Apr 7, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-783

જેમ,રાજ્ય-વન-મૃગચર્મ-ઝુંપડી-વગેરે સર્વ વસ્તુઓનો ત્યાગ કર્યાથી,
કેવળ તમે પોતે જ (તમારો દેહ જ) એક માત્ર બાકી રહ્યા છો,
એવું તમે (ખોટી રીતે) માનતા હતા,
તેમ,આ સર્વ અંદરના (ચિત્તના) અને બહારના પદાર્થોનો ત્યાગ કર્યાથી,
એક માત્ર જ્ઞાન-રૂપ શુદ્ધ પરમાત્મા જ બાકી રહે છે.જેમ સર્વ વસ્તુઓને બાળી મૂકી બાકી રહેલા તમે તમારા પોતાના સ્વ-રૂપથી જુદા નથી,તેમ,સર્વનો ત્યાગ કરતાં અવશેષ રહેલા પરમાત્મા પોતે પણ કોઈ મોક્ષથી જુદા કહી શકાતા નથી.

જેમ,આકાશ પોતે શૂન્ય હોવા છતાં,અનેક મોટા સૂર્ય-ચંદ્ર-નક્ષત્રો-આદિનો આશ્રય છે,
તેમ,સર્વ-ત્યાગ (સર્વનો અભાવ હોવાને લીધે) શૂન્ય જેવો જ છે,છતાં સર્વ સત્તાઓના આશ્રય-રૂપ છે.
જેમ આકાશને ઘંટી ટાંકવાની ટાંકણી,કાંઇ બાધ કરી શકતી નથી,તેમ,સર્વ-ત્યાગ-રૂપી-રસનું પાન કર્યાથી,અસંગ થઇ ગયેલા પુરુષને જન્મ-મરણ-વગેરેનો ભય બાધ કરી શકતાં નથી.
સર્વ-ત્યાગ કર્યાથી બુદ્ધિ એકદમ સ્થિર થઇ જાય છે,અને સર્વ-ત્યાગ એ જ પરમ-આનંદ-રૂપ છે,
તે સિવાય બીજું બધું મહા-ભયંકર-દુઃખ આપનાર છે-એ વાત હૃદયમાં રાખી,તમે જે ઈચ્છા થાય તે કરો.

જેમ,સમુદ્રનું જળ વડવાગ્નિમાં જાય છે,તો બીજું જળ નદી દ્વારા આવી સમુદ્રમાં મળે છે,
તેમ,જે પુરુષ સર્વનો ત્યાગ કરે છે,તેને પાછું તે બધું (ત્યાગ કરેલું) આવી મળે છે.
જેમ,પાત્રના પોલાણ ભાગમાં જ રત્ન-વગેરે રહી શકે છે,તેમ,એ સર્વ-ત્યાગની અંદર જ આત્માને
પ્રસન્ન કારણરૂપ  જ્ઞાન રહ્યું છે.હે રાજા,સર્વ-ત્યાગ એ જ સર્વ સંપત્તિઓનું રહેવાનું સ્થાન છે,
કેમ કે જે પુરુષ કંઈ પણ લેતો નથી તેને સર્વલોકો સર્વ (વસ્તુઓ) આપી જાય છે.

માત્ર,તમે સર્વનો ત્યાગ કરી,આકાશની જેમ અસંગ,સ્વસ્થ અને શાંત રહી,તમારું જે ખરું રૂપ છે તે રૂપે (બ્રહ્મ-રૂપે) થઈને રહો.પ્રથમ સર્વનો ત્યાગ કરી,પછી એ ત્યાગ કરવામાં સાધન-રૂપ થયેલા
ચિત્તનો પણ ત્યાગ કરી,"હું ત્યાગ કરનાર છું" એવું ત્યાગનું અભિમાન કરવાનાર,
અહંકાર-રૂપી મેલને પણ મૂકી દઈને,તમે જીવનમુક્ત થાઓ.

(૯૪) ચિદ્રૂપ (પરમાત્મા) જ અવશેષ રહે એવો બોધ

વસિષ્ઠ કહે છે કે-એ પ્રમાણે કુંભમુનિનાં વચનો સાંભળી,તે રાજા,પોતાના અંતરમાં ચિત્તના ત્યાગનો વારંવાર વિચાર કરીને,શાંત થયો અને પછી બોલ્યો કે-હૃદય-રૂપી વૃક્ષમાં વાંદરાની જેમ રહેનાર એ ચિત્ત મારું નથી એમ સમજી મેં એનો ત્યાગ કર્યો,છતાં પણ વારંવાર પાછું આવીને ઉભું રહે છે.હે દેવપુત્ર,માછલી જેમ આતુરતાથી જાળમાં ફસાઈ પાડીને,તેનો સ્વીકાર કરીલે,તેમ હું એ ચિત્તનો મમત્વ-બુદ્ધિથી સ્વીકાર કરવાનું તો જાણું છું,પરંતુ જેમ દ્રવ્યનો ત્યાગ કરી શકાય છે,તેમ એ ચિત્તનો ત્યાગ કરી શકાય છે,તેવો એ ચિત્તનો ત્યાગ કરવાનો ઉપાય
હું જાણતો નથી,માટે આપ મને એ ચિત્તના ત્યાગનો ઉપાય બરાબર રીતે કહો.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE