Apr 8, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-784



કુંભમુનિ કહે છે કે-હે શિખીધ્વજ રાજા,વાસના જ ચિત્તનું સ્વરૂપ છે-એમ તમે સમજો.તે ચિત્તનો ત્યાગ અતિ સહેલો છે,અને નિમેષ (આંખના પલકારા) ના કરતાં પણ ઓછા સમયમાં સુખેથી સાધી શકાય તેવો છે.
જેમ,કોઈ પામર પ્રાણીને,સામ્રાજ્ય મેળવવું અતિ-મુશ્કેલ લાગે,અને જેમ તૃણનું મેરુ-પણું થવું મહામુશ્કેલ લાગે,
તેમ,મનનો ત્યાગ પણ મૂર્ખ માણસને,મહા-કષ્ટ વડે સાધી શકાય તેવો મુશ્કેલ લાગે છે.

શિખીધ્વજ કહે છે કે-મેં ચિત્તનું વાસનામય સ્વરૂપ તો જાણ્યું,પરંતુ એ ચિત્તનો ત્યાગ,વજ્ર (લોઢા)ને ગળી જવા કરતાં પણ વધુ મુશ્કેલ છે એમ હું માનું છું.જે ચિત્ત આ સંસાર-રૂપી સુગંધની ઉત્પત્તિના માટે પુષ્પના જેવું છે,
જે દુઃખ-રૂપી બળતરા પેદા કરવામાં અગ્નિ જેવું છે,જે જગત-રૂપી કમળની સ્થિતિને માટે કમળના દંડ જેવું છે,
જે મોહ-રૂપી પવન ઉત્પન્ન કરવામાં આકાશના જેવું છે,જે આ શરીર-રૂપી યંત્રને ચલાવનાર છે,તથા હૃદય-રૂપી કમળમાં જે ભમરાની પેઠે રહેલું છે-તે ચિત્તનો,સહેલી રીતે ત્યાગ થઇ શકે-તે વિષે આપ કહો.

કુંભમુનિ કહે છે કે-હે રાજા,મૂળ,છોડ,ડાળી,પાંદડાં-વગેરે સહિત સર્વ અંશે,જેમ વૃક્ષનો નાશ થાય છે,
તેમ,સર્વ અંશે ચિત્તનો નાશ-એજ સંસારનો નાશ છે.અને ચિત્ત-ત્યાગ પણ તે જ છે-એમ આત્મવેત્તાઓનું કહેવું છે.
શિખીધ્વજ કહે છે કે-ચિત્તના ત્યાગ કરતા તેનો નાશ કરવો એ વધારે સિદ્ધિ આપનાર છે,એમ મને લાગે છે,કેમકે કોઈ વ્યાધિ નો "મમતા મૂકી દેવા-રૂપ-ત્યાગ" ભલે સો વખત કરવામાં આવે,પરંતુ તેનો (ત્યાગનો) નાશ થયા વિના એ વ્યાધિ નો અભાવ કેવી રીતે અનુભવમાં આવી શકે? (વ્યાધિ કેવી રીતે જાય?)

કુભમુનિ ખે છે કે-અહંકાર-રૂપી-બીજથી ઉત્પન્ન થનારા ચિત્ત-રૂપી-વૃક્ષને,
તમે શાખા,ફળ,અને પાંદડાં સાથે  મૂળમાંથી ઉખેડી નાખો અને
આકાશની પેઠે આવરણ તથા વિક્ષેપ વગરના અસંગ અને વિશાળ હૃદય-વાળા થાઓ.
શિખીધ્વજ કહે છે કે-હે દેવપુત્ર,ચિત્તનું મૂળ શું છે?અંકુર શો છે?તેનું ઉત્પતિસ્થાન ક્ષેત્ર કયું છે?
કઈ ડાળીઓ,કયું  થડ અને શી રીતે તેને ઉખેડી શકાય?

કુંભમુનિ કહે છે કે-હે શિખીધ્વજ રાજા,અહંભાવને ઉત્પન્ન કરનાર અહંકાર જ ચિત્તના અભિમાનથી પ્રસિદ્ધ છે.
અને એ "અહંકાર"ને જ ચિત્ત-રૂપી વૃક્ષનું "બીજ" તમે સમજો.
પરમાત્માને પ્રતિબિંબ-રૂપે આશ્રય આપનારી "માયા" એ જ ચિત્ત-રૂપી-વૃક્ષનું "ક્ષેત્ર" છે.
(કે જે માયા,આ સઘળા માયામય પ્રપંચ (જગત) નું પણ ક્ષેત્ર છે)
એ બીજ (અહંકાર) માંથી પ્રથમ પ્રગટ થઈને (ચિદાભાસને લીધે) "અનુભવ"ને આકારે સ્ફૂરતી (છતાં નિરાકાર)
એવી નિશ્ચયાત્મક "બુદ્ધિ" જ એ ચિત્ત-રૂપી-વૃક્ષનો "અંકુર" છે.
એ "બુદ્ધિ-રૂપી-અંકુર" ની સ્થૂળતા થતાં (વધતા) "સંકલ્પ-રૂપે-સ્ફૂરણ" થવું તેને જ (ફરી પાછું) "ચિત્ત" કહે છે.
કે જે (મનન કરવાના લીધે) "મન" પણ કહેવાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE