Apr 6, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-782

સર્વ પ્રાણીઓના પ્રસિદ્ધ ઉપભોગોનો,
જરા-મરણ-આદિ દેહધર્મોનો,તથા મહાત્માઓમાં રહેનાર
શમ-દમ-આદિ શુભ ગુણોનો પણ (તેવી ગાઢ વાસનાવાળું) ચિત્ત જ આશ્રય છે.
શાંતિને નહિ પામેલું,એ ચિત્ત જ-
અંદર મનન કરવાથી "મન"રૂપે અને પ્રાણોને ચલાવવાની ચેષ્ટાથી
"જીવ"રૂપે થઇ,બહાર અનેક દેહ-આદિ આકારો વડે (તે જ ચિત્ત) "જગત"રૂપે સ્ફુરે છે.
એ ચિત્ત જ,પોતાના સંકલ્પ-વિકલ્પ-આદિ વ્યાપારમાંથી વિરામ પામવાને લીધે,
"બુદ્ધિ-મહત્તત્વ-અહંકાર-પ્રાણ-જીવ" વગેરે (તેમની ક્રિયાઓને અનુરૂપ) થી કહેવામાં આવે છે.

આ રીતે,ચિત્ત જ સર્વ-રૂપ હોવાથી,"સર્વ" (ચિત્ત જ સર્વ છે-એમ) શબ્દથી પણ કહેવામાં આવ્યું છે.
વળી તેનો ત્યાગ કરવાથી જ સર્વ અડધી-વ્યાધિનો અંત આવે છે,અને પછી જ સર્વ ત્યાગ સિદ્ધ થાય છે.
હે રાજા,એટલે ચિત્ત-ત્યાગ એજ સર્વ-ત્યાગ છે-એમ તત્વવેત્તાઓએ સમજ્યું છે,
અને તે સિદ્ધ થવાથી જ સત્ય-આત્માનંદ (પરમાનંદ) નો અનુભવ થાય છે જ.

ચિત્તનો ત્યાગ કરવાથી,બુદ્ધિનાં દ્વૈત-અદ્વૈત (તે મનોમય હોવાથી) સર્વ પ્રકારે નાશ પામે છે.
અને પરમ શાંત,સ્વચ્છ,નિર્વિકાર એક "બ્રહ્મ તત્વ" જ બાકી રહે છે.
(કાર્ય (જગત) નો,કારણ (બ્રહ્મ) માંથી આવિર્ભાવ થાય છે-એમ માની તેમાં બે-પણાની બુદ્ધિ તે દ્વૈત-બુદ્ધિ
અને ક્રમથી કાર્યનો કારણમાં લય થવાથી એક-પણાની બુદ્ધિ તે અદ્વૈત-બુદ્ધિ)
આ સંસાર-રૂપી ધાન્ય ઉગવાનું ચિત્ત એ જ ક્ષેત્ર (ખેતર) છે.
એટલે જો તે ક્ષેત્ર જ ધાન્ય ઉગે નહિ તેવું થઇ ગયું હોય તો ધાન્ય કેવી રીતે ઉગે?

જેમ,જળ,તરંગ-રૂપે પરિણામ પામે છે તેમ,વિચિત્ર વાસનાવાળું ચિત્ત જ ભાવ અને અભાવ-વાળા
પદાર્થોના આકાર-રૂપે પરિણામ પામે છે.હે રાજા, જેમ સામ્રાજ્ય થી સર્વ અર્થ સારી રીતે સિદ્ધ થાય છે,
તેમ,ચિત્તને ઉખેડી નાખવા-રૂપી સર્વ-ત્યાગથી સર્વ ત્યાગ સારી રીતે સિદ્ધ થાય છે.
વળી,તમે પોતે,બીજા કોઈના (એટલે કે શુદ્ધ આત્માના)છો,
તેથી તે (ચિત્તમાં "હું દેહ છું" એવા રહેલા) ચિત્તના "અહંકાર"નો ત્યાગ કરવો પણ મહત્વનો છે,
પણ, તે ત્યાગ કરવા યોગ્ય અહંકારને તમે ગ્રહણ કરીને રાખેલો છે,તેથી તમારો સર્વ-ત્યાગ સિદ્ધ થતો નથી.

સંસારના સઘળા પદાર્થોનો ત્યાગ કરવો -એટલે "સઘળું કંઈ આત્માનું જ સ્વરૂપ છે"એવું જેણે જાણ્યું છે,
તેને,સૂતરનો દોરો જેમ મોતીની અંદર પરોવાઈ રહ્યો હોય,તેમ આ સર્વ પરમાત્મામાં જ પરોવાયેલું લાગે છે.
જેણે સર્વ-ત્યાગ કર્યો,તેના (આકાશ જેવા) શૂન્ય-સ્વ-રૂપમાં પણ આ સર્વ જગત ત્રણેય કાળમાં
દોરામાં મોતી પરોવાઈ રહેલા ની જેમ પરોવાઈ રહેલું લાગે છે.

જે તેલ વગરના દીવાની પેઠે,સર્વનો ત્યાગ કરે છે (દીવાની જેમ શાંત રહીને રહે છે)
તે પોતે (સર્વત્ર સમાન-પણે વર્તી) ચૈતન્ય-બ્રહ્મ થવાથી,તેલવાળા દીવાની જેમ સર્વત્ર પ્રકાશે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE