Apr 10, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-476

સુરઘુ સ્વગત કહે છે કે -સંસાર પ્રત્યેની મારી દૃઢ  આસક્તિઓ હવે ચાલી ગઈ છે.
ઉપાધિથી મુક્ત થઈને સ્થિર થયેલો છું.અને માટે જ સંસારના ભ્રમથી રહિત હોવાને લીધે,જગતમાં,જે જોવાનું હતું તે જોવાઈ ચુક્યું,અને જે પામવાનું હતું તે સંપૂર્ણ-પણે  પમાઈ ચુક્યું.જગતમાં આ જે કઈ દૃશ્ય પદાર્થો જોવામાં આવે છે,તેમાંના કોઈ પણ અબાધિત છે જ નહિ.
(૧) માયાથી,જીવ-પણા-રૂપી-ભ્રમ,(૨) એ ભ્રમથી થયેલ,લિંગ-શરીર-રૂપી-ભ્રમ,
(૩) એ  ભ્રમથી થયેલ બાહ્ય-વસ્તુઓ હોવાનો ભ્રમ (૪) અને એ ભ્રમ થી થયેલ જાગ્રત-સ્વપ્ન-રૂપી ભ્રમ,
એ વિના જગતનું સ્વરૂપ બીજું કંઈ નથી.

નિગ્રહ-અનુગ્રહ અને તેથી થતા-મારા હર્ષ-શોક ક્યાં ગયા? તે કેવા હતા અને શામાં રહ્યા હતા? અને શા રૂપ હતા? એ વિષેનો હવે કંઈ પત્તો પણ મળતો નથી.સુખ પણ શું છે? અને દુઃખ પણ શું છે? (આ કંઈ જ નથી)
જે આ કંઈ છે તે વ્યાપક બ્રહ્મ જ છે,હું તો વૃથા જ મૂઢ થઇ ગયો હતો.પણ,હવે હું મોહથી પર થયો છું.એ સારું થયું.

હવે કોને માટે શોક કરવો? શામાં મોહ પામવો? શું જોવું? શું કરવું? ક્યાં રહેવું અને ક્યાં જવું?
એવા પ્રશ્નો નો કોઈ સંભવ જ નથી.
આ તો અલૌકિક ચમત્કાર-વાળું ચૈતન્ય-રૂપી આકાશ જ બ્રહ્માંડ-રૂપે દેખાય છે.
હે,સઘળાં,પાંચ-ભૂતોથી રહિત આત્મા,હું તને વારંવાર પ્રણામ કરું છું. તું ભલે જોવામાં આવ્યો.
અહો,હું જાગ્રત થયો છું.અને જે મેં જાણ્યું છે-તે સંપૂર્ણ અને બરાબર સાચું છે.

હું કે જે અંત વિનાનો અને યથાર્થ જ્ઞાનથી (ચૈતન્ય-રૂપ-આત્મા-રૂપે) પ્રગટ થયો છું,તેને પ્રણામ કરું છું.
આસક્તિ વિનાનો હોવાને લીધે,વિષયોથી રહિત સ્થિતિ-વાળો છું,અને સુષુપ્તિવાળાની જેમ,
જેમાં,અધ્યારોપ-રૂપી-કલંક નથી,એવા આત્મામાં જ ભરપૂરપણાથી રહ્યો છું.અને
તેથી હવે મને કદી વિષમતા થાય તેમ નથી.

(૬૦) સુરઘુરાજાએ દેહ પડતાં સુધી કરેલું નિઃસંગ આચરણ

વસિષ્ઠ કહે છે કે-જેમ,વિશ્વામિત્ર,તપ કરવા-રૂપી દૃઢ-ઉદ્યોગ ને લીધે બ્રાહ્મણ-પણું પામ્યા હતા,
તેમ,એ સુરઘુ રાજા દૃઢ ઉદ્યોગ ને લીધે સર્વોત્તમ પરમ-પદને પ્રાપ્ત થયો

ત્યારથી તે સંસારની સર્વ કોઈ ક્રિયાઓમાં (કર્મોમાં) અનાસક્ત રહી કામ કરતો હતો અને
રાજ્ય-સંબંધી સમ-વિષમ કાર્યોમાં પડવા છતાં સર્વદા સંતાપથી રહિત જ રહ્યો.
એ રાજા દરરોજ નિયમિત કાર્યો કરતો હતો છતાં પણ હર્ષ-ક્રોધ થી રહિત રહેવાને લીધે,અને
ઉદાર તથા ગંભીર સ્વ-રૂપ-વાળો હોવાને લીધે સમુદ્રની જેમ શોભવા લાગ્યો.

જેમ,દીવો કંપ વિનાની અને પ્રકાશવાળી શિખાથી શોભે છે,તેમ,એ રાજા,જે,સુષુપ્તિ અવસ્થામાં ચિત્ત-વૃત્તિ
નિશ્ચલ રહે છે,તેવી નિશ્ચળ રહેનારી અને આત્મા-રૂપી પ્રકાશ-વાળી,પોતાની નિશ્ચળ ચિત્ત-વૃત્તિથી શોભવા લાગ્યો.એ રાજા,નિર્દય-દયાળુ-સુખ દુઃખો આદિ દ્વંદોવાળો-મત્સરવાળો-આસ્તિક-નાસ્તિક-
વિષયોના ગ્રહણવાળો-કે-વિષયોના ત્યાગવાળો પણ ના રહ્યો.
સર્વદા સમતા ભરેલી,ચપળતા ટળી જવાને લીધે ધીરતાવાળી અને અંદર શીતળપણાવાળી વૃત્તિ થી ભરપૂર,સમુદ્ર ની જેમ તથા પૂર્ણ-ચંદ્રની જેમ શોભવા લાગ્યો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE