Apr 5, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-781

કુંભમુનિ કહે છે કે-હે રાજા,જેમ કોપેલો સાંઢ,પોતાના અપરાધ વિનાના વાછરડાને જ મારે,તેમ તમે અજ્ઞાનથી આ નિરપરાધી દેહનો ભૃગુપાત કરવાને (મરવાને માટે) શા માટે તૈયાર થયા છો? એ તુચ્છ દેહ તો જડ અને ક્રિયા વગરનો છે,અને (તેમ છતાં પણ) તપ કરવામાં ઉપયોગી પણ થયેલો છે.એણે,તમારો કોઈ જાતનો અપરાધ કર્યો નથી,માટે તે શરીરનો નકામો ત્યાગ કરો નહિ.જેમ,(પાણીમાં રહેલા) જડ લાકડાને (પાણીનો) તરંગ હલાવે છે,તેમ એ જડ દેહને બીજો જ કોઈ પ્રવૃત્તિ કરાવે છે.એ બીજો જ કોઈ પ્રેરણા કરીને દેહને હેરાન કરે છે,માટે વારંવાર બળાત્કારથી એ દેહ જ દંડને પાત્ર થાય છે.

જેમ,વૃક્ષ પરનાં પાંદડાં,ફળો,પુષ્પો વગેરેને પવન હલાવી પાડી નાખે તો-તેમાં વૃક્ષનો કોઈ અપરાધ નથી,
તેમ,આ જડ શરીરમાં સુખ-દુઃખ-આદિ ઉત્પન્ન થાય,તો તેના માટે શરીર અપરાધી નથી.
હે રાજા શરીરનો ત્યાગ કરવાથી પણ તમારો સર્વ-ત્યાગ સિદ્ધ થશે નહિ.માટે તેનો વૃથા ત્યાગ ના કરો.પણ,
જેમ કોઈ મદોન્મત હાથી વૃક્ષને પકડી રાખે,તેમ આ દેહને જે ટકાવી રાખે છે-
તે મહાપાપી ચિત્તનો જો તમે ત્યાગ કરો -તો જ તમારો સર્વ-ત્યાગ સિદ્ધ થયો કહેવાય.

તે ચિત્તનો ત્યાગ કર્યાથી દેહાદિકનો (સર્વનો) ત્યાગ થઇ જાય છે.
અને જો ચિત્તનો ત્યાગ થયો ના હોય તો જન્મ-મરણ-આદિ વડે દેહનો નાશ થયા પછી પણ
"પુનર્જન્મ-આદિના બીજરૂપ ચિત્ત"  કાયમ હોવાને લીધે ફરી બીજો દેહ પ્રાપ્ત થયા જ કરે છે.

શિખીધ્વજ કહે છે કે-હે દેવપુત્ર,આ દેહને કોણ ચલાવે છે? પુનર્જન્મનું અને કર્મોનું બીજ શું છે?
અને કોનો ત્યાગ કર્યાથી સર્વનો ત્યાગ સિદ્ધ થયો કહેવાય?
કુંભમુનિ કહે છે કે-રાજત્યાગ,દેહત્યાગ-વગેરેથી સર્વત્યાગ સિદ્ધ થતો નથી,પણ જે સંકલ્પ વડે સર્વને (પુનર્જન્મ-કર્મો વગેરે) ઉત્પન્ન કરવાના કારણરૂપ છે-તે ચિત્તનો ત્યાગ કરવાથી સર્વત્યાગ સિદ્ધ થયો કહેવાય છે.
શિખીધ્વજ કહે છે કે-સર્વરૂપે રહેલું,સર્વમાં વ્યાપ્ત,સર્વ ઠેકાણે અને સર્વકાળમાં ત્યાગ કરવાલાયક શું છે? તે કહો.

કુંભમુનિ કહે છે કે-હે રાજા,સર્વમાં રહી મનગમતું વર્તન કરનાર,ભ્રાંતિ-વાળું,શુદ્ધ ચૈતન્ય-સત્તાથી જુદું અને
જડ શરીર આદિથી પણ જુદું-"જીવ-પ્રાણ-આદિ" નામને ધારણ કરનારું
"ચિત્ત" જ સર્વરૂપ હોવાથી સર્વ-પદથી કહેવામાં આવ્યું છે.
સઘળી ભ્રાન્તિઓનું મૂળ ચિત્ત જ છે-એમ સમજવાનું છે.પુરુષ-રૂપે સર્વ વ્યવહાર કરનાર ચિત્ત જ છે,
અને આ જગતના સમૂહ-રૂપે ચિત્ત જ રહ્યું છે એમ સમજો.અને એટલે તે ચિત્ત જ સર્વપદથી રહેલું છે.

હે રાજા,જેમ,વૃક્ષનું મૂળ કારણ વૃક્ષબીજ જ હોય છે,તેમ,રાજ્ય-દેહ-આશ્રમ-આદિ સર્વનું બીજ "ચિત્ત" છે.
એટલે એ સર્વ બીજનો (ચિત્તનો) નાશ કાર્યથી સંપૂર્ણ રીતે ત્યાગ સિદ્ધ થાય છે.

સર્વ ધર્મ,અધર્મ,રાજ્ય,વન-આદિ,એ બધું ચિત્ત-વાળાને પરમ દુઃખ આપનાર અને ચિત્ત વગરનાને પરમ સુખ આપનાર થાય છે.જેમ,બીજ વૃક્ષ-રૂપે પરિણામ પામે,તેમ ચિત્ત જ સર્વ જગત-રૂપે,દેહ-આદિ અનેક આકારો રૂપે પરિણામ પામેલું છે.વૃક્ષને જેમ પવન કંપાવે છે તેમ,દેહને ચિત્ત જ ચલાવે છે (પ્રવૃત્તિ કરાવે છે)

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE