Apr 26, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-492

હે રામ,આ રીતે જે જીવ (આત્માના પ્રતિબિંબથી શોભી રહેલ અજ્ઞાન) કે ચિત્ત છે,તે જ સંસારનું કારણ છે.દેહ -કે  જે મૂંગો છે અને અત્યંત તુચ્છ છે-તેણે એમાં શું કર્યું? (કશું કર્યું નથી)
દેહ પણ સંસારી નથી અને આત્મા પણ સંસારી નથી,પણ વચમાં લટકતો જે "જીવ" છે તે સંસારી છે.જેમ,જેમ,ઘડો અને તે ઘડામાં ભરેલું જળ-એમાંથી એકનો નાશ થતા બીજાનો નાશ થતો નથી,તેમ,શરીર નો નાશ થતાં શરીરમાં રહેલા "જીવ" (આત્માના પ્રતિબિંબથી શોભી રહેલ અજ્ઞાન) નો નાશ થતો નથી.

જેમ પાંદડું સુકાઈ જતા તેનો રસ સુકાઈ જતો નથી,પણ તે રસ સૂર્યનાં કિરણોની અંદર જાય છે,
તેમ,શરીર નો ક્ષય થતાં જીવ -ક્ષય પામતો નથી-તે (વાસના-વાળો) જીવ બીજા શરીરમાં જાય છે.
પણ,જો એ જીવ-વાસનાથી રહિત થઇ ગયેલો હોય,તો તે બીજા શરીરમાં નહિ જતાં,
પોતાના પર-બ્રહ્મ-રૂપ (સત્તા-સામાન્ય-રૂપ) માં અસલ સ્વભાવ (આત્મા) માં રહે છે.

દેહનો નાશ થવાથી કંઈ વળતું નથી
પણ જો ચિત્તનો નાશ થાય તો મોટો ભાગ્યોદય થયો-એમ ગણવામાં આવે છે.
ચિત્તનો નાશ થવાથી જીવનો નાશ થવાની પણ સંભાવના થતી હોય -તો તેથી કંઈ ડરવા જેવું નથી.
કેમ કે-એ રીતનો નાશ એ-પરમ-પુરુષાર્થ-રૂપ-મોક્ષ જ છે-એમ શાસ્ત્રો કહે છે.

જે મરી જાય છે-તે "નાશ પામ્યો" એમ જે કહેવામાં આવે છે-એ તો ખોટું જ કહેવામાં આવે છે-એમ હું ધારું છું.
કેમ કે જે મરી જાય છે-તે તો બીજા દેશમાં અને બીજા કાળમાં -બીજા શરીરને ધારણ કરતો અનુભવમાં આવે છે.એટલે "અમુક નષ્ટ થઇ ગયો અને અમુક જન્મ્યો" ઈત્યાદિ કલ્પનાઓ મનુષ્ય ભ્રાંતિ થી જ કરી લે છે.
જીવ-વાસનાને લીધે જ એક શરીરને ત્યજી ને બીજા શરીરમાં જાય છે.
હૃદયમાં રહેલી વાસનાઓને લીધે-અનાદિ કાળથી ટકી રહેલા જીવો,
અનેક દુઃખો ને વેઠતાં,નરકોના સમૂહમાં વસે છે.

(૭૨) પંચભૂતવાળા દેહને માટે હર્ષ-શોક મિથ્યા છે

વસિષ્ઠ કહે છે કે-હે રામ,દેહ જન્મતાં તમે જન્મ્યા નથી અને દેહ નષ્ટ થતાં તમે નષ્ટ થવાના નથી.
તમે પોતાના સ્વ-રૂપમાં નિષ્કલંક જ છો.તમારે દેહ સાથે કોઈ સંબંધ નથી.
જેમ ઘડો ફૂટી જતાં,ઘડો અને ઘડાનું આકાશ-એ બંને નષ્ટ થઇ ગયા-એ કલ્પના વ્યર્થ છે,
તેમ, દેહ નષ્ટ થઇ જતા દેહ અને આત્મા બંને નષ્ટ થઇ જાય છે-એ કલ્પના વ્યર્થ છે.

વિનાશ પામવાના સ્વભાવવાળો આ દેહ નષ્ટ થઈને પંચમહાભૂત માં મળી જાય છે,તેમાં "હું નષ્ટ થઇ જાઉં છું" એમ માનીને જે પુરુષ ખેદ કરે-તે આંધળા ચિત્ત-વાળા પુરુષને ધિક્કાર છે.
જેમ તળાવના કાદવનો અને નિર્મળ પાણીનો સંબંધ પરસ્પર પ્રેમ વિનાનો જ છે-
તેમ,દેહ તથા ઇન્દ્રિય-ચિત્ત વગેરેનો અને આત્માનો-સંબંધ પરસ્પર પ્રેમ વિનાનો જ છે.
માટે સમજુ પુરુષે દેહ સાથે અહંતા-મમતા (આસક્તિ કે રાગ-દ્વેષ-કે સંયોગ-વિયોગ) નો ખેદ કરવો યોગ્ય નથી.

લોકોને દેહના સંબંધથી થતાં સુખ-દુઃખ આદિ વિકારો કેવળ ખોટી કલ્પનાથી જ ઉત્પન્ન થયેલાં છે.
પંચમહાભૂત માંથી જ આ દેહો બનેલા છે-એટલે દેહોમાં પંચમહાભૂતો સિવાય કશું જોવામાં આવતું નથી.
તો તેનો ક્ષોભ-નાશ કે ઉત્પત્તિ થતાં તમે હર્ષ-શોક કે ક્રોધને શા માટે વશ થાઓ છો?

"સ્ત્રી" એવું નામ ધરાવનારો ક્ષણભંગુર પંચભૂત નો સમુદાય,કે જેમાં પુરુષો,જેમ પતંગિયાં અગ્નિમાં પડે છે-
તેમ તેમાં પડે છે,તો "પુરુષ" એવું નામ ધરાવનારા ક્ષણભંગુર પંચભૂત ના સમુદાયમાં શી વિશેષતા છે?

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE