Apr 4, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-780



તે રાજાએ,પોતાનો સર્વ સામાન (મૃગચર્મ-પાત્ર-વગેરે) એક જગ્યાએ એકઠો કર્યો,અને સૂકાં લાકડાંથી દેવતા સળગાવ્યો,અને સર્વ સામાન તે અગ્નિમાં નાખી પોતાના આસન પર જઈને બેઠો.
પોતાની રુદ્રાક્ષ-માળાને પણ અગ્નિમાં પધરાવી દીધી.અને મનથી વિચારવા લાગ્યો કે-
"જે કંઈ ત્યાગ કરવાને યોગ્ય હોય તેણે તરત જ ત્યજી દેવું યોગ્ય છે,કેમકે જો તે (પાત્ર-આસન-વગેરે) હશે તો વળી બીજા પણ તેણે અનુકુળ પદાર્થો ભેગા થશે કારણકે એક ઉપાધિ હોય તો બીજી ઉપાધિ વધી જવાની,
એવી આ લોકની રીતિ છે-માટે બધું અગ્નિ એક જ વખતે બાળી નાખે તો મને સંતોષ થશે.હું નિષ્ક્રિય-પણું પામવા માટે આ સઘળો કર્મ કરવાનો સામાન ત્યજી દઉં છું."

(૯૩) શિખીધ્વજને ત્યાગનો બોધ

વસિષ્ઠ કહે છે કે-એ રીતે શિખીધ્વજે મનમાં સમાનબુદ્ધિ રાખી,હર્ષ-શોકના આવેશને નહિ લાવતાં,
પોતાની પાસેની સર્વ વસ્તુઓ અગ્નિને અર્પણ કરીને છેવટે પોતાની ઝૂંપડી પણ બાળી મૂકી,અને
આમ સર્વ બળી જવાથી ફક્ત જેનો દેહ બાકી રહ્યો છે-એવો અને આસક્તિ વગરનો એ રાજા બહુ પ્રસન્ન થયો.

શિખીધ્વજ કહે છે કે-સર્વ સાધનોની મમતા મૂકી દઈ,હું હવે સર્વ-ત્યાગી થયો છું.અહો,દેવપુત્ર,તમે આજે મને ઘણે  કાળે આ બોધ આપ્યો છે.કોઈ જાતના પરિગ્રહ (સંગ્રહ) વગરનો અને સર્વત્યાગને લીધે શુદ્ધ થઇ ગયેલો હું,સુખેથી આપની કૃપા વડે,બોધવાળો થઇ ગયો.મમતાના સંકલ્પ વડે સંગ્રહ કરવામાં આવતા આ સઘળા સામાનમાં શો સાર રહ્યો હતો? જેમજેમ જુદાં જુદાં બંધનમાં રાખનાર વિષયોનો ત્યાગ થતો જાય છે,તેમ તેમ ચિત્ત પરમ આનંદને પ્રાપ્ત થતું જાય છે.હવે હું શાંત થયો છું,સુખી થયો છું,મેં અજ્ઞાનને જીતી લીધું છે,બધા બંધનનો નાશ કરી દીધો છે,દિશાઓ-રૂપી વસ્ત્રને ધારણ કરનારો (વસ્ત્ર વગરનો),દિશાઓને જ આશ્રમ ગણનારો (આશ્રમ વગરનો) અને દિશાઓ જેવો જ અસંગ થઈને રહ્યો છું.હે દેવપુત્ર,આ સર્વત્યાગ પછી હવે શું બાકી રહ્યું છે?

કુંભમુનિ (ચૂડાલા) કહે છે કે-હે શિખીધ્વજ રાજા,તમે હજી પણ સર્વત્યાગ કર્યો નથી છતાં તમે સર્વ-ત્યાગથી થતા પરમ આનંદનો ખોટો ડોળ કરો નહિ.હજી,જેનો ત્યાગ કરવાનો છે તે સર્વથી મુખ્ય ત્યાગ બાકી રહી ગયો છે,
કે જેના ત્યાગથી જ સાચો પરમ આનંદ પ્રાપ્ત થશે.

શિખીધ્વજ કહે છે કે-હે દેવપુત્ર,મેં (મારા વિચાર પ્રમાણે) તો સર્વનો ત્યાગ કર્યો છે,હવે તો રુધિર-માંસ-વગેરેથી બનેલો મારો આ દેહ બાકી રહ્યો છે,તો હવે અહીંથી ઉઠી કોઈ જાતની અડચણ ન નડે તેમ ભૃગુપાત (પર્વતના ઊંચા શિખર પરથી પાડીને મરવું તે) કરીને આ દેહનો વિનાશ કરીને સર્વત્યાગી થાઉં.
(નોંધ-અહી શિખીધ્વજ,કયો ત્યાગ બાકી રહી ગયો? તેવું પૂછવાને બદલે,પોતેજ વિચાર કરીને આગળ વધે છે,અને ચૂડાલા તેમ થવા દે છે.વિચારીને જ્ઞાન મેળવવાની આ રીત-પણ  વિચાર કરી જોવા જેવી છે!!)

વસિષ્ઠ કહે છે કે-એ રાજા એમ કહી,પોતાના નજીક રહેલા એ ભૃગુપાત કરવાના સ્થાનમાં (પર્વતના શિખર પર) પોતાના દેહનો ત્યાગ કરવા માટે જ્યાં વેગથી ઉઠવા જાય છે-
ત્યારે કુંભમુનિએ તેણે રોકી તેમ ના કરવાનું કહેતાં નીચે પ્રમાણે કહ્યું.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE