Jun 26, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-540

કેટલાએક કહે છે કે-"કાળ જ જગતનું કારણ છે" કેટલાએક કહે છે કે "પરમાણુઓ જ જગતનું કારણ છે" અને કેટલાએક કહે છે કે "જાતિ જ જગતનું કારણ છે" પણ તમે કાળને,પરમાણુને કે જાતિને કારણ નહિ માનતાં,સમષ્ટિ સત્તા (એકતા વળી સત્તા) ને (ઈશ્વરને) જ જગતનું કારણ માનીને તેની ભાવના કરો.જો કે કાળ,પરમાણુ અને જાતિ-પણ તેમના જડ-ભાગને કાઢી નાખતાં,બ્રહ્મ-રૂપ જ છે-છતાં પણ-તેઓ-દૃશ્ય-ભાગે-ભેદ-વાળાં હોવાથી,તે વાસ્તવિક નથી.

જેમાં ભેદ-બુદ્ધિ કરાવનારો અને અનાત્માની આસક્તિ આપનારો,કોઈ પણ પ્રકારનો ભેદ રહ્યો હોય,
તે પદાર્થ પવિત્ર કેમ હોઈ શકે? હે રામ,તમે પોતામાં એ સમષ્ટિ સત્તાની ભાવના કરી,
પરિપૂર્ણ પરમ આનંદવાળા તથા સઘળી દિશામાં ભરપૂર થઈને રહો.
એ સમષ્ટિ સત્તા (ઈશ્વર) ના પણ છેડે,એટલે તેના પણ અધિષ્ઠાન-રૂપ જે પરમ સત્તા (પરબ્રહ્મ) છે-
તે જ વાસ્તવિક રીતે જીવનું અને જગતનું બીજ છે-કેમ કે એ સર્વ એમાંથી જ પ્રવર્તે છે.

અને તે કલ્પના વિનાનું,આદિ-અંત વિનાનું-જે આદિ-પદ (પરબ્રહ્મ) છે,તેનું કોઈ પણ બીજ  નથી.
એમાં જ સર્વ નો લય થાય છે,અને એ પોતે નિર્વિકાર રહે છે.
એ પદમાં જેને સ્થિતિ મળી હોય -તે પુરુષ ફરીવાર આ દુઃખ-રૂપી સંસારમાં જન્મ ધરતો નથી.
એ પદ સઘળાં કારણો નું કારણ છે-અને એનું  કારણ કોઈ પણ નથી.
એ પદ જ સઘળા સારોનો સાર છે,અને તેથી અધિક કોઈ પણ સાર નથી.

જેમ તળાવ માં કાંઠા નાં વૃક્ષો પ્રતિબિમ્બિત થાય છે,
તેમ એ ચૈતન્ય-રૂપી મોટા દર્પણમાં -આ સઘળી વસ્તુઓ પ્રતિબિમ્બિત થયેલી છે.અને,
જેમ જીભથી મધુર-આદિ છ રસો પ્રગટ થાય છે,તેમ આનંદ -એ પદથી જ પ્રગટ થાય છે.
વિષયો-પોતે- પોતાથી સ્વાદ વિનાના હોવા છતાં,પણ એ પદના યોગથી જ સ્વાદ વાળા લાગે છે.
એટલા માટે એ અત્યંત સ્વચ્છ બ્રહ્મ-સ્વ-રૂપ (પરબ્રહ્મ),સઘળા આનંદોમાં અત્યંત આનંદ-રૂપ છે,
અને સઘળાં પ્રિયોમાં અત્યંત પ્રિય-રૂપ છે.

હે રામ,બ્રહ્માંડો ના સમૂહો એ પદમાં જ ઉત્પન્ન થાય છે,ઉત્પન્ન થયા પછી એમાં જ રહે છે,
એમાં જ વધે છે,એમાં જ ફેરફાર પામે છે,એમાં જ ક્ષીણ થવા લાગે છે અને એમાં જ ગળી જાય છે.
એ પદ,ભારેમાં ભારે છે,હલકામાં હલકું છે અને સ્થૂળ માં સ્થૂળ અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે.
એ પદ,દૂરમાં દૂર,સમીપમાં સમીપ,નાનામાં નાનું છે,અને વૃદ્ધમાં વૃદ્ધ છે.
એ પદ,તેજના તેજ-રૂપ છે,અંધારાના પણ તત્વ-રૂપ છે,
સઘળી વસ્તુઓના અધિષ્ઠાન-રૂપ છે અને દિશાઓના પણ અવકાશ-રૂપ છે.

એ પદ,જગતમાં પ્રસિદ્ધ નથી અને જે કંઈ પ્રસિદ્ધ છે તે પણ તે જ છે.
જગતના અભાવ-રૂપ પણ એ જ છે,દૃશ્ય પણ એ જ છે,અને જે કંઈ અદ્રશ્ય છે તે પણ તે જ છે.
સ્વ-રૂપથી એ "હું" છું અને અહંકાર-રૂપે - એ "હું" નથી.

હે નિર્દોષ રામ,સર્વ પ્રકારના પ્રયત્નો કરીને પણ જે રીતે-એ પવિત્ર પરમ પદમાં તમને સ્થિતિ મળે,તેમ કરો.
એ પદ નિર્મળ છે,અવિનાશી છે,અને એ જ આત્માનું વાસ્તવિક સ્વ-રૂપ છે.
જો એનો સાક્ષાત અનુભવ થાય તો ચિત્ત બાધિત થઇ જાય છે.
હે રામ,જો તમે એ વ્યાપક મુખ્ય સ્વરૂપને જાણી ચુક્યા હશો,તો સંસારના ભયથી મુક્ત જ છો.
પછી તમને કદી પણ આવર્તન (પૂનર્જન્મ) થવાનું નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE