May 15, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-502

મુક્તિને ઇચ્છનાર પુરુષે,આત્માના અવલોકનમાં યત્ન કરવો જોઈએ.
આત્માનું દર્શન થવાથી સઘળાં દુઃખો,કપાઈ જાય છે.
હે રામ,તમે પણ વિવેકથી તથા વૈરાગ્યથી ધીરજવાળી બુદ્ધિનો ઉદય કરી,
પથ્થર અને સોનામાં સમાન દૃષ્ટિ રાખીને જીવનમુક્તપણાથી વિહાર કરો.

લોકમાં વિવેકી પ્રાણીઓને પ્રાપ્ત થતી મુક્તિ-બે પ્રકારની છે.એક સદેહ મુક્તિ અને બીજી વિદેહ મુક્તિ.મુક્તિના એ  બે ભેદ હોવાનું કારણ હું કહું છું તે તમે સાંભળો.
પદાર્થોમાં આસક્તિ ટળી જવાથી જે મનની શાંતિ થાય છે તે મુક્તિ કહેવાય છે.
અને આવા પ્રકારની મનની શાંતિ,શરીર જીવતાં છતાં અને શરીર પડી ગયા પછી પણ હોવી સંભવે છે.

અનાત્મ પદાર્થોમાં આત્મપણા ની ભ્રાંતિથી થયેલા (તેની પ્રત્યેના) સ્નેહ નો ક્ષય થવો -
એ જ ઉત્તમ મુક્તિ છે-એવો સિદ્ધાંત છે.અને એ રીતનો સ્નેહનો અભાવ,શરીર જીવતું હોય કે પડી ગયું હોય તો પણ સંભવે છે.શરીર જીવતા છતાં જે પુરુષ,અનાત્મ પદાર્થો પ્રત્યે  સ્નેહથી રહિત હોય છે-તે જીવનમુક્ત કહેવાય છે.અને જીવનમુક્ત થયા પછી જે મરી જાય-તે મૂઆ પછી પણ સ્નેહથી રહિત હોવાને લીધે વિદેહમુક્ત કહેવાય છે.

હે રામ, મોક્ષને માટે યુક્તિપૂર્વક યત્ન કરવો જોઈએ.યુક્તિ વિનાનો યત્ન કરવાથી-આત્મ-તત્વના નિશ્ચય-રૂપ ફળ થતું નથી.અને તે ફળ નહિ થવાથી,યત્ન વ્યર્થ જતાં,યત્ન માટે જે મોટું કષ્ટ વેઠયું હોય તે માથે પડે છે.
એટલા માટે કેવળ મૂઢતાથી યુક્તિ વિનાનો યત્ન કરીને આત્માને અનર્થોમાં નાખવો નહિ.

તમે મોટી ધીરજનું અવલંબન કરીને,યુક્તિપૂર્વક યત્ન લગાવી પોતાની મેળે પોતાના આત્માનો વિચાર કરો.
બુદ્ધો,જૈનો,સાંખ્યો-વગેરે એ આત્મતત્વના નિશ્ચય માટે મોટો યત્ન કર્યો,પણ,યુક્તિ વિનાનો કર્યો (!!!)
એટલે તેમનો યત્ન અધિક સફળ (નિશ્ચય-રૂપ-મુક્તિ-પદને પ્રાપ્ત) થયો નહિ.(!!!)
શ્રુતિઓ ના "રહસ્ય" ને જાણનારા મહાત્મા પુરુષો જ,આત્મતત્વ ના ખરા નિશ્ચય-રૂપ-મુક્તિ-પદને પ્રાપ્ત થયા છે.

(૭૬) સંસાર-સમુદ્રને તરવાના ઉપાયોનું વર્ણન

વસિષ્ઠ કહે છે કે-હે રામ,આ સઘળાં બ્રહ્માંડો બ્રહ્મમાંથી પ્રગટ થાય છે,અવિવેક થી તેની સ્થિતી થાય છે અને
વિવેકથી શાંત થઇ જાય છે.બ્રહ્મ-રૂપી-સમુદ્રમાં જગતની જાળો-રૂપી જેટલી ચકરીઓ ફર્યા કરે છે તેને ગણવા કોણ સમર્થ છે? અયથાર્થ વિચાર જગતની સ્થિતિ નું કારણ છે,અને યથાર્થ વિચાર (વિવેક)જગતની શાંતિનું કારણ છે.આ સંસાર-રૂપી ભયંકર સમુદ્ર અત્યંત દુષ્પાર છે,અને તેમાંથી તરી ઉતરવું હોય તો યુક્તિ વિના અને પ્રયત્ન વિના બની શકે તેમ નથી.એટલે, તેમાં ડૂબેલો પુરુષ બહાર નીકળે તો તેને મોટો પુરુષાર્થ કર્યો કહેવાય.

બુદ્ધિ-રૂપી મોટું વહાણ હોવા છતાં,અને વિવેક-રૂપી એ વાહનને ચલાવનારો હોવા છતાં જે પુરુષ આ
સંસાર-રૂપી સમુદ્રને તરી જાય નહિ-તે પુરુષને ધિક્કાર છે.
આ સંસાર-રૂપી સમુદ્ર કે જેનો આ તરફ કે પેલી તરફ કોઈ છેડો જ દેખાતો નથી,
તેને સઘળી રીતે બ્રહ્મ-રૂપ બનાવી દઈને જે પુરુષ તેમાં વિચરે-તે જ મનુષ્ય સાચો મનુષ્ય છે.
મહાત્માઓની સાથે,આ સંસાર-રૂપી સમુદ્રનો વિચાર કરી,તથા બુદ્ધિથી તેનું અવલોકન કરી-તે પછી-
જો પુરુષ તેમાં ક્રીડા કરે તો તે ક્રીડા શોભે છે-અન્યથા નહિ.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE