Apr 21, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-487

તેમ જ શરીરમાં,ભોગોરુપી ઇન્દ્રિયોની વૃત્તિઓમાં,ઇંદ્રિયોમાં,યોગ સંબંધી ધારણ કરવાનાં-
પ્રાણ,બ્રહ્મરંઘ્ર,ભ્રુકૃટીઓનું-મધ્ય,નાસિકાનો અંત,મુખ તથા કીકીઓ-ઈત્યાદિ સાધનોમાં,
અંધકારમાં,પ્રકાશમાં,હ્રદયાકાશમાં,જાગ્રત-સ્વપ્ન કે સુષુપ્તિમાં,સત્વ-રજસ કે તમોગુણમાં,કાર્ય પદાર્થોમાં,માયામાં,સૃષ્ટિના આદિ-મધ્ય કે અંતકાળમાં,ટુકડામાં,દુર કે પાસે રહેલામાં,નામ-રૂપાદિમાં,જીવમાં,શબ્દ-સ્પર્શ-રૂપ-રસ-ગંધમાં,વિષયોની અભિલાષથી પરવશતામાં,વિષયોના ઉપભોગ-રૂપી ફળમાં,બીજા લોકમાં જવા-આવવાની સિદ્ધિઓમાં અને લાંબા કાળ સુધી જીવવા-આદિ સિદ્ધિઓમાં-પણ સમજુ પુરુષે,પોતાના મનને આસક્ત રાખવું નહિ.

મન કેવળ બુદ્ધિની સાક્ષીમાં જ શાંતિ લઈને,અને બીજા સઘળા વિષયો તુચ્છ સમજીને,
વ્યાપક ચૈતન્યના જ અનુસંધાનમાં રહે -એમ કરવું જોઈએ.
સર્વત્ર રહેલી સર્વ પ્રકારની આસક્તિઓ ટળી જવાથી,અને એ સ્થિતિમાંજ રહેવાથી,
બ્રહ્મપણાને પ્રાપ્ત થયેલો જીવ,આ સઘળા વ્યવહારને કરે તો પણ ભલે અને ના કરે તો પણ ભલે.
વ્યવહાર કરવાથી કે ના કરવાથી તેને કોઈ હાનિ કે લાભ થતાં નથી.

જેમ આકાશ વાદળાં જોડે સંબંધ પામતું નથી,તેમ,આત્મારામ થયેલો જીવ,ક્રિયાઓ ના ફળોથી સંબંધ પામતો નથી.માટે એવો જીવ ક્રિયાઓ કરે તો પણ ભલે અને ના કરે તો પણ ભલે.

હે,રામ,સ્વ-રૂપમાં શાંતિ પામેલો,સર્વદા સ્વયંપ્રકાશ રહેતો અને વ્યવહારનાં ફળોમાં ઈચ્છા નહિ રાખતો જીવ,
વ્યવહાર કરતો હોય તો પણ અવિદ્યા-આદિથી રહિત હોવાને લીધે,કર્મોના ફળોના સંબંધને પ્રાપ્ત થતો નથી.
અને,પ્રારબ્ધ નો ક્ષય થવા સુધી,દેહ-રૂપી ભારને જાણે સહન કરી રહ્યો હોય તેવી સ્થિતિમાં તે રહે છે.

(૭૦) આસક્તિ રહિત મનુષ્ય વ્યવહારિક દોષોથી પરિતાપ પામતો નથી.

વસિષ્ઠ કહે છે કે-હે રામ,અસંગ-પણાના સુખનો જ નિરંતર સ્વાદ લેનાર,
ઘણા મહાત્મા પુરુષો વ્યવહાર કરવા છતાં,પણ અંદર શોક-ભયથી રહિત થઈને રહેલા છે.
જેનું મન વિષયોથી રહિત હોવાને લીધે,સંતાપોથી રહિત થઈને આત્મામાં જ રહ્યું હોય,
તેવા પુરુષના સંગ થી સર્વ લોકો પ્રસન્ન થાય છે.

સર્વદા આત્મ-દૃષ્ટિથી આત્મામાં જ લીન થઈને સ્વસ્થ રહેનારો જીવનમુક્ત પુરુષ કોઈ સમયે ચંચળ દેખાય,
તો પણ જળમાં પ્રતિબિમ્બિત થયેલા,સૂર્યની પેઠે મિથ્યા જ ચંચળ દેખાય છે.
વાસ્તવમાં તેવા જીવનમુક્ત પુરુષો-અંદર તો તે મેરુ પર્વત જેવા અચળ જ હોય છે.
જયારે પુરુષ,પરમાત્માના જ્ઞાનને પ્રાપ્ત થઇ,કલ્પનાઓ-રૂપી મેલોથી રહિત થઇને, સમાધિ ધર્યા વિના પણ,
સમાધિમાં રહેલા ના જેવો સુખ-મગ્ન રહે,ત્યારે તે આસક્તિથી અત્યંત રહિત થયેલો કહેવાય છે.

હે રામ,આ આત્મમાં જ આસક્તપણા-રૂપી સ્થિતિમાં રહેલો જીવ,સર્વદા પ્રિયથી,અપ્રિયથી,જીવન-મરણ થી રહિત હોવાને લીધે,જાગ્રતમાં પણ સુષુપ્તિમાં રહેલા જેવો થાય છે.અને આ અવસ્થામાં રહેવાના અભ્યાસના ક્રમથી,પ્રૌઢતાને પામેલો જીવ,અત્યંત પવિત્ર પરમાત્માને પ્રાપ્ત થાય છે.જીવ એવી સુષુપ્તિ અવસ્થાને પામીને જીવતાં સુધી વ્યવહાર કર્યા કરે તો પણ,સુખ-દુઃખ-રૂપી રજ્જુઓથી કદી ખેંચાતો નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE