May 17, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-504

તે જીવન્મુક્ત પુરુષ,બાળકોના મંડળમાં બાળકો જેવો,વૃદ્ધોના મંડળમાં વૃદ્ધ જેવો,
જુવાનોના મંડળમાં જુવાનો જેવો  અને દુઃખીના મંડળમાં દુખિયા જેવો થાય છે.
અને તેમ છતાં પણ સઘળાં મંડળોમાં વાણીથી પવિત્ર વાતો જ કરે છે,અને મનમાં કોઈ દીનતા રાખતો નથી.
બુદ્ધિના ધૈર્યને લીધે આનંદવાળો જ રહે છે,ચિત્તમાં કોમળ રહે છે,પવિત્ર રહે છે,મધુર રહે છે,વિચક્ષણ રહે છે,અને સર્વદા સ્વ-રૂપના અનુસંધાનથી પૂર્ણ રહે છે.
ખેદને તથા દારિદ્ર દેખાવને દૂર રાખે છે,અને સર્વની સાથે સ્નેહી બાંધવની જેમ વર્તે છે.

જેના આકાર ઉપરથી જ પ્રૌઢ-પણું જણાઈ આવે છે તેવો જીવનમુક્ત પુરુષ સમતા-વાળો રહે છે.
શાંતિ-રૂપી સુખના સમુદ્ર જેવો રહે છે,સર્વના પર સ્નેહ રાખે છે,અને પોતાના સંગથી સર્વના તાપો મટાડે છે.
જીવનમુક્ત પુરુષને પુણ્યો જોઈતા નથી,ભોગો ભોગવવા નથી,કર્મો કરવા નથી,
તેને પાપ લગતા નથી,કે ભોગોના ત્યાગની જરૂર પણ તેને રહેતી નથી.
આ લોક કે પરલોક સંબધી ફળોની સાથે કે બંધનોની સાથે તેને કોઈ સંબંધ નથી.
તેને મોક્ષની કે સ્વર્ગની ઈચ્છા નથી કે પાતાળમાં તે પડતો નથી.

"જે કંઈ જોવામાં આવે છે તે સઘળું જગત,જેમ છે તેમ-બ્રહ્મ-રૂપ જ  છે" એમ જાણવામાં આવે ત્યારે,
તે પછી સંસારનાં સુખોમાં કે સંસાર સંબંધી દુઃખોનું નિવારણ કરવામાં ક્યાંય પણ મનનું કંગાળ-પણું રહેવું
સંભવે જ નહિ.જેના સંદેહો -જ્ઞાનથી દુર થયા છે,તેના ચિત્તનો નાશ જ થયેલો કહેવાય છે.
આમ,જેનું મન ભ્રાંતિ-રહિત થઈને બ્રહ્માકારપણાથી રહ્યું હોય તે પુરુષ સુખ-દુઃખ-આદિ સર્વ દેખા
માં નિર્લેપ રહેવાના લીધે,આકાશની પેઠે અસ્ત પામતો નથી-કે ઉદય પામતો નથી.

જેમ પારણામાં રહેલું બાળક કોઈ પણ પ્રકારના પ્રયોજન વગર હાથ-પગ હલાવે છે,
તેમ, જીવન્મુક્તના અવયવો કોઈ પણ પ્રકારના પ્રયોજન વિના જ ચેષ્ટાઓ કરે છે.
બ્રહ્માનંદથી,મદિરાના મદથી મત્ત થયેલાની પેઠે ઘૂમતો અને જેને પુનર્જન્મનો ફેરો બાકી રહેલો હોતો નથી,
એવો જીવનમુક્ત,કોઈ ક્રિયાઓનાં ફળોને લેવા યોગ્ય નહિ સમજતો હોવાને લીધે,
"મેં શું કર્યું? અને શું નથી કર્યું?" એવી રીતનું સ્મરણ રાખવાની જરૂરત જોતો નથી.

જીવનમુક્ત કાર્ય સફળ થવાથી હર્ષ પમાતો નથી કે કાર્ય બગડી જવાથી ખેદ પામતો નથી.
દુઃખની દશાની ઉપેક્ષા નહિ કરવા છતાં,પણ,કોઈ પણ સુખની આશા રાખતો નથી
ગમે તેવાં આશ્ચર્યો જોવામાં આવે તો પણ-"આ સઘળી ચૈતન્ય શક્તિઓ જ સ્ફુરે છે"
એમ પાકી સમજણ હોવાને લીધે,જીવનમુક્તને કોઈ પણ આશ્ચર્યમાં કૌતુક ઉત્પન્ન થતું નથી.

જીવનમુક્ત દયાથી થતી દીનતાનું ગ્રહણ કરતો નથી,ક્રૂરતાને અનુસરતો નથી,કુળ-પરંપરાને લીધે ભિક્ષા માગવાનું આવી બને છતાં લાજતો નથી અને નીચાં કાર્યો કરવામાં નિર્લજ્જ પણ થતો નથી.
તે કદી કંગાળ થઇ જતો નથી,કદી પણ ઉદ્ધત થઇ જતો નથી,કદી પણ ગાફેલ થતો નથી,કે
કદી પણ ભય,હર્ષ કે શોક કે કોપને પામતો નથી.
જેમાં પ્રાણીઓ નિરંતર જન્મ્યા અને મર્યા કરે છે-એવી જગતની આ સ્થિતિમાં સુખી-પણું કે દુઃખી પણું
શું હોય? અને કેમ હોય? સુખ કે દુઃખી પણું કદી સંભવતું જ નથી.

જેમ રાત્રિમાં દરેક ઘડીએ જુદાંજુદાં સ્વપ્નોના દેખાવો ઉત્પન્ન  થયા કરે છે,અને નષ્ટ થયા કરે છે,
તેમ આત્મામાં પ્રત્યેક ક્ષણે આ જગતોના દેખાવો ઉત્પન્ન અને નષ્ટ થયા કરે છે.
નિરંતર ઉત્પન્ન થતા અને નષ્ટ પામતા આ તુચ્છ સંસારમાં સુખ-કે સુખ નો પ્રસંગ જ કેમ સંભવે?

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE