Sep 10, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-610

નિર્મળ,નિરતિશય,આનંદ-રૂપ જે ચૈતન્ય માત્ર આત્મા છે,તે જ પૂજ્ય (પૂજવાલાયક) છે-
એમ તત્વજ્ઞાનીઓએ સિદ્ધાંત કરેલો છે.
ઉપશમ,બોધ,સમતા-આદિ-પુષ્પો-રૂપીથી આત્મા-રૂપ દેવનું અર્ચન કરવું એ જ સાચું દેવાર્ચન છે.એમ સમજો.પણ આકારનું (મૂર્તિ-કે મનુષ્ય-વગેરે-રૂપી આકાર નું) પૂજન કરવું તે સાચું દેવાર્ચન નથી.એટલે, જે લોકો આત્મા-રૂપ દેવાર્ચન ને ત્યજીને કૃત્રિમ પૂજનોમાં લાગ્યા રહે છે,તેઓ લાંબા કાળ સુધી કલેશને પ્રાપ્ત થયા કરે છે.

જેમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય છે-એવા મહાત્માઓ કદાચિત,આત્મ-ધ્યાન ત્યજી દઈને,
સાકાર દેવ (મૂર્તિ-વગેરે) નું પૂજન કરતા જોવામાં આવતા હોય-
તો તેઓ બાળકોની જેમ લીલા કરે છે-તેમ જ સમજવું.
જે સર્વના કારણભૂત અને પરમ શિવ-આત્મ-સ્વ-રૂપ-દેવ છે-તેનું જ સર્વદા અખંડિત રીતે,પૂજન કરવું જોઈએ.
આમ,આત્મા જ પૂજ્ય છે-અનાત્મા પૂજ્ય નથી-કેમ કે બોધ-રૂપ આત્મ-પૂજન-તે જ મુખ્ય પૂજન છે.

વસિષ્ઠ (શિવજી ને)પૂછે  છે કે-હે મહારાજ,"આ સકળ જગત આત્માની સત્તાથી જ સત્તા પામેલું છે"
એમ આપે જે જણાવ્યું તે કઈ રીતે બને? ચૈતન્ય-રૂપ આત્માને જીવ ભાવ કેવી રીતે પ્રાપ્ત થયો?

સદાશિવ કહે છે કે-આકારથી રહિત જે ચિદાકાશ છે-તે જ સર્વત્ર છે.
જેમ પ્રલયકાળમાં તે ચિદાકાશની અંદર-કંઈ પણ દૃશ્ય રહેતું નથી,
તેમ,હમણાં (હાલ) પણ,વસ્તુતઃ જોતાં,તે ચિદાકાશની અંદર કંઈ પણ દૃશ્ય નથી.
જે કંઈ દૃશ્ય-રૂપે સ્ફુરે છે-તે સ્વયંપ્રકાશ ચિદાત્માનું જ સ્ફુરણ છે,અને તે જ જગત-રૂપે પ્રતીત થાય છે.
આમ,ચૈતન્ય-પણું હોવાને લીધે,આત્માનું સૃષ્ટિ-ના સમયમાં જે સ્ફુરણ છે-તે જ જગત નામથી કહેવાય છે.

જે કંઈ આ પ્રતીત થાય છે,તે ચિદાકાશ-રૂપ જ છે તેમાં વળી અન્ય-પણું ક્યાંથી હોય? અને શાથી હોય?
ચિદાકાશ,પરમાકાશ,બ્રહ્માકાશ,જગત અને ચૈતન્ય-એ પરસ્પરના પર્યાય શબ્દો જ છે.
સ્વપ્ન,સંકલ્પ કે માયાથી જયારે જયારે જગતનો અનુભવ થાય છે-
ત્યારે એ ચિદાકાશ જ જગત-રૂપે પ્રતીત થાય છે.
જેમ સ્વપ્નમાં ચિદાકાશ એ જગત-રૂપે પ્રતીત થાય છે-તેમ,જાગ્રતમાં પણ તેવું જ થાય છે.

સઘળાં દ્રશ્યોમાં,કોઈ પણ દૃશ્ય ચિદાકાશ થી જુદું સંભવતું નથી,માટે,સઘળાં દ્રશ્યોથી જોડાયેલું,
આ દૃશ્ય (ચિત્ત-કે જગત) ચિદાકાશ માટે જ છે.
જેમ,સ્વપ્નમાં સઘળું ઘટ-પટ-આદિ-ચિદાકાશ-માત્ર જ છે,
તેમ,સૃષ્ટિ વગેરેમાં પણ સઘળું જગત ચિદાકાશ-માત્ર જ છે.
ત્રણે કાળમાં,દેશ-કાળ-તથા ચિત્ત સહિત-જે
કંઈ દેખાવો થાય છે,ભાવ-અભાવ થાય છે-તે સઘળું ચિદાકાશ-માત્ર જ છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE