May 18, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-505

જો શુભ કર્મો હોય,અને શુભ કર્મોનાં ફળરૂપ-ધન-પ્રાપ્તિ આદિ સુખો હોય,તો-
તેનાથી વિરુદ્ધ-દુષ્ટ કર્મો  અને દુષ્ટ કર્મોના ફળ-રૂપ ધન-નાશ આદિ દુઃખ પણ સંસારમાં હોવાં સંભવે,પણ જીવનમુક્તની દૃષ્ટિમાં તો શુભ કર્મો કે દુષ્ટ કર્મો નથી-તો -તેને સુખ-દુઃખ કેમ સંભવે?

સુખ નામનો પદાર્થ હોય તો દુઃખ નામનો પદાર્થ હોવો સંભવે -અન્યથા નહિ.
જીવનમુક્તની દ્રષ્ટિમાં શુભ કે અશુભ કર્મો મુદ્દલે હોતાં જ નથી,એ કર્મો નહિ હોવાને લીધે,સુખ કે દુઃખ હોતાં નથી.અને સુખ-દુઃખ નહિ હોવાને લીધે,ગ્રહણ કરવા યોગ્ય કે ત્યાગ કરવા યોગ્ય પદાર્થો પણ હોતા જ નથી.
અને એ પદાર્થો જ જો ના હોય તો પછી તે પદાર્થોનું સારા-નરસા-પણું જ ક્યાંથી સંભવે?

"આ સારું છે અને આ નરસું છે" એવી ભેદ-બુદ્ધિનો નાશ થતાં,ભોગોની સ્પૃહા નષ્ટ થઇ જઈને નિસ્પૃહ-પણું પ્રાપ્ત થાય છે,અને નિસ્પૃહપણું સારી રીતે પ્રાપ્ત થાય ત્યારે,મન,પોતાના મૂળ-ભૂત અજ્ઞાન સહિત પીગળી જાય છે,અને એવી રીતે મન પીગળી જાય તો પછી સંકલ્પ રહેવાની તો વાત જ શી કરવી?
તલના દાણા બિલકુલ બળી જાય પછી તેલની વાત ક્યાંથી હોય?

"મારાથી બીજું કંઈ છે જ નહિ" એવી દૃઢ ભાવનાને લીધે,સંકલ્પ-વિકલ્પો નો નાશ થતાં,સઘળા પદાર્થો-
જીવનમુક્ત ના આત્મા-રૂપ જ થઇ જાય છે,એટલે પછી જુદું "કારણ" જ નહિ રહેવાથી ,
અખંડ વ્યાપક થયેલો જીવનમુક્ત પુરુષ સર્વદા તૃપ્ત રહીને તથા પોતાના સ્વ-રૂપ-ભૂત નિરતિશય આનંદમાં ભરપૂર રહીને,જગતમાં તથા સ્વપ્નમાં ચિત્તને ભાસતા સર્વ પદાર્થો જોયા કરે છે,
સુષુપ્તિમાં સૂઈ જાય છે,અને શરીરના પ્રારબ્ધનો ક્ષય થતાં સુધી જીવે છે.

(૭૮) ચિત્તના ભ્રમણ થી જગત અને ચિત્ત-નિરોધક યોગ

વસિષ્ઠ કહે છે કે-હે રામ,જેમ રાતના અંધારામાં,બળતા ઉંબાડીયાનું ભ્રમણ થતાં,મિથ્યા પણ સાચા જેવું લાગતું,અગ્નિનું ચક્ર જોવામાં આવે છે,તેમ, ચિત્તનું ભ્રમણ થતાં,જગત મિથ્યા હોવા છતાં સાચા જેવું જોવામાં આવે છે.
જેમ જળનું ભ્રમણ થતાં,જાણે જળથી જુદી હોય તેવી ગોળ ચકરી થયેલી જોવામાં આવે છે,
તેમ,ચિત્તનું ભ્રમણ થતાં,જગત જાણે ચિત્તથી જુદું હોય તેવું જોવામાં આવે છે.

રામ કહે છે કે-હે મહારાજ,ચિત્ત કયા પ્રકારથી ભમે છે?
અને કયા પ્રકારથી તેનું ભ્રમણ અટકી જાય તે મને કહો,કે જેથી હું તેની જ ચિકિત્સા કરું.

વસિષ્ઠ કહે છે કે-હે રામ,જેમ તલ અને તેલ પરસ્પરથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે,
તેમ,ચિત્ત અને ચિત્તનું ભ્રમણ -એ પરસ્પર થી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે.
એ ભેદ અને અભેદ -બંનેમાં અભેદ હોવો-તે જ -સત્ય- છે.કેમ કે ભેદ તો કેવળ કલ્પિત હોવાને લીધે મિથ્યા છે.
ચિત્ત અને ચિત્તનું ભ્રમણ-એમાંથી એક નો નાશ થાય તો-
અધિષ્ઠાન-રૂપે રહીને-પોતાના રૂપ થી બંને નષ્ટ થઇ જાય-એમાં સંશય નથી.     
હે રામ,ચિત્તને નાશ કરવાના બે ઉપાય છે-એક તો "યોગ" અને બીજો "જ્ઞાન"
ચિત્તની વૃત્તિઓ ને રોકવી એ "યોગ" અને અત્યંત સૂક્ષ્મ રીતે તેનું અવલોકન કરવું તે "જ્ઞાન"

રામ કહે છે કે-પ્રાણ અને અપાન નો નિરોધ કરવા-રૂપી "યોગ" નામની યુક્તિથી -
"મન" (ચિત્ત) કઈ રીતે અનંત સુખ આપનાર થાય છે તે મને કહો.    

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE