Apr 20, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-486

હે રામ,વંદ્યા (વંદન કરવા કે વખાણવા યોગ્ય) કે વંધ્યા (વાંઝણી-પુરુષાર્થ-રૂપી ફળથી રહિત) એમ બે પ્રકારની આસક્તિ છે.તત્વવેત્તાઓને સ્વરૂપ ના અનુસંધાનમાં જે આસક્તિ છે,તે વંદ્યા-આસક્તિ છે.
આત્મ-તત્વનો  બોધ નહિ થતા,દેહ-વગેરેમાં થયેલી દૃઢ આસક્તિ કે જે ફરીવાર પણ સંસારમાં જ નાખનારી છે,તે વંધ્યા-આસક્તિ કહેવાય છે. સાચા વિવેકને લીધે,આત્મ-તત્વનો બોધ થતાં,સ્વરૂપના અનુસંધાનમાં દૃઢ આસક્તિ કે જે ફરીવારના સંસારના ફેરાને ટાળી  જ નાખે છે,તે વંદ્યા-આસક્તિ કહેવાય છે.

શંક-ચક્ર-ગદા -વગેરેને હાથોમાં ધારણ કરનારા વિષ્ણુ-દેવ,વંદ્યા-આસક્તિને લીધે જ અનેક પ્રકારની લીલાઓથી ત્રૈલોક્ય નું પાલન કરે છે.સૂર્ય-દેવ વંદ્યા-આસક્તિથી જ દરરોજ આકાશમાં ગતિ કર્યા કરે છે.
મોટા કલ્પને અંતે વિદેહ-મુક્તિમાં શાંતિ માટે કલ્પાયેલું બ્રહ્મા નું શરીર વંદ્યા-આસક્તિ થીજ જગતનું નિર્માણ કરે છે,પાર્વતી-રૂપ (શક્તિ-રૂપ) બંધન ના સ્તંભમાં લીલાથી બંધાયેલું અને વિભૂતિઓથી શણગારેલું  સદાશિવનું શરીર,વંદ્યા આસક્તિથી જ જગતનો પ્રલય કરે છે.

દેવતાઓ (દેવો) મન-રૂપી-વ્રણથી  દુઃખી થવા છતાં,પણ અનેક યુગના ફેરફારોનાં દુઃખો જોવામાં આવવાથી
કઠિન થઇ ગયેલા એ મન-રૂપી વ્રણ ને -આસક્તિના લીધે  જ કાપી નાખતા નથી.
હે રામ,નિરાકાર પરબ્રહ્મ-રૂપી આકાશમાં કોઈએ કેવળ વાસનાને લીધે જ,મનની આસક્તિ-રૂપી રંગથી,
આ જગત-રૂપી વિચિત્ર ચિત્ર આલેખ્યું છે તે તમે જુઓ.
આ સંસારમાં મનથી આસક્ત રહીને વ્યવહાર કરનારા લોકોનાં શરીરોને તૃષ્ણા-રૂપી અગ્નિ બાળી નાખે છે.
આવા મનુષ્યોના વારંવાર થતા જન્મોને ગણી નાખવામાં કોણ સમર્થ છે?

જેમનું મન સંસારમાં આસક્ત છે,તેઓના માટે જે આ રૌરવ-વગેરે નામનાં નરકોનાં અંતઃપુરો હારબંધ બાંધેલાં છે,કે જેઓમાં "યાતનાઓ" નામની રાણીઓ ભોગવવામાં આવે છે.
જગતમાં જે જે દુઃખો છે-તે સઘળા આસક્તિ-વાળાઓ માટે જ ઈશ્વરે ઠરાવેલાં છે.
જીવોને જન્મ-મરણની દુર્દશાઓ માં નાખવાને જ ઈચ્છનારી,અવિદ્યાએ (અજ્ઞાને) આ દુઃખની જાળ પાથરેલી છે.

હે રામ, જેમ વર્ષા-ઋતુમાં નદીઓ જળના પૂરથી ખુબ ફેલાય છે,તેમ,ઐશ્વર્ય-આદિ-વિભૂતિઓ,ભોગોની આસક્તિના ત્યાગથી,અત્યંત વિસ્તાર પામે છે.મન ની અંદર જે આસક્તિ છે તે-અંગો ને અંગારા-રૂપ છે,અને
જે આસક્તિનો ત્યાગ છે-તે-અંગોને અમૃત-રૂપ છે.એમ સમજો.

સઘળા વિષયોની આસક્તિથી રહિત,શાંત,આકાશની પેઠે નિર્લેપ રહેનારું,
બ્રહ્મ-વિષયમાં ઉત્સાહ ધરાવનારું,અને,અવિદ્યામાં ઉત્સાહ વગરનું મન સુખ આપનારું જ થાય છે.
અને આવા ચિત્ત થી જે સંસારમાં રહે છે તે જીવનમુક્ત જ છે.

(૬૯) મન ને આસક્તિરહિત કરીને બ્રહ્મમાં અવશિષ્ટ કરવાનો ક્રમ

વસિષ્ઠ કહે છે કે-હે રામ,સર્વદા સર્વ વ્યવહારમાં પુત્ર,સ્ત્રી,મિત્ર-આદિ સઘળાંની સાથે રહેતાં,ધનનો ઉદ્યમ કરતાં, અને સઘળા પ્રકારના કાર્યો કરતાં -પણ સમજુ પુરુષે પોતાના મનને ધન આદિ ઉદ્યમોમાં આસક્ત રાખવું નહિ.થઇ ગયેલી (ભૂતકાળની) વાતોની ચિંતામાં આસક્ત રાખવું નહિ,તેમ,વર્તમાનમાં પણ આસક્ત રાખવું નહિ,આકાશમાં-મધ્યમાં-નીચે (જમીન પર) કે કોઈ ખૂણાઓમાં મનને આસકત રાખવું નહિ.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE