Apr 23, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-489

હે રામ, જેમ,આકાશ મનુષ્યોના વિષય-રૂપ નથી,તેમ વિદેહ-મુક્તિ અનુભવના કે વચનોના વિષય-રૂપ નથી.જેમ આકાશમાં પવનો જ પહોંચે છે,તેમ, જેમાં વિદેહમુકતો જ પહોંચે છે એવી એ પરમ વિશ્રાંતિ ની પદવી,તો બીજા સામાન્ય જીવન જીવતા માનવીને દૂર કરતાં અત્યંત અત્યંત દૂર છે.આમ,જાગ્રતમાં જ સુષુપ્તિ જેવી અવસ્થાથી કેટલાક કાળ સુધી,જગતની સ્થિતિ ભોગવીને પછી,પરમ આનંદમાં ઘુમેલો પુરુષ "તુર્યાવસ્થા" (જીવનમુક્તિ) ને પ્રાપ્ત થાય છે.

હે રામ,જીવનમુક્ત પુરુષો જે પદ્ધતિથી,નિર્દ્વંદ્વ (સુખ-દુઃખ વગેરે દ્વંદ્વ થી રહિત) પદ-રૂપી "તુર્યાતીત" દશાને
પ્રાપ્ત થાય છે.તે પદ્ધતિથી તમે પણ એ દશાને પ્રાપ્ત થજો.
તમે જાગ્રતમાં સુષુપ્તિ જેવી અવસ્થાથી જગતના વ્યવહાર કરો.જેમ ચિત્રમાં આલેખાયેલા ચંદ્રને ક્ષય નથી-
કે રાહુ આદિનો ભય પણ નથી,તેમ,તમને મૃત્યુ નથી અને કોઈનો ભય પણ નથી.

આ શરીરનો ક્ષય થાય કે સ્થિરતા થાય,તેથી આત્માને ક્ષય કે સ્થિરતા પ્રાપ્ત થાય છે તેમ સમજવું નહિ,
કેમ કે-જે આ શરીર છે તે તો ભ્રમ જ ઉદય પામેલો છે.તમારે દેહના નાશનું શું પ્રયોજન છે?
તમે તમારા આત્માના બોધની સ્થિરતાનો પ્રયત્ન કરો.દેહ જેમ છે તેમ ભલે રહ્યો.
તમે જગતના અધિષ્ઠાન ને જાણી ચૂક્યા છો,ત્રણે અવસ્થાઓના અધિષ્ઠાન ને સમજી ચૂક્યા છો,
અને પોતાના સ્વ-રૂપને પામી ચૂક્યા છો,તો હવે પ્રજાના કલ્યાણ માટે શોક-રહિત થાઓ.

આ સંસારમાં જે કંઈ છે તે ત્રણે પ્રકારના પરિચ્છેદથી રહિત,શુદ્ધ ચૈતન્ય જ છે.માટે "આ હું છું અને આ મારું છે"
એવી ખોટી ભ્રાંતિ તમને ના રહેવી જૌઇએ.
શુદ્ધ ચૈતન્ય નું "આત્મા" એ નામ પણ શાસ્ત્ર-આદિ વ્યવહાર માટે કલ્પેલું છે.વાસ્તવિક નથી.
તો પછી અનાત્મ પદાર્થોનો નામ-રૂપ આદિ ભેદ તો શુદ્ધ ચૈતન્યથી અત્યંત દૂર જ હોય,એમાં શું કહેવું?
જે સમુદ્ર છે તે જળ છે,અને તેમાં તરંગ-આદિ જળથી જુદું છે જ નહિ,તેમ સઘળું જગત આત્મા જ છે.
આ સઘળા જગતમાં આત્મા સિવાય બીજું કંઈ મળે તેમ જ નથી.

કોઈ પણ અમુક પદાર્થમાં આસ્થા રાખવી યોગ્ય નથી,કેમ કે-જે તમે નથી અથવા જે તમારું નથી એવું કંઈ પણ નથી.તેમજ જે તમે છો અથવા જે તમારું છે,એવું પણ કંઈ નથી.દેહ પણ તમારો નથી,તો તે દેહ સાથેનો સંબંધ પણ નથી,એટલે કોઈ પણ પ્રકારનું નું દ્વૈત નથી જ.અને દ્વૈત હોઈ શકે નહિ.
સૂર્યમાં અંધકાર-રૂપી કલંક હોય તો આત્મામાં દ્વૈત-રૂપી કલંકનો સંભવ હોય.

હે રામ, હવે "દ્વૈત છે"  એમ ઘડીભર સ્વીકારીને તમારી પાસે હું વાત કરું છું.
દેહ અને આત્માને સંબંધ સંભવતો જ નથી.જેમ શીત અને ઉષ્ણ-સર્વદા પરસ્પરથી વિરુદ્ધ હોઈ તેમનો સંબંધ સંભવતો નથી,તેમ,દેહ અને આત્મા પરસ્પર વિરુદ્ધ હોવાથી તેઓનો સંબંધ સંભવતો નથી.
જેમ, માટીને અને ઘડાને પરસ્પર જુદાં નહિ રહેવા-રૂપ "સમવાય" સંબંધ છે.તેવો,આત્મા અને દેહનો
"સમવાય" સંબંધ પણ ઘટતો નથી,કારણકે આત્મા ચેતન છે અને શરીર જડ છે.

કેવળ ચૈતન્ય-માત્ર આત્મામાં કલ્પાયેલ દેહનો અને આત્માનો ખોટો સંબંધ,
આત્માનું અવલોકન કરવાથી બાધિત થઇ જાય છે.
આત્મા ચૈતન્ય-સ્વ-રૂપ છે,નિત્ય છે,સ્વયંપ્રકાશ છે તથા દુઃખ-રહિત છે.અને
દેહ જડ છે,મળવાળો છે,અનિત્ય છે,બીજાને લીધે તે પ્રકાશે છે,અને દુઃખોવાળો છે.
માટે આત્મા દેહની સાથે સંબંધ જ કેમ પામે?

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE