Apr 17, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-483

વિલાસ કહે છે કે-હે,ભાસ,તું ભલે આવ્યો.મારાથી છૂટા પડ્યા પછી,આ જગતમાં આટલા દિવસો તેં ક્યાં કાઢ્યા?તારું તપ સફળ થયું? તારી બુદ્ધિ શાંત રહે છે ને? તને તત્વબોધ મળ્યો? તું કુશળ છે ને?

ભાસ કહે છે કે-હે,વિલાસ,તું પણ આજ મને જોવામાં આવ્યો એ બહુ સારું થયું અને મારું આવવું સફળ થયું.હે ભાઈ,જ્યાં સુધી જાણવાની વસ્તુ,જાણવામાં આવી નથી,ચિત્તના કામ-આદિ સંકલ્પો ક્ષીણ થયા નથી અને આ સંસાર-સમુદ્ર તરાયો નથી,ત્યાં સુધી આપણું કુશળ ક્યાંથી જ હોય? જ્યાં સુધી,ચિત્તની વાસનાઓ કપાઈ ગઈ નથી,યોગ્ય સમજણ મળી નથી,અને આત્મજ્ઞાન ઉદય પામીને આત્માનો લાભ મળ્યો નથી,ત્યાં સુધી આપણું કુશળ ક્યાંથી હોય?

મનુષ્યનાં જીવનનાં વર્ષો,આસક્તિ,તૃષ્ણાઓ,મોહમાં,વિષય-સુખોમાં વીતી જાય છે અને વિવેક નબળો પડતો જાય છે.વૃદ્ધાવસ્થામાં પુત્ર-આદિએ કરેલ અપમાનો થી લેવાઈ ગયેલું અને જેની શોભા નાશ પામી હોય તેવું
શરીર સુકાઈ જઈને મરણ ને શરણ થાય છે,ત્યારે તે ક્યાં ગયું તે જાણવામાં પણ આવતું નથી.
તેમ છતાં,લાંબા કાળથી ચિંતા-રૂપી ચક્રમાં બંધાયેલું અને દુષ્ટ ક્રિયાઓ તથા દુષ્ટ રીતિઓમાંજ આસક્ત
રહેનારું ચિત્ત,તૃષ્ણા માં ઘૂમરીઓ ખાય છે,અને ચિંતાઓમાં ઘેરાયેલું તે ચિત્ત ક્ષણમાત્ર શાંતિ આપતું નથી.

મારી બુદ્ધિ-રૂપી પક્ષીણી " આ કર્યું,આ કરું છું અને આ કરીશ" એવી કલ્પનાની જાળમાં બંધાઈ મૂંઝાઈ જાય છે.
"આ મિત્ર છે અને આ શત્રુ છે" એવા પ્રકારના દ્વંદ્વોના સંકલ્પો-રૂપી-મોટો હાથી,મારાં મર્મસ્થળો-રૂપી-કમળોને
કાપી નાખે છે."હું દેહ છું" એવી બુદ્ધિ ને લીધે દીન-પણાને પ્રાપ્ત થયેલ,અનેક સુખ-દુઃખોમાં પડી જનાર,તથા
જન્મ-મરણમાં ફસાયેલ એવા મનુષ્યનું કુશળ ક્યાંથી હોય?

(૬૭) આસક્તિ થી બંધ અને અનાસક્તિથી  મોક્ષ

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,પરસ્પર નું કુશળ પૂછવામાં આ પ્રમાણે વાતો કરી,એ ભાસ-વિલાસ નામના બે તપસ્વીઓ કાળે કરીને જ્ઞાનને પ્રાપ્ત થયા હતા અને મોક્ષને પામ્યા હતા.
હે,રામ, આ હું તમને એ માટે કહું છું કે-અનેક પાશોથી બંધાયેલ,ચિત્તને સંસારમાંથી તરવા માટે જ્ઞાન વિના બીજી કોઈ ગતિ નથી.આ સંસાર-રૂપી દુઃખ વિવેક (જ્ઞાન) વિનાના પુરુષને દુસ્તર છે
પણ વિવેકી પુરુષને માટે તે (સંસાર-રૂપી-દુઃખ) જરાવારમાં તૂટી જાય તેવું છે.

જેમ,નાટકને જોવા બેઠેલા  મનુષ્યો,નાટક કરનારા મનુષ્યોને દુરથી જ જુએ છે,
તેમ,પોતાના સ્વ-રૂપ-ભૂત-ચૈતન્ય-માત્રમાં રહેલા અને દેહથી પર થયેલા મહાત્માઓ દેહને દૂરથી જ જુએ છે.
એટલે,એ દેહ દુઃખોથી અત્યંત ક્ષોભ પામે તો પણ આપણને શી હાનિ થાય એમ છે?
જેમ,રથનું ધૂસરું ભાગી જાય કે આખો રથ ભાગી જાય પણ તેમાં સારથીનું કંઈ ભાંગતું નથી,
તેમ,મન ક્ષોભ પામે તો તેમાં ચૈતન્ય ને શું થઇ જાય તેમ છે?

જેમ,જળને,તેનામાં રહેલા હંસો,પથ્થરો કે લાકડાઓ વગેરે સાથે કોઈ સંબંધ નથી,કે તે તેના કોઈ સગા નથી,
તેમ,પરમાત્માને ભોગોની સાથે કોઈ જ સગપણ નથી,અને તે આત્માને બંધન સાથે પણ કોઈ સગાઇ નથી.
જેમ,લાકડું અને જળ એ બંનેના પરસ્પર અભિઘાત (અથડામણ) થી જળના બિંદુઓ ઉછળે છે,
તેમ,દેહના અને આત્માના એકબીજાના અધ્યાસથી ચિત્તની સુખ-દુઃખ આદિ વૃત્તિઓ ઉછળે છે.
જેમ,જળ અને લાકડું પાસેપાસે હોય તો જળમાં લાકડાનાં પ્રતિબિબ જોવામાં આવે છે,
તેમ,આત્મા અને શરીર પાસેપાસે હોવાને લીધે,શરીરનાં સુખ-દુઃખ આત્મામાં જોવામાં આવે છે.

જેમ,દર્પણમાં જોવામાં આવતાં પ્રતિબિંબો સત પણ નથી કે અસત પણ નથી,પરંતુ અનિર્વચનીય જ છે,
તેમ,આત્મામાં જોવામાં આવતાં શરીરો સત પણ નથી કે અસત પણ નથી,પરંતુ અનિર્વચનીય જ છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE