Jul 27, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-565

"જીવ" ચિત્તમય છે.પણ,
જેમ ઘડામાં રહેલું આકાશ (ઘડાકાશ)-એ ઘડો ફૂટી જતાં (બહારના) મહાકાશમાં મળી જાય છે-
તેમ, ચિત્ત અંતઃકરણમાં (કે સાથે) રહે છે-પરંતુ અંતઃકરણ નો નાશ થતાં,તે ચૈતન્યમાં એકરસ થાય છે.

આ આત્મા -બાળકની જેમ ચિત્તની ગતિ-વગેરેને પોતાના ધર્મોને પોતામાં માની લે છે.ચિત્ત ચાલતું હોય ત્યારે પોતાને ચાલતો માને છે અને ચિત્ત  સ્થિર હોય ત્યારે પોતાને સ્થિર માને છે.એટલે-એ આત્મા- એ રીતે ભમતા ચિત્તને જ -વ્યાકુળ થયેલું પોતાનું રૂપ માની લે છે.

રામ કહે છે કે-હે મહારાજ, સ્થાવર-આદિ શરીરોને પ્રાપ્ત થયેલું અજ્ઞાન તો અત્યંત ગાઢ હોય છે,
માટે તે શરીરોમાં જીવ ચૈતન્યની અને ચિત્તની સ્થિતિ કેવા પ્રકારની હોય છે?

વસિષ્ઠ કહે છે કે-આ સ્થાવરોમાં જે જીવ ચૈતન્ય (આત્મા) રહે છે-તે "સુખ-દુઃખના અનુભવવાળા મન"ને
અને "વિવેક વિચારવાળા મનના ભાવ"ને પામતું નથી.
જે ચૈતન્યમાં અંતઃકરણ ની ક્રિયાઓ શાંત હોવાથી,સુખ-દુઃખ ટાળવાની શક્તિ હોતી નથી.
એટલે તે અતિશય કષ્ટ પામે છે-અને મુક્તિ તેનાથી અતિશય દૂર હોય છે.
આ સ્થાવર શરીરોમાં કર્મેન્દ્રિયો-જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ હોતાં નથી,તેમાં કેવળ ચૈતન્ય-સત્તા જ છે.

રામ કહે છે કે-હે વિદ્વાનોમાં શ્રેષ્ઠ ગુરુ મહારાજ,સઘળા વ્યાપારોથી રહિત થઈને-સ્થાવર શરીરોમાં
કેવળ સત્તા-માત્રથી જ ચૈતન્ય રહેલું હોય છે-તો યોગીઓની પેઠે સ્થાવર જીવોને -તુરત જ વાસનાનો ક્ષય
અને મનનો નાશ થવાનો સંભવ છે.માટે હું તો ધારું છું કે-તેઓની મુક્તિ સમીપમાં જ રહેલી છે-
તેમ છતાં આપ એથી વિરુદ્ધ કેમ કહો છો?

વસિષ્ઠ કહે છે કે-જગતના સ્વરૂપ નો બુદ્ધિ પૂર્વક વિચાર કરીને-યથાર્થ આત્મ-તત્વના અવલોકન થી-
" જો એક સત્તા સર્વમાં ઓતપ્રોત રહેલી છે" એવો "અનુભવ" થાય-તો એ જ "મોક્ષ" થયો કહેવાય છે.
એ આત્મ-તત્વને જાણીને,ઉત્તમ રીતે વાસનાઓનો પરિત્યાગ થતાં,
જે "સત્તા-સામાન્ય-રૂપ-પણું" થાય છેએ જ "કૈવલ્ય-પદ" કહેવાય છે.

મહાત્માઓની સાથે વેદાંત-શાસ્ત્ર નો વિચાર કરીને,મનનપૂર્વક નિદિધ્યાસથી આત્માનું અવલોકન કરીને-
જે "સત્તા-સામાન્ય"માં સ્થિતિ પ્રાપ્ત થાય છે-એ જ સ્થિતિ "પર-બ્રહ્મ" છે એમ કહેવામાં આવે છે.

સ્થાવર શરીરમાં તો-બીજની પેઠે વાસના અંદર સૂઈ રહેલી અને અત્યંત મંદ-પણાવાળી જ હોય છે-
માટે તેઓની સ્થિતિ તો ગાઢ નિંદ્રા જેવી જ હોવાથી-પુનર્જન્મ આપનાર છે તેમ સમજો.
જેની અંદર મન લીન થઇ ગયેલું હોય અને વાસનાઓ ચારે બાજુ સૂઈ ગયેલી હોય છે-એવી ગાઢ નિંદ્રાના
જેવી-સ્થાવરોની સ્થિતિ-ભલે પથ્થરની પેઠે વૃત્તિ-રહિત હોય-પણ પુનર્જન્મના-દુઃખ આપનારી છે,

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE