Apr 3, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-779

પણ ત્યારે તે અજ્ઞાન (મહાવત)ની શિથિલ અવસ્થામાં તમે "ચિત્ત-ત્યાગ-રૂપી-મહાખડગ" વડે,તેને મારી નાખ્યું નહિ,એટલે તેણે ફરીવાર ઉભા થઈને,પોતાના પરાભવને સંભાળીને,અતિ ઊંડી એવી  "તપ-કરવાના-પ્રપંચ-રૂપી-ખાઈ"માં તમને નાખી દીધા.
હાથીના શત્રુ મહાવતે (અજ્ઞાને) ચારે તરફ ખાઈનું કુંડાળું કરી દીધું એમ જે કહેવામાં આવ્યું છે,તે અજ્ઞાને "તપનાં અસંખ્ય દુઃખો વડે ચોતરફ તમને વીંટી લીધા" તેવો કહેવાનો આશય છે.


હે રાજા,આ પ્રમાણે  વસ્તુતઃ હાથી નહિ હોવા છતાં,ઉપર જણાવેલા લક્ષણો મુજબ,આ સંસાર-રૂપી જંગલમાં તમે,હાથી-રૂપ છો,અને અજ્ઞાન-રૂપી-શત્રુઓ,ચારે તરફ ખાઈ કરી,તેમાં તમને પોતાના છળના બળથી બાંધેલા છે.અને આ તમે દુઃખદાયક અને દારુણ,"તપની ખાઈ"માં આજ સુધી બંધાઈ રહ્યા છો.
આ પ્રમાણે આ આખ્યાનથી મેં તમારું જ બધું વૃતાંત નિવેદન કર્યું  છે.માટે જે કરવાનું હોય તે કરો.

(૯૨) શિખીધ્વજનો ત્યાગ

ચૂડાલા કહે છે કે-તમે જયારે રાજ્યમાં રહ્યા હતા,ત્યારે નીતિવાળી અને જાણવાનું સર્વ જેણે જાણી લીધું હતું,
એવી ચૂડાલાએ તમને જે જ્ઞાન આપ્યું હતું,તેનો તમે શા માટે અંગીકાર કર્યો નહિ?
હે રાજા,તે ચૂડાલા તત્વવેત્તાઓમાં મુખ્ય છે અને તે પોતે જે કહે છે તે જ પોતે કરે છે,
એથી તે સર્વ સત્ય છે અને આદરથી આચરણ કરવા યોગ્ય છે.
હે રાજા, તમે ચૂડાલાના વચનોનો અંગીકાર ના કર્યો,અને પછી સર્વત્યાગને પણ કેમ સ્થિર ના કર્યો?

શિખીધ્વજ કહે છે કે-હે દેવપુત્ર,મેં રાજ્ય,ઘર,દેશ અને સ્ત્રીનો ત્યાગ કર્યો,તે શું સર્વ ત્યાગ નથી?
ચૂડાલા કહે છે કે-તમે જે વસ્તુઓનો ત્યાગ કર્યો,તે તત્વદૃષ્ટિથી જોતા તમારું છે જ નહિ,તો તમે શો ત્યાગ કર્યો?
વળી તમે ત્યાગ નહિ કરેલો એવો એક- પણ-સર્વથી મુખ્ય ભાગ બાકી રહી ગયો છે,
કે જેનો નિર્મળપણે ત્યાગ  કર્યાથી તમે શોક-રહિત થઇ જશો.

શિખીધ્વજ રાજા કહે છે કે-જો એ સર્વ રાજ્ય મારું ના હોય તો,પર્વત-વૃક્ષ-ઝાડી-વાળું આ વન "મારું છે"
એવું પણ મારે શું સમજવું? માટે હું તેનો પણ ત્યાગ કરી દઉં છું.
વળી આ આશ્રમ,વાવ,ઝુંપડી,મૃગચર્મ,પાત્રો વગેરે સર્વનો હું ત્યાગ કરું છું,એટલે મારો સર્વ ત્યાગ સિદ્ધ થશે.
ચૂડાલા કહે છે કે-આ સર્વ પણ તત્વ-દ્રષ્ટિ થી તમારું છે જ નહિ,તેથી હજુ પણ તે સર્વ ત્યાગ થયો કહેવાય નહિ.
પણ આ સર્વથી જુદો,કે જેનો તમે ત્યાગ કરેલો નથી,તેવો સર્વથી મુખ્ય એવો ત્યાગ કર્યાથી તમે શોકરહિત થશો.

વસિષ્ઠ કહે છે કે-(ચૂડાલાના એમ કહેવા છતાં) પોતાની આસપાસનું સર્વ ત્યાગીને,તે શાંત અને શુદ્ધ રાજા,બુદ્ધિમાં કોઈ ક્ષોભ નહિ રાખતાં,પોતાના આસન પરથી ઉભો થયો.કુંભ-મુનિ (અહીં-ચૂડાલા)
પણ પોતાના આસન પર બેઠા રહી,ત્યાંથી જ મંદમંદ હસતા,એ રાજાની ક્રિયાઓ જોતા હતા.
"એ રાજા જે કરે છે તે ભલે કરે,એ કર્મ તેને બહુ પવિત્ર કરનાર છે"
એમ સમજી કુંભમુનિએ મૌન ધારણ કરી,શિખીધ્વજ રાજા તરફ જોયા કર્યું.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE