Jun 16, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-530

વળી, હે રામ,આત્મજ્ઞાન વિનાનો-અમુક્ત-મનુષ્ય પણ ઔષધ આદિ પદાર્થોની શક્તિથી,મંત્રોની શક્તિથી,કે યોગાભ્યાસ-આદિ ક્રિયાઓથી આકાશમાં ગતિ કરવી-વગેરે સિદ્ધિઓ મેળવે છે.
આ સિદ્ધિઓ તુચ્છ પદાર્થો જ છે.માટે આત્મજ્ઞાની ને તેની ઈચ્છા થવી સંભવે જ નહિ.

આત્મજ્ઞાની પુરુષ પોતાને બ્રહ્મતત્વ પ્રાપ્ત થયેલું હોવાને લીધે,પોતાથી પોતાનામાં જ તૃપ્ત હોય છે,માટે તે પુરુષ અજ્ઞાનથી કલ્પેલી,સિદ્ધિઓ-રૂપી તુચ્છ ફળોને ઈચ્છે જ નહિ અને તેને અનુસરે પણ નહિ.જગત સંબંધી જે જે પદાર્થો છે તે સઘળા અવિદ્યામય જ છે-માટે જેણે અવિદ્યા છોડી દીધેલી છે,એવો આત્મવેત્તા પુરુષ એ પદાર્થોમાં આસક્ત થાય જ કેમ?

જેઓ અવિદ્યાને પણ સુખ-રૂપ ગણીને મંત્ર-આદિ-સાધનોની યુક્તિઓથી તેને (સિદ્ધિઓને) મેળવે છે.
તેઓ અજ્ઞાનીઓ કહેવાય છે-આત્મવેત્તા પુરુષો કદી પણ એવા અજ્ઞાની હોતા નથી.
જ્ઞાની હોય કે અજ્ઞાની હોય-પણ જે પુરુષ ઔષધ-મંત્ર-આદિ પદાર્થો થી કે યોગાભ્યાસ -આદિ ક્રિયાઓથી,
અનુક્રમે લાંબા કાળ સુધી યત્ન કરે તો-તેને આકાશમાં ગમન -કરવાની શક્તિ -આદિ સિદ્ધિઓ પ્રાપ્ત થાય તેમાં
સંશય નથી.પરંતુ જ્ઞાની પુરુષ તો સર્વ જગતથી ન્યારો થયેલો,તૃષ્ણાઓ વિનાનો અને પોતાનામાં જ સંતોષ પામેલો હોય છે,માટે તે સિદ્ધિઓ માટે યત્ન કરતો નથી કે ઈચ્છા પણ રાખતો નથી.

જ્ઞાની પુરુષને આકાશમાં જવાની જરૂર જ રહેતી નથી,કે બીજી સિદ્ધિઓની પણ જરૂર હોતી નથી.
તે ભોગોને ઈચ્છતો નથી,નિગ્રહ-અનુગ્રહ કરવાની શક્તિ ધરાવતો નથી,તેને મન ની ઈચ્છા હોતી નથી,
તે આશા રાખતો નથી,મરણને પણ વશ થતો નથી કે જીવવાની ભાવના પણ તેને હોતી નથી.
સર્વદા તૃપ્ત રહેનારો,શાંત મનવાળો,રાગથી તથા વાસનાઓથી રહિત થયેલો -
એ આકાશની પેઠે નિર્લેપ રહેનારો-જ્ઞાની પુરુષ તો "સ્વ-રૂપ" માં જ રહે છે.

કોઈ સુખ-દુઃખ અચાનક આવી પડે કે જન્મ-મરણ થાય તો પણ તત્વવેત્તા પુરુષ પોતાની સ્વાભાવિક તૃપ્તિને છોડતો નથી.પ્રારબ્ધના ક્રમથી આવી પડેલી,અનુકુળ કે પ્રતિકુળ વસ્તુઓથી જ્ઞાની પુરુષ હર્ષ-શોકને પ્રાપ્ત થતો નથી.તે તો અખંડાકાર વૃત્તિ-રૂપી ચંદનથી આત્માનું પૂજન જ કર્યા કરે છે.
તત્વવેત્તા પુરુષને કોઈ ક્રિયા કરવાનું કે કોઈ ક્રિયા નહિ કરવાનું કોઈ પ્રયોજન જ હોતું નથી,
અને તે પુરુષને સર્વ પદાર્થોમાં કોઈ પ્રકારે પ્રયોજનની અપેક્ષા હોતી જ નથી,

જે પુરુષને આત્મજ્ઞાનનો લેશ પણ ના હોય,તે પુરુષ પણ જો સિધ્ધિઓને ઈચ્છે,
તો સિદ્ધિઓ આપનાર પદાર્થોની ગોઠવણ કરવાથી,અનુક્રમે સિદ્ધિઓ મેળવી શકે છે.
"મણિ-મંત્ર -આદિથી તેને યુક્તિથી  ગોઠવવાથી આવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે" એવો નિયમ નો ક્રમ છે.
આવા પ્રકારના જે નિયમનો ક્રમ છે તે ક્રમ સદાશિવ આદિ મોટા દેવતાઓથી પણ ફોક કરી શકતો નથી.

હે રામ,આકાશમાં ચાલી શકવું-વગેરે જે સિદ્ધિઓ છે,
તેઓ ઔષધ આદિ દ્રવ્યોના,કાળોના,ક્રિયાઓના,તથા મંત્રોના પ્રયોગોની સ્વાભાવિક "શક્તિ"ઓ જ છે.
આત્મજ્ઞાન કે જે -એ દ્ર્વ્યો અને કાળોના તથા ક્રિયાઓના ક્રમ-રૂપ (અવિદ્યાના) નિયમથી અલગ છે.
તે એ આકાશમાં જવાની આદિ શક્તિઓને (સિદ્ધિઓને) આપનાર નથી-
કે તે સિદ્ધિઓને ટાળી નાખનાર પણ નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE