Apr 16, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-482

ભરપૂર આકાર-વાળી,અને આકાશની શોભા જેવી વિસ્તીર્ણ-એ "નિર્વિકલ્પ અવસ્થા"
"વિક્ષેપોથી રહિત-પણા-રૂપ-અવસ્થા" ના અંશમાં (એટલે કે એ રીતે જોવામાં આવે તો) સુષુપ્તિ જેવી જણાય છે. જો કે આ બંને અવસ્થાઓમાં ઝાઝો કંઈ ફરક નથી.

મન તથા અહંકારનો લય થઇ જતાં,વિચારથી પોતાની મેળે સિદ્ધ થનારી,બ્રહ્માત્મક-રૂપી નિર્વિકલ્પ અવસ્થા,વચનથી વર્ણવી શકાય તેમ નથી.કેવળ હૃદયમાં જ અનુભવમાં આવે છે.તેમ છતાં જો તેની નકલ જોઈતી હોય,(એટલે કે તેના સમાન કંઈ જો કહેવું જ હોય) તો-તે "સુષુપ્તિ" (જેવું)  છે.હે,રામ જેમ અનુભવ કર્યા વિના ખાંડ આદિ પદાર્થોમાંનું,"તત્વ" (સ્વાદ) અનુભવ કર્યા વિના જણાતું નથી,તેમ આત્માનું વાસ્તવિક સ્વરૂપ પણ "અનુભવ" વિના જણાતું નથી.(એટલે કે તેનો-માત્ર-અનુભવ જ થઇ શકે!!)

આ જે સઘળું જગત છે તે,અંત વિનાના (અનંત) પરમાત્માનું જ સ્વરૂપ છે.
જયારે ચિત્ત (મન) વિષયોમાંથી ઉપરામ પામીને,આત્માકાર થઇ નિશ્ચળ થઈને રહે છે ત્યારે,
"સ્થાવર-જંગમ નો અંતર્યામી અને સાક્ષીપણાથી ઇન્દ્રિયો વગેરેને પ્રકાશ આપનાર"
એ "પરમાત્મા-રૂપી-દેવ"  (આત્મા) સાક્ષાત અનુભવમાં આવે છે.એમાં કોઈ સંશય નથી.

આ પ્રમાણે ચોથી ભૂમિકામાં આત્માનો અનુભવ થતાં,તે પછી ની પાંચમી ભૂમિકામાં,વિષયોની વાસનાઓનો અત્યંત વિનાશ થાય છે,તે પછી ની છઠ્ઠી ભૂમિકામાં,યત્ન વિના જ પરમ પુરુષાર્થ-રૂપ આત્માનો,સર્વદા અને પૂર્ણ-પણે અનુભવ થાય છે.અને તે પછીની સાતમી ભૂમિકામાં સમાધિની અને સમાધિ ના થવી-તે બંનેની પણ સમતા થઇ જવાને લીધે,પરમાત્માની સાથે એકરસપણું જ થાય છે.
કે જે (પરમાત્મા ની સાથેનું એકરસપણું) બ્રહ્માદિ મહાત્માઓથી પણ માપી શકાતું નથી.

(૬૫) વિલાસ અને ભાસ નું આખ્યાન-તેઓને થયેલો શોક

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,અહંતા મમતા નો ત્યાગ કરીને અને મનથી જ મનને કાપી નાખીને જો આત્માનું અવલોકન કરવામાં ના આવે,તો જગત-રૂપી દુઃખ ચિત્રમાં આલેખાયેલા સૂર્યની પેઠે અસ્ત પામતું નથી.
આ વિષયમાં જ ભાસ-વિલાસ નામના બે મિત્રોના સંવાદ-રૂપ પ્રાચીન ઈતિહાસ કહેવામાં આવે છે.

આ પૃથ્વી પરના સહ્યાદ્રિ નામના પર્વત ના શિખરમાં અત્રિ-ઋષિનો એક મોટો સુશોભિત આશ્રમ છે.
તેમાં શુક્ર અને બૃહસ્પતિ નામના બે પંડિત તપસ્વીઓ રહેતા હતા.તેમના ભાસ-વિલાસ નામના બે પુત્રો હતા.બંને પુત્રો માત-પિતાના આશ્રય થી અનુક્રમે વૃદ્ધિ પામ્યા.અને સાથે જ રહેતા હતા.
સમય થતાં-વૃદ્ધાવસ્થાને લીધે તેમનાં માતા-પિતા શરીરને ત્યજી દઈને સ્વર્ગમાં ગયાં.

ત્યારે તે ભાસ-વિલાસ પોતાના માતા-પિતાની મરણ પછી ની સઘળી ક્રિયાઓ કરીને વિલાપ કરવા લાગ્યા.
શોકને લીધે થયેલ વ્યથાથી પીડાયેલા,એ બંને જણા કરુણાથી ભરેલી વાણીથી વિલાપ કરીને,ચિત્રમાં
આલેખાયેલા હોય તેમ શરીરોની સઘળી ચેષ્ટાઓથી રહિત થઇ ગયા.
તેઓ મરણ પામ્યા નહિ પણ મૂર્છિત થઇ ગયા.

(૬૬) અજ્ઞાની મનુષ્ય દુઃખમાં જ પડ્યો રહે છે

વસિષ્ઠ કહે છે કે-હે,રામ, પછી ઘણે કાળે મૂર્છા ઉતરતા,શોકથી અત્યંત પરાભવ પામેલા,અને સુકાયેલાં અંગોવાળા,
એ બે તપસ્વીઓ છુટા પડીને કેટલાક કાળ વનમાં જ રહ્યા.વર્ષો પસાર થઇ ગયાં અને બંને વૃદ્ધ થઈ ગયા.
જેમને તત્વબોધ મળ્યો નહોતો.એવા તે બંને ઘણે કાળે એક દિવસ ભેગા થયા ત્યારે પરસ્પર વાતો કરવા લાગ્યા.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE