Jun 15, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-529

વસિષ્ઠ કહે છે કે-"વીતહવ્યે પોતાના હૃદયમાં અનુભવેલા,સંકલ્પમય જગતની અંદરના સૂર્યના "પિંગલ" નામના પાર્ષદે,આ જગતની પૃથ્વીની અંદર રહેલા તે મુનિનું શરીરનું બહાર કાઢવું કેમ સંભવે?" કે, "સ્વપ્નની કોદાળીથી  જાગ્રત ની પૃથ્વી ખોદાવી સંભવે કેવી રીતે?"
એવી કોઈ શંકા રાખશો નહિ,કેમ કે,વીતહવ્ય ના જીવાત્માએ જે સંકલ્પમય જગતનો અનુભવ કર્યો હતો,તે આ જગત હતું કે જે આપણા જોવામાં આવે છે.આપણી આંખોથી જોવામાં આવે એવા જે,વીતહવ્ય મુનિ હતા,તે આપણું "મન" જ હતું.કેમ કે આપણું મન જ "તું અને હું" વગેરે રૂપે દેખાય છે.જે મન છે તે જ આ સઘળું જગત છે.માટે તેમાં ભિન્ન-કે અભિન્ન-પણું શું હોય?

હે રામ,અવિદ્યા-વગેરે સઘળા મળોથી,ઇન્દ્રિયો-રુપી વિકારોથી,ત્રણે દેહ-રૂપી ઉપાધિઓથી,
તથા પ્રિય-વગેરે "સંગો" થી રહિત થયેલા પરમાર્થને પરિપૂર્ણ રીતે જાણી ચુકેલા,અને,
જેના રાગ-દ્વેષ ક્ષીણ થયા હતા તથા શોક શાંત થયો હતો -
એવા વિવેકી વીતહવ્ય મુનિ લાંબા કાળ સુધી કરેલા શ્રવણ-મનન-આદિના અભ્યાસોથી,
પોતાના સ્વ-ભાવ-રૂપ-નિર્મળ-પદ ને પ્રાપ્ત થયા.

(૮૯) જ્ઞાનીઓના શરીરને હિંસક પ્રાણીઓ અડચણ કરતાં નથી

વસિષ્ઠ કહે છે કે-હે રામ, તમે પણ વીતહવ્યની જેમ અંતઃકરણ માં તત્વજ્ઞાન મેળવીને,
સર્વદા રાગ,ભય અને ઉદ્વેગથી રહિત જ થઈને રહો.
જેમ વીતહવ્યે શોકને છોડી દઈને ત્રીસ હજાર વર્ષ સુધી સુખથી વિહાર કર્યો હતો,
તેમ તમે પણ,શોક ત્યજી દઈને લાંબા કાળ સુધી વિહાર કરો.

હે મોટી બુદ્ધિવાળા રાજકુમાર,બીજા પણ મહાબુદ્ધિમાન તત્વજ્ઞ મુનિઓ જેવી રીતે રહ્યા હતા,
તે જ રીતે તમે તમારા દેશમાં રહો.આત્મા,સર્વમાં રહેલો હોવા છતાં પણ,કદી સુખ-દુઃખને વશ થતો નથી,
માટે વૃથા શોક શા માટે કરો છો? આ પૃથ્વીમાં આત્માને જાણનારા ઘણાઘણા મહાત્માઓ વિહાર કરે છે,
પણ તેઓ કંઈ તમારી પેટે દુઃખને વશ થતા નથી.
હે રામ, તમે સમતાવાળા થાઓ,મનથી સર્વનો ત્યાગ કરનારા થાઓ,સ્વસ્થ થાઓ અને સુખી થાઓ.
તમે સર્વમાં વ્યાપક છો,તમે જ આત્મા છો,તમને પુનર્જન્મ છે જ નહિ.
તમારા જેવા જીવનમુક્ત પુરુષો કદી હર્ષ-શોકને વશ થાય જ નહિ.

રામ કહે છે કે-હે પ્રભુ,મારો અહી સંશય એ છે કે-જીવનમુક્ત થયેલા તત્વવેત્તાઓમાં,
આકાશમાં ગતિ કરવી-વગેરે સિદ્ધિઓ કેમ થતી નથી? અને થતી હોય તો તે કેમ જોવામાં આવતી નથી?

વસિષ્ઠ કહે છે કે-હે રામ,આકાશમાં ગમન કરવું વગેરે જે સિદ્ધિઓ છે તે દેવતાઓને સ્વાભાવિક જ છે-
એમ પ્રમાણ થી સિદ્ધ થયું છે.જે જે વિચિત્ર ક્રિયાઓ નો સમૂહ (આકાશમાં ગમન કરવું વગેરે) જોવામાં આવે છે,તે ઘણું કરીને તે તે યોનિઓ નો (અહી દેવોનો) સ્વભાવ જ છે તેમ જણાય છે.
જેમ કે-તમે જુઓ છો કે મચ્છરો -આકાશમાં ઉડતા દેખાય છે-તે મચ્છરની જાતિનો સ્વભાવ છે.
આત્મવેત્તાઓને આવી સિદ્ધિઓની (દેવોના જેવી આકાશમાં ગમન કરવાની) ઈચ્છા જ હોતી નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE