતાની સ્ત્રીનું મરણ થતાં પણ,મનમાં દુઃખ ધરતો નથી,
તેમ,જેણે આ જગતને ભ્રાંતિ-રૂપ -જાણ્યું  છે-તેનું ચિત્ત દુઃખી થતું નથી.
જેમ,દીવો અંધારાનું ઓસડ છે,તેમ "સઘળું અવિદ્યા માત્ર જ છે" એમ જાણવું એ જ
જગત-રૂપે વિસ્તારને પામેલા,અવિદ્યા-રૂપી મહાન રોગનું ઓસડ છે.
જયારે "આ સ્વપ્ન છે" એમ જાણવામાં આવે.ત્યારે જ તે સ્વપ્ન નાશ પામે છે,તે જ પ્રમાણે ,
જયારે " આ અવિદ્યા છે" એમ જાણવામાં આવે ત્યારે અવિદ્યાનો પુરેપુરો નાશ થઇ જાય છે.

જયારે ચૈતન્યના જ્ઞાન-રૂપી મોટો પ્રકાશ પ્રાપ્ત થાય,ત્યારે પુરુષની અજ્ઞાન-રૂપી રાત્રિ નાશ પામી જાય છે,
અને તેની બુદ્ધિ પરમ આનંદને પ્રાપ્ત થઈને અત્યંત શોભે છે.
અજ્ઞાન-રૂપી નિંદ્રા શાંત થઇ જતાં,શાસ્ત્ર-રૂપી સૂર્યથી જાગ્રત થયેલો પુરુષ,એવા જાગ્રતપણાને પ્રાપ્ત થાય છે કે-જે જાગ્રત-પણું થયા પછી તેને અજ્ઞાન-રૂપી નિંદ્રા આવતી જ નથી.
જેને આત્માના અવલોકનમાં ઉપેક્ષા હોય તે લોકો રાંક જ રહે છે અને જન્મ-મરણ-સંસાર ના ચક્કરમાં ફર્યા કરે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE