May 16, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-503

હે રામ,આ જગતમાં તમે વિચારમાં વિલક્ષણ બુદ્ધિ-વાળા હોવાને લીધે ભાગ્યશાળી છો.
અને ભાગ્યશાળી છો-તેથી જ આ નાની અવસ્થામાં સંસારનો વિચાર કરવા લાગ્યા છો.
જે પુરુષ નાની અવસ્થામાં જ અતિ સુંદર બુદ્ધિથી સંસાર-રૂપી-સમુદ્રનો વિચાર કરી -તેમાં પ્રવેશ કરે તે એ સમુદ્રમાં ડૂબતો નથી.સંસારના વ્યવહારમાં પણ બુદ્ધિથી વિચાર કરીને તેનું ઊંડાણ જાણીને જે જે સંપત્તિઓ નું સેવન કરવામાં આવે-તે તે સંપત્તિઓ સુખદાયી થાય છે અન્યથા નહિ.અને તે-તત્વને જોવામાં આવતાં પુરુષનાં બળ-બુદ્ધિ અને તેજ વૃદ્ધિ પામે છે.

હે રઘુનંદન,તમે જે જાણવાનું છે તે જાણી લીધેલું હોવાને લીધે,તમે ઘાટા આનંદથી ભરપૂર થઈને,
અધ્યાત્મિક-આદિ ત્રણે તાપોને મટાડનારી,નિર્મળ અને સર્વદા સમતાવાળી બ્રહ્મ-વિદ્યા-રૂપી શોભાથી શોભો છો.

(૭૭) જીવનમુક્ત નાં લક્ષણો

રામ કહે છે કે-હે મુનિ,તત્વનો ચમત્કાર જોનારા જીવનમુક્તનાં જે જે લક્ષણો છે-તેનો એકઠો સંગ્રહ કરી,
"ફરી વાર" પણ આપ મને કહો.આપનાં વચન સાંભળવાથી કોને તૃપ્તિ થાય?

વસિષ્ઠ કહે છે કે-હે રામ,જીવનમુક્ત નાં લક્ષણો મેં ઘણીઘણી વાર કહ્યા છે-તો પણ ફરીવાર આ સંગ્રહ-રૂપે કહું છું.સઘળી તૃષ્ણાઓથી રહિત થયેલો,જીવનમુક્ત પુરુષ,
સર્વત્ર અને સર્વદા -આ સઘળા જગતને મોહમય અને ઝાંઝવાના પાણીની પેઠે દેખે છે.
જીવનમુક્ત પુરુષ,જાણે સમાધિમાં જ રહ્યો હોય,જાણે સૂઈ ગયેલા મનવાળો હોય અને જાણે આનંદમાં મસ્ત રહેતો હોય તેમ સંસારમાં રહે છે.તેની બુદ્ધિ પ્રૌઢ-સમતાવાળી અને અંતર્મુખ થયેલી હોય છે.

શાંત બુદ્ધિ વાળો જીવનમુક્ત પુરુષ,પોતાના વિચાર અંતર્મુખ થવાને લીધે,
આ જગતના વ્યવહારને યંત્રથી નાચતાં પૂતળાઓના વ્યવહાર જેવો જોઇને -હસ્યા કરે છે.
તે પુરુષ ભવિષ્યની અપેક્ષા રાખતો નથી,વર્તમાનમાં રુચિ કરતો નથી,થઇ ગયેલાં ને સંભાળતો નથી,
અને તેમ હોવા છતાં પણ સઘળો વ્યવહાર કરે છે.
જીવનમુક્ત પુરુષ ને વ્યવહારમાં રુચિ બહિ હોવાને લીધે-સૂતેલા જેવો રહે છે,પણ આત્મવિચારમાં જાગતો રહે છે,વ્યવહારમાં વિચક્ષણ રહે છે.અને વિચક્ષણ હોવા છતાં,વિચક્ષણતાના ફળને ઈચ્છતો નથી-
તે, સઘળાં કાર્યો કરે છે-તે છતાં અંદર કંઈ કરતો નથી.

સર્વદા- મનથી સર્વનો ત્યાગ કરનારો અને સઘળી તૃષ્ણાઓ વિનાનો જીવનમુક્ત પુરુષ બહારથી સઘળા ચાલતા ઉદ્યોગો કરે છે,આવી પડેલ ક્રિયાઓ કરવામાં તૈયાર રહે છે,પોતાના શરીરને તથા વર્ણાશ્રમ ને લગતી ક્રિયાઓ અનુસરે છે,બાપદાદા ની પરંપરાથી પ્રાપ્ત થયેલી જીવિકાઓને અનુસરે છે.
અને,આમ,તે જીવનમુક્ત  પુરુષ મનમાં કર્તા-ભોક્તાપણાની આસક્તિ નહિ રાખતાં,
સઘળાં કાર્યોને (કર્મોને) કરે છે અને સઘળાં ભોગ-સંબંધી સુખોને પણ ભોગવે છે,
અને આમ કરતો હોવાથી તે પુરુષ અજ્ઞાનીઓની જેમ વિષય-સુખની આશાઓવાળા જેવો દેખાય છે.

પણ,તે પુરુષ,અંદરથી ઉદાસીન જેવો થઈને રહે છે,કંઈ ઈચ્છતો નથી,કોઈનો દ્વેષ કે શોક કરતો નથી.અને
કોઈ વિષયથી પ્રસન્ન થતો નથી.તે જીવનમુક્ત પુરુષ શત્રુઓમાં અને મિત્રોમાં,ચિત્તથી રાગ-દ્વેષ વિનાનો હોય છે,તો પણ બહારથી તે મિત્રની સાથે મિત્રની જેમ અને શઠની સાથે શઠની જેમ વર્તે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE